રાજકોટ રેલવે સ્ટેશન પર કેટરિંગ સેવાઓનું સિનિયર DCM સુનીલ કુમાર મીનાએ કર્યું નિરીક્ષણ
ઓખા-ગુવાહાટી એક્સપ્રેસની પેન્ટ્રીકારમાં ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાની ગહન તપાસ હાથ ધરાઈ; પેસેન્જર સેવાના ધોરણોની સમીક્ષા કરાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
મુસાફરોને સુરક્ષિત, સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત કેટરિંગ (ખાનપાન) સેવાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી રાજકોટ ડિવિઝન દ્વારા કેટરિંગ સેવાઓના નિરીક્ષણ અને ગુણવત્તા તપાસનું અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે. આ જ શ્રેણીમાં આજે રાજકોટ ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ રાજકોટ રેલવે સ્ટેશન પર સંચાલિત વિવિધ કેટરિંગ સ્ટોલનું સઘન નિરીક્ષણ કર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન તેમણે સ્ટોલ પર ઉપલબ્ધ ખાદ્ય અને પેય પદાર્થોની ગુણવત્તા, જથ્થો (પ્રમાણ), સ્વચ્છતા, ભાવપત્રક (પ્રાઇસ લિસ્ટ), ખાદ્યસામગ્રીની જાળવણી તેમજ મુસાફરોને આપવામાં આવતી સેવાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓ અને કેટરિંગ સંચાલકોને સૂચના આપી હતી કે મુસાફરોને નિર્ધારિત ધોરણો મુજબ તાજું, સ્વચ્છ અને ઉચ્ચ ગુણવત્તાવાળું ભોજન પૂરું પાડવામાં આવે તેમજ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત તમામ નિયમોનું ૧૦૦% પાલન સુનિશ્ચિત કરવામાં આવે.
ત્યારબાદ શ્રી મીનાએ ટ્રેન નંબર 15635 ઓખા–ગુવાહાટી એક્સપ્રેસની પેન્ટ્રીકારનું પણ ગહન નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ભોજનની ગુણવત્તા અને જથ્થાની તપાસની સાથે-સાથે ખાદ્ય સામગ્રીનો સંગ્રહ, રસોડાની સ્વચ્છતા, ભોજન બનાવવાની અને પીરસવાની પ્રક્રિયા તેમજ મુસાફરોને પૂરી પાડવામાં આવતી ખાનપાન સેવાઓનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
નિરીક્ષણ દરમિયાન ફરજ પરના કર્મચારીઓને વ્યક્તિગત સ્વચ્છતા, ખાદ્ય સુરક્ષા ધોરણોનું પાલન, ભોજનનું સલામત હેન્ડલિંગ, સાફ-સફાઈ જાળવવી અને મુસાફરો સાથે નમ્ર તથા સૌહાર્દપૂર્ણ વર્તન કરવા અંગે જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા. સાથોસાથ તેમને મુસાફરોને સમયસર, ગુણવત્તાયુક્ત અને સંતોષકારક સેવા પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રાજકોટ ડિવિઝન મુસાફરોને સુરક્ષિત, સ્વચ્છ અને ઉચ્ચ ગુણવત્તાવાળી કેટરિંગ સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. આ જ હેતુથી ડિવિઝન સ્તરે કેટરિંગ સેવાઓનું નિયમિત મોનિટરિંગ, ગુણવત્તા તપાસ અને આકસ્મિક નિરીક્ષણ સતત કરવામાં આવી રહ્યું છે, જેથી મુસાફરોને બહેતર, સુરક્ષિત અને સંતોષકારક મુસાફરીનો અનુભવ મળી રહે.


