જંગલેશ્વર ડિમોલેશન વિવાદમાં આવેલી એજન્સીને ફરીથી વીડિયો ગ્રાફીનો કોન્ટ્રાકટ
૨૪ લાખનું બીલ આપનાર બાલાજી એન્ટરપ્રાઇઝને ફરીથી કોન્ટ્રાકટ આપતા વધુ એક વિવાદના એંધાણ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત ચાલતા વહીવટી કાર્યોમાં વધુ એક મોટો વિવાદ સામે આવ્યો છે. રાજકોટના જાણીતા જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન વીડિયોગ્રાફીના રૂ. 24 લાખના બિલને લઈને ભારે હોબાળો મચી ગયો હતો અને આ મામલે મોટો વિવાદ થયો હતો. નિયમ મુજબ જે કંપની સામે શંકાની સોય તાકવામાં આવી હતી અને જેને બ્લેક લિસ્ટ કરવાની માંગ ઉઠી હતી, તે જ ‘બાલાજી એન્ટરપ્રાઇઝ’ નામની કંપનીને તંત્ર દ્વારા ફરીથી વીડિયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવતા ભારે ચકચાર જાગી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડિમોલિશનના વીડિયોગ્રાફી બિલને લઈને કૌભાંડના ગંભીર આક્ષેપો થયા હતા. આ મામલે રાજકોટ મનપાના મેયર નેહલ શુક્લ દ્વારા પત્રકાર પરિષદ બોલાવીને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાની મોટી મોટી વાતો અને ખાતરી આપવામાં આવી હતી. તંત્ર દ્વારા આ મામલે તપાસ કમિટી પણ બનાવવામાં આવી હતી, પરંતુ વિવેચકોના મતે આ તપાસ કમિટી માત્ર મામલો થાળે પાડવા અને ભીનું સંકેલવાનો પ્રયાસ માત્ર સાબિત થઈ રહી છે.
એક તરફ તંત્ર કૌભાંડની તપાસના નાટક કરી રહ્યું છે, તો બીજી તરફ કૌભાંડના આક્ષેપોથી ઘેરાયેલી કંપનીને જ ફરીથી કામગીરી સોંપવામાં આવતા મનપાના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા શંકાના ઘેરામાં આવી ગઈ છે. પાલિકાના કોઈ ભ્રષ્ટ અધિકારીના ‘ચાર હાથ’ આ કંપની પર હોવાની ચર્ચાઓ પણ શહેરમાં જોરશોરથી ચાલી રહી છે, જેના કારણે સામાન્ય જનતા અને વિરોધ પક્ષોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે મનપાની ચૂંટાયેલી પાંખ દ્વારા પણ ગોળ-ગોળ જવાબ આપવામાં આવ્યા હતાં અને જાહેરાત વગર જ ટેન્ડર પ્રક્રિયા થઇ હોવાથી ખુદ મેયર પણ અજાણ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તેમજ નિયત પ્રક્રિયા મુજબ જ કામગીરી થઇ હોવાનો બચાવ મેયર દ્વારા કરવામાં આવ્યો હતો.
રાજકોટના વિડિયોગ્રાફર રાજેશ પરમારે મનપાના તંત્ર સામે ગંભીર આરોપોનો મારો ચલાવ્યો હતો. તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ અને તેમના જેવા અન્ય અનેક સ્થાનિક વિડિયોગ્રાફરો મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવતા નવા વિડિયોગ્રાફીના ટેન્ડરમાં ભાગ લેવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જ્યારે તેઓ ટેન્ડર ભરવાની પ્રક્રિયા અંગે માહિતી મેળવવા માટે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા, ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે કૉન્ટ્રાક્ટ તો અગાઉથી જ બારોબાર ચોક્કસ એજન્સીને આપી દેવામાં આવ્યો છે. તેમને એ જાણીને ભારે આંચકો લાગ્યો હતો કે કોઈ પ્રકારની સત્તાવાર જાહેરાત કે સ્પર્ધાત્મક પ્રક્રિયા વગર જ આ કામ પધરાવી દેવાયું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે અગાઉથી જંગલેશ્વર ડિમોલિશન બાદ વિવાદમાં રહી છે અને જે એજન્સીને ખરેખર બ્લેકલિસ્ટ થવી જોઈએ તે બાલાજી એજન્સીને મનપાના અધિકારીઓએ ફરી વખત કામ રીપીટ કરીને આપી દીધું છે. સરકારી નીતિ-નિયમો અને ગુજરાત સરકારની પ્રવર્તમાન ટેન્ડર પદ્ધતિ મુજબ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે સરકારી વિભાગો દ્વારા કરવામાં આવતા કોઈપણ ખરીદી અથવા સર્વિસ કૉન્ટ્રાક્ટ માટે GeM (ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ) પોર્ટલ પર ટેન્ડર મૂકવું ફરજિયાત હોય છે. આ ઉપરાંત, દૈનિક વર્તમાનપત્રોમાં જાહેર ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ આપવી અને સત્તાવાર વેબસાઇટ પર વિગતવાર ટેન્ડર નોટિસ પ્રસિદ્ધ કરવી અત્યંત આવશ્યક ગણાય છે.
જોકે રાજકોટ મનપાનાં જવાબદાર અધિકારીઓએ આ વિડીયોગ્રાફીનાં કામ અંગે આમાંના એક પણ નિયમનું પાલન કર્યું નથી. મનપા દ્વારા ન તો વર્તમાનપત્રોમાં કોઈ જાહેરાત આપવામાં આવી, ન તો GeM પોર્ટલ પર ટેન્ડર અપલોડ કરવામાં આવ્યું અને ન તો મનપાની પોતાની અધિકૃત વેબસાઇટ પર તેની કોઈ વિગત મૂકવામાં આવી હતી. આમ, પારદર્શિતાના તમામ નિયમોનું ઉલ્લંઘન કરી બારોબાર વહીવટ કરી દેવામાં આવ્યો હોય તેવુ જણાઈ રહ્યું છે. જો મહાનગરપાલિકા આવી રીતે જ બારોબાર પોતાના માનીતા લોકોને કૉન્ટ્રાક્ટ આપતી રહેશે, તો શહેરમાં વર્ષોથી પ્રમાણિકતાથી કામ કરતા સેંકડો વિડિયોગ્રાફરો અને ફોટોગ્રાફરોના રોજીરોટીનું શું થશે? તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.
બીજી તરફ સાંસ્કૃતિક વિભાગના ચેરમેન મનીષ ભટ્ટે આ મામલે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, ગત મે માસમાં અમારી નવી બોડી અસ્તિત્વમાં આવી તે પહેલાં જ આ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલમાં આ કૉન્ટ્રાક્ટ પ્રક્રિયામાં એક પાર્ટી L-1 (સૌથી ઓછું ભાવપત્રક ધરાવનાર) તરીકે આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ સમગ્ર વિગત હજુ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી અર્થે આવશે અને તે સમયે કમિટી દ્વારા તમામ પાસાંઓને ચકાસીને આખરી નિર્ણય લેવામાં આવશે. જો તપાસ દરમિયાન એવું સામે આવશે કે ટેન્ડર પ્રક્રિયામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી કે કોઈ ગેરરીતિ થઈ છે, તો આ ટેન્ડર રદ્દ કરીને તુરંત નવેસરથી રિટેન્ડર કરવાની કામગીરી હાથ ધરાશે. પ્રજાના ટેક્સનો એક પણ પૈસો વેડફાય નહીં તે માટે આપણું તંત્ર સંપૂર્ણ સતર્ક અને કટિબદ્ધ છે.


