ઓમ દાદા ફાઉન્ડેશન દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન
ભાવાંજલી, ગુરૂપૂજન, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે : આયોજકો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે
અગ્ર ગુજરાત, રાજકોટ
પરમ પૂજ્ય શ્રી ૐકારા – ૐદાદાના પાવન સાનિધ્યમાં બુધવાર, તા. ૨૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ – ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો, આત્મચિંતન કરવાનો તથા જીવનમાં સદાચાર, સેવા અને આત્મજાગૃતિના મૂલ્યોને આત્મસાત્ કરવાનો પવિત્ર અવસર માનવામાં આવે છે. આ મહોત્સવ પણ એ જ પવિત્ર ભાવનાને સમર્પિત રહેશે.
પરમ પૂજ્ય શ્રી ૐકારા – ૐદાદાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૪થી જીવદયા, માનવસેવા, અન્ન સેવા, પ્રકૃતિ સંરક્ષણ, વ્યસનમુક્તિ અને આધ્યાત્મિક જાગૃતિના વિવિધ ક્ષેત્રોમાં સેવાપ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે. તેમની જીવનદૃષ્ટિ સર્વ ધર્મ, સર્વ સંસ્કૃતિ અને સર્વ સંપ્રદાય પ્રત્યે સમાન આદર, સહઅસ્તિત્વ તથા સર્વ જીવમાત્રના કલ્યાણના સિદ્ધાંત પર આધારિત છે. તેમનો જીવનસંદેશ “કર્મ એ જ ધર્મ” અને “દરેક જીવમાં રહેલો આત્મા એ જ પરમાત્માનું સ્વરૂપ છે.” આ વિચારને કેન્દ્રમાં રાખીને સેવા, કરુણા, માનવતા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીને જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમા મહોત્સવ અંતર્ગત સાંજે ૭:૦૦ વાગ્યે મંગલ શુભારંભ, ૭:૧૫ વાગ્યે પ્રાસંગિક ઉદ્બોધન, ૭:૩૦ વાગ્યે ગુરુપૂજન, રાત્રે ૮:૦૦ વાગ્યે શિષ્ય દ્વારા ભાવાંજલિ રજૂઆત, ૮:૧૫ વાગ્યે દિવ્ય આશીર્વચન તથા શક્તિપાત, ૮:૩૦ વાગ્યે દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ મેસોનીક હોલ, ભૂતખાના ચોક, ઢેબર રોડ, બસ સ્ટેન્ડની બાજુમાં, રાજકોટ ખાતે યોજાશે. સમસ્ત ૐભક્તોને સહપરિવાર ઉપસ્થિત રહી ગુરુચરણોમાં કૃતજ્ઞતા અર્પણ કરવા, ગુરુકૃપાના આશીર્વાદ પ્રાપ્ત કરવા તથા મહાપ્રસાદનો લાભ લેવા ભાવપૂર્વક નિમંત્રણ પાઠવવામાં આવે છે.
વધુ માહિતી માટે શ્રી મિતેશભાઈ દોશી (મો. ૯૩૭૪૯૧૯૯૩૮)*નો સંપર્ક કરવા વિનંતી છે. આ ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન ૐદાદા ફાઉન્ડેશન, ૐકારા ફાઉન્ડેશન અને ૐકારા આર્મી દ્વારા કરવામાં આવ્યું છે. તેમ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા મીતેશભાઇ દોશી, હર્ષિલભાઇ શાહ નયનભાઇ કોઠારી, ભાવેશભાઇ બાબરીયા, જીજ્ઞેશભાઇ વાગડીયા, હેમાંગભાઇ દલસાડીયા, અમીતભાઇ લોઠવાણી, સુરેશભાઇ ચૌહાણ, હરેશભાઇ અઘારા, રવીભાઇ શુકલાએ જણાવ્યું હતું.


