ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર
ગૌપ્રેમીઓ દ્વારા ઉગ્ર માંગણી કરાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે ગૌપ્રેમીઓ અને સાધુ-સંતો દ્વારા એક મહત્વપૂર્ણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર મારફતે સમગ્ર દેશમાં ગાય માતાને સત્તાવાર રીતે ‘રાષ્ટ્રમાતા’ તરીકે જાહેર કરવાની બુલંદ માંગણી દોહરાવવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં ગૌભક્તો, સાધુ-સંતો તેમજ ગૌસેવકો કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને વાતાવરણ ગૌમાતાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
આવેદનપત્ર આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં ગૌવંશના રક્ષણ, સંવર્ધન અને સન્માન માટે કાયદાકીય મજબૂતી લાવવાનો છે. ગૌપ્રેમીઓએ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે દેશમાં ગૌવંશની ગેરકાયદેસર હત્યા અટકાવવા માટે સરકાર દ્વારા અત્યંત કડક અને મજબૂત પગલાં લેવા જરૂરી છે. ગાય માત્ર એક પશુ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક છે, જેથી તેને રાષ્ટ્રીય દરજ્જો મળવો અત્યંત આવશ્યક છે.
આ તકે ઉપસ્થિત ગૌસેવકો અને સંતોએ સરકારને સ્પષ્ટ ચિમકી આપતા જણાવ્યું હતું કે જો ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની આ વ્યાજબી અને ધાર્મિક માંગણી વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં સમગ્ર રાજ્ય અને દેશભરમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.


