ગીર સોમનાથમાં પ્રોહીબિશનના બે ગુનામાં નાસતો-ફરતો આરોપી રેંજ આઈજીની ટીમે ઝડપી પાડ્યો
ઉનાના તડ ગામ ખાતેથી આરોપી હિતેશ ચૌહાણની ધરપકડ
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના બે અલગ-અલગ ગુનાઓમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલા આરોપીને રેંજ આઈજીની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જૂનાગઢ વિભાગના રેંજ આઈજી શ્રી આર. વી. ચૂડાસમાની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમની ટીમના કર્મચારીઓ પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓની શોધખોળમાં હતા. આ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે રેંજ આઈજી ટીમના રામદેવસિંહ, કનકસિંહ, પ્રવિણસિંહ અને જગદીશભાઈ સહિતના સ્ટાફે દરોડો પાડીને ફરાર આરોપી હિતેશ મેરૂભાઇ ચૌહાણને ઉના તાલુકાના તડ ગામે આવેલી માધ્યમિક શાળા નજીકથી દબોચી લીધો હતો.
નવાબંદર પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીબિશનના ગુનાઓમાં લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા આ આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની તજવીજ અર્થે સ્થાનિક પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેંજ આઈજીની ટીમની આ ત્વરિત કાર્યવાહીથી ગુનેગારોમાં ફાળ પડી છે.


