રાજકોટ ST વિભાગની ૮૦૦ ટ્રીપ ભારે વરસાદના કારણે કરાઈ કેન્સલ
36,000થી વધુ મુસાફરોને હાલાકી, ત્રણ દિવસમાં 30 લાખથી વધુની નુકસાની
અગ્ર ગુજરાત, રાજકોટ
વરસાદને પગલે રાજકોટ એસટી વિભાગની 800 ટ્રીપ રદ થતા 36,000 મુસાફરોએ મૂશ્કેલી ભોગવી હતી. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની બસો રદ થતા મુસાફરોએ ખાનગી બસોનો સહારો લેવો પડ્યો હતો. રાજકોટથી અમદાવાદ અને સંતરામપુર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને માંડલ તેમજ ભુજથી અમદાવાદ જતી બસો બંધ હતી. જેને કારણે એસટી વિભાગને ત્રણ દિવસમાં રૂ.35 લાખની નુકશાની ગઈ છે. જોકે હજુ બાવળા જતો રસ્તો બંધ હોવાથી રાજકોટથી અમદાવાદ જતી તમામ એસટી બસને વાયા બગોદરા થઈને ફરીને જવું પડતા મુસાફરો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
રાજકોટ એસટીના વિભાગીય નિયામક મનીષ રાજે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી જે ભારે વરસાદ થયો એની અંદર રાજકોટ વિભાગની કુલ 700 થી 800 ટ્રિપ રદ થઈ છે. જ્યારે 1.20 લાખ કિલોમીટર રદ થયા છે અને એવરેજ રૂ.35 લાખની આવક ગુમાવવી પડી છે.રાજકોટથી અમદાવાદનો રસ્તો બંધ હતો. જે વાયા બગોદરા ચાલે છે. ધોળકાનો રોડ બંધ હજુ બંધ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર-અમદાવાદ, માંડવીથી ભુજ-અમદાવાદનો રોડ બંધ હતો. જોકે હવે તો અમદાવાદનો જે ડાયવર્ઝન હતો એમાં ચાલે છે. અત્યારે બધું સંચાલન ચાલુ થઈ ગયું છે.
જ્યારે બસો બંધ હતી ત્યારે મુસાફરોને કેટલીક મુશ્કેલી પડી ? તેવું પૂછાતા તેમણે જણાવ્યું હતું કે, ના, કોઈ એવા મુસાફરના ફોન કે એવું કાંઈ આવ્યું નથી ને કોઈને મુશ્કેલી પડી નથી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરતનું આવન-જાવન અહિયાંથી રાજકોટથી સુરતની બસો ચાલુ થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝનમાં રાજકોટ, ગોંડલ, સુરેન્દ્રનગર, લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રા, મોરબી એમ કુલ 9 ડેપો આવે છે. જેમાં સુરેન્દ્રનગરમાં વરસાદ વધારે છે એટલે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા બાજુ અસર વધારે થયેલી છે. જ્યારે અંતમાં જણાવ્યું હતું કે, અત્યારે અમદાવાદનો જે મેઇન બાવળાવાળો રસ્તો બંધ છે એના લીધે વાયા બગોદરા થઈને અમદાવાદનું સંચાલન ચાલુ રાખેલું છે.


