મનપાના ફૂડ વિભાગે 53 પેઢીઓમાં ચેકિંગ હાથ ધરી 1226 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો
4 જાણીતી પેઢીઓ સીલ, 25ને નોટિસ ફટકારી ₹42,000નો વહીવટી દંડ વસૂલાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્યપદાર્થોના વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે લાલઆંખ કરી છે. શહેરમાં ભેળસેળ અને અસ્વચ્છતા સામે કડક ઝુંબેશ ચલાવી સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગે કુલ 53 પેઢી અને રેસ્ટોરન્ટ્સમાં તપાશ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન માનવ શરીર માટે હાનિકારક એવો 1,226 કિલો વાસી અને અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
કાર્યવાહી દરમિયાન ગંભીર ક્ષતિઓ જણાઈ આવતા 4 પેઢીઓને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી છે. જ્યારે સ્ટોરેજ, લાઈસન્સ અને અહાઈજેનિક કન્ડિશન બાબતે 25 પેઢીઓને નોટિસ પાઠવી રૂ. 42,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
મનપા ફૂડ વિભાગ દ્વારા ઘોષ બંગાલ સ્વીટ્સ (પેલેસ રોડ): તપાસ દરમિયાન ફ્રિજમાંથી દુર્ગંધયુક્ત વાસી છેના, વાસી કાચા સમોસા, વાસી લોટ અને સડેલા બટેટા સહિત 146 KG અખાદ્ય જથ્થો મળી આવતા સીલ કરી રૂ. 5,000 દંડ વસૂલાયો. વિહાન નમકીન (મવડી ગામ પાસે): સ્થળ પર જીવાત અને ખુલ્લું ફરસાણ તથા બાંધેલો વાસી લોટ મળી આવતા 215 KG જથ્થાનો નાશ કરી સીલ મારવામાં આવ્યું અને રૂ. 5,000 નો દંડ કરાયો. નેશનલ ચાઇનીઝ (યુનિવર્સિટી રોડ): સ્ટોરેજ અને પ્રિપરેશન વિસ્તારમાં પુષ્કળ ગંદકી વચ્ચે બનાવેલી ગ્રેવી, નૂડલ્સ અને શાકભાજી સહિત 33 KG અખાદ્ય ખોરાકનો નાશ કરી સીલ કરાયું. ઘનશ્યામ ચાઈનીઝ પંજાબી (કોઠારીયા): સંગ્રહ કરેલ 16 KG વાસી પ્રિપેર્ડ ફૂડનો નાશ કરી પેઢી સીલ કરવામાં આવી.
કસ્તુરબા રોડ પર આવેલી ઓનલાઈન ઓર્ડર સપ્લાય કરતી Swinsta Ent Pvt Ltd માં ફૂડ વિભાગની તપાસ દરમિયાન મોટી બેદરકારી સામે આવી હતી. પેકિંગ પર ‘યુઝ બાય ડેટ’ વગરના શાકભાજી, એક્સપાયરી ડેટ વીતી ગયેલા લોટ, દૂધ, ટેટ્રાપેક અને ઈંડાનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત કોલ્ડ રૂમ અને ફ્રીઝમાં ભારે ગંદકી અને જીવાત જોવા મળી હતી. આ સ્થળેથી 800 કિલો અખાદ્ય તથા એક્સપાયર જથ્થો SWM વાહન દ્વારા નાશ કરી રૂ. 10,000 નો દંડ ફટકારાયો હતો.
વાસી ખોરાક અને પસ્તીના ઉપયોગ બદલ જયેશભાઈ વાડોરિયા, શ્રીનાથજી ફરસાણ, નારાયણભાઈ ભેળવાળા અને મોમાઈ ગાંઠિયા-જલેબીમાંથી વાસી ખોરાક તથા પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ કરવા બદલ દંડ અને નોટિસ આપવામાં આવી હતી.
લાઈસન્સ વગર વેપાર કરતા ઋતુરંગ સ્ટોર, જલારામ ટ્રેડિંગ, સંજય જનરલ સ્ટોર્સ, ગોપી સેલ્સ, ઉમિયા સેલ્સ, શ્રી હરિ મિલ્ક, શ્રીનાથજી પ્રોવિઝન, રાજલક્ષ્મી ઓઇલ ડેપો, રામેશ્વર નાસ્તા ગૃહ, નેપાળી નાસ્તા ગૃહ, પટેલ ગાંઠીયા, શ્રીજી અમુલ પાર્લર સહિતની 15થી વધુ પેઢીઓને લાઈસન્સ બાબતે નોટિસ આપી વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો. આ ઉપરાંત ઠાકરધણી રેસ્ટોરન્ટ, રિદ્ધિ સિદ્ધિ સેન્ડવીચ, નવદીપ ડેરી ફાર્મ, ભારતીય સ્વીટ્સ અને ફરસાણની અન્ય 26 જેટલી પેઢીઓમાં પણ સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. મનપાના આ સપાટાથી ભેળસેળિયા અને અસ્વચ્છતા રાખતા વેપારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.


