આર્થિક સંકડામણનો કરૂણ અંત
સાધુવાસવાણી રોડ પર માતા-પિતા અને પુત્રનો સામૂહિક આપઘાત
નિવૃત્ત સરકારી કર્મચારીના પરિવારે સેલ્ફોસના ટીકડા સોડામાં ભેળવી પીતા ત્રણેયનાં મોત; પુત્રની નાણાકીય લેવડદેવડ અને ઉઘરાણીના દબાણ સહિતના તમામ પાસાઓ પર પોલીસની તપાસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવી લેતાં સમગ્ર શહેરમાં શોક અને અરેરાટીનું વાતાવરણ છવાઈ ગયું છે. સાધુવાસવાણી રોડ વિસ્તારના રહેણાંક મકાનમાં નિવૃત્ત સરકારી કર્મચારી, તેમની પત્ની અને પુત્રએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન ત્રણેયનાં મોત નિપજ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં પરિવાર લાંબા સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ પુત્રની નાણાકીય લેવડદેવડ અને સંભવિત ઉઘરાણીના દબાણ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી વિગતો મુજબ, સાધુવાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી નજીક આવેલા અંજતા પાર્કમાં રહેતા દિલીપભાઈ નટવરલાલ ખખ્ખર (72), તેમના પત્ની સ્મિતાબેન (65) અને પુત્ર નિશિત (32) ગત સાંજે પોતાના ઘરે હતા. સાંજના સમયે ત્રણેયે સોડામાં ઝેરી દવા ભેળવી પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના સભ્યોની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન સૌપ્રથમ સ્મિતાબેનનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ દિલીપભાઈએ અંતિમ શ્વાસ લીધા અને થોડા સમય બાદ પુત્ર નિશિતનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુથી હોસ્પિટલ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દિલીપભાઈ સરકારી માર્ગ અને મકાન વિભાગ માંથી નિવૃત્ત થયા હતા. પરિવારમાં અગાઉ પણ દુઃખદ ઘટના બની હતી. તેમના નાના પુત્ર પરાગનું વર્ષ 2018માં અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારને મોટો આઘાત લાગ્યો હતો. ત્યારબાદ પરિવારની જવાબદારીઓ મોટા પુત્ર નિશિત પર આવી હતી.
તપાસ દરમિયાન સામે આવેલી માહિતી મુજબ નિશિત કોઈ નિયમિત વ્યવસાય કે નોકરી કરતો ન હતો. છેલ્લા કેટલાક સમયથી તેણે વિવિધ વ્યક્તિઓ પાસેથી નાણાંની લેવડદેવડ કરી હોવાનું સામે આવ્યું છે. તેના કારણે વારંવાર ઉઘરાણી થતી હોવાની પણ ચર્ચા છે. પરિવારની આર્થિક સ્થિતિ સતત નબળી બનતી જતાં માનસિક દબાણ વધી રહ્યું હતું તેવી માહિતી પણ પોલીસને મળી રહી છે. પોલીસ હાલમાં સમગ્ર ઘટનાને અનેક દિશામાં તપાસી રહી છે. ખાસ કરીને પરિવાર પર કોઈ પ્રકારનું નાણાકીય દબાણ, વ્યાજખોરી અથવા અન્ય વ્યક્તિઓ દ્વારા થતી હેરાનગતિ તો કારણભૂત નહોતી ને તે મુદ્દે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. પરિવારના સગા-સંબંધીઓ તેમજ ઓળખીતાઓના નિવેદનો પણ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમે ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચનામું અને અન્ય કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી હતી. ઝેરી દવાના અવશેષો સહિતના પુરાવા કબજે લેવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ ફોરેન્સિક તપાસના આધારે મૃત્યુનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ વધુ સ્પષ્ટ થશે. એક સમયે સુખી ગણાતો પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી સતત મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો. નાના પુત્રનું અકસ્માતમાં થયેલું મૃત્યુ, ત્યારબાદ વધતી આર્થિક સમસ્યાઓ અને પુત્રની નાણાકીય લેવડદેવડને કારણે સર્જાયેલા સંજોગોએ પરિવારને ભારે માનસિક તાણમાં ધકેલી દીધો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાના ચોક્કસ કારણ અંગે પોલીસ દ્વારા હજુ કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી.
આ સમગ્ર ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પડોશીઓએ પણ પરિવારને શાંત સ્વભાવનો ગણાવ્યો હતો અને આ પ્રકારનું દુઃખદ પગલું ભરાશે તેવી કોઈને કલ્પના પણ નહોતી. પોલીસે તમામ સંજોગોની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સામે આવશે.


