અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમ “માઁ અંબા જગદંબાનો મહિમા” ભવ્ય રીતે સંપન્ન
જ્યારે ભક્તિનો ઝણકાર અને શ્રદ્ધાનો ટંકાર થાય, ત્યારે જ અંબે માતાજીના આશિષનો દિવ્ય રણકાર થાય છે : મેહુલભાઈ રવાણી
મા જગદંબાની કૃપા વિના કોઈ સાધના પૂર્ણ થતી નથી : આચાર્ય બાલકૃષ્ણભાઈ રાજ્યગુરુ
અગ્ર ગુજરાત, રાજકોટ
અંબે માતા ભારતીય સનાતન સંસ્કૃતિની શ્રદ્ધાનો શક્તિશાળી સ્તંભ છે. અંબે માતા કરુણા અને શક્તિનું પ્રતીક છે. એક તરફ પુરુષાર્થની શક્તિ, બીજી તરફ માતૃશક્તિની કૃપા—આ બંને સાથે હોય, તો જીવનમાં કોઈ પણ સંકટ અઘરું રહેતું નથી. ત્યારે રંગીલું રાજકોટ અંબે માતાની ભક્તિના રંગે રંગાયું જયારે એક અનોખો, અલૌકિક અને આત્માને સ્પર્શી જાય એવો કાર્યક્રમ “માઁ અંબા જગદંબાનો મહિમા” યોજાયો.
સ્વ.કીર્તિકુમાર કેશવલાલ રવાણી ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ, અરિહંત ઇન્વેસ્ટમેન્ટ તથા મેહુલભાઈ રવાણી દ્વારા સદ્ગુરુદેવ પૂજ્ય પારસમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ અને પ્રેરણાથી આયોજિત અલૌકિક અને દિવ્ય કાર્યક્રમ ‘માઁ અંબા જગદંબાનો મહિમા’ રાજકોટના અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે શ્રદ્ધા અને ઉલ્લાસસભર વાતાવરણમાં ભવ્ય રીતે સંપન્ન થયો છે. ભક્તિની શક્તિ અને સેવાના આ મહાપર્વમાં 800થી વધુ ધર્મપ્રિય નાગરિકોએ ઉપસ્થિત રહી ભક્તિરસ, મધુર સંગીત અને આધ્યાત્મિક ધ્યાનનો દિવ્ય અનુભવ માણ્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજની આ પવિત્ર રાત્રિ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ શ્રદ્ધા, ભક્તિ, લાગણી, સન્માન અને સંપૂર્ણ સમર્પણનો પાવન મહોત્સવ છે. આવી દિવ્ય ક્ષણોમાં મનુષ્ય પોતાના અહંકારને ભૂલીને માત્ર માતાના ચરણોમાં શરણાગતિ સ્વીકારે છે. તે સમયે અંતરના ઊંડાણમાંથી એક જ પ્રાર્થના સહજ રીતે પ્રગટે છે—’હે મા, મારી ભાવભક્તિ સ્વીકારી લેજો, મારા જીવનને આપના આશીર્વાદથી પવિત્ર અને કલ્યાણમય બનાવજો.’ સાચી ભક્તિનો સાર પણ આ જ છે કે ભક્ત પાસે માંગવા માટે કંઈ ન હોય, માત્ર માતાના ચરણોમાં સમર્પિત થવાની ભાવના હોય.
કાર્યક્રમના વિશેષ આધ્યાત્મિક આકર્ષણરૂપે મેહુલ મહેન્દ્રભાઈ રવાણીના માર્ગદર્શન હેઠળ દિવ્ય ધ્યાન અને મંત્રોચ્ચારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આધ્યાત્મિક સાધના દરમિયાન ઉપસ્થિત સૌ ભક્તજનો ભાવવિભોર બની મા જગદંબાના ચરણોમાં લીન થયા હતા. ભાવ-ધ્યાન અને વૈદિક મંત્રોના પવિત્ર ઉચ્ચારણોથી સમગ્ર વાતાવરણ દિવ્ય ચૈતન્ય, આધ્યાત્મિક ઊર્જા અને ભક્તિરસથી ઓતપ્રોત બની ગયું હતું, જેના પરિણામે ઉપસ્થિતોએ અંતરમાં શાંતિ, આત્મિક પ્રસન્નતા અને માતાજીની કૃપાનો અલૌકિક અનુભવ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મેહુલભાઈ રવાણીના આગ્રહને માન આપી આચાર્ય બાલકૃષ્ણભાઈ રાજ્યગુરુએ મા જગદંબાની પવિત્ર ‘શક્રાદય સ્તુતિ’ અત્યંત ભાવભક્તિપૂર્વક રજૂ કરી હતી. તેમના વૈદિક ઉચ્ચારણ અને ભક્તિરસથી ઓતપ્રોત સ્વરે સમગ્ર સભાગૃહમાં દિવ્ય આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ઉપસ્થિત ભક્તજનો સ્તુતિના પાવન સ્વરો સાથે ભક્તિભાવમાં લીન થઈ ગયા હતા અને સમગ્ર વાતાવરણ ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું.
આ સાથે વંશીકાબેન, પ્રિયાબેન અને સલોનીબેન શિંગાળાએ માતાજીની સ્તુતિ કરતું ભાવસભર નૃત્ય કર્યું હતું. આયોજકોના મતે આ પહેલ માત્ર કાર્યક્રમનો એક ભાગ નહોતો, પરંતુ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક મૂલ્યો અને આધ્યાત્મિક પરંપરાથી જીવંત રીતે જોડવાનો સકારાત્મક પ્રયાસ હતો.
આ કાર્યક્રમમાં જ્યોતિષાચાર્ય આચાર્ય બાલકૃષ્ણભાઇ રાજયગુરૂએ મા અંબાની ભાવવાહી સ્તુતિ અત્યંત ભક્તિભાવપૂર્વક રજૂ કરી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિકતા અને ભક્તિરસનો દિવ્ય સંચાર થયો હતો. આ સાથે તેમણે 9 જેટલા ભૂદેવોના સમૂહ સાથે સંપૂર્ણ વિધિ વિધાનથી આદ્યશક્તિ માં જગદંબાની શ્રદ્ધાપૂર્વક મહાપૂજા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય સનાતન સંસ્કૃતિનું સમગ્ર આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાન વેદોમાં સમાયેલું છે. આપણે ભગવાન ગણેશ, ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ તેમજ વિવિધ દેવી-દેવતાઓના સ્વરૂપ, મહિમા અને ઉપાસનાની પરંપરાને વેદોના જ આધારે ઓળખીએ છીએ. વેદો જ આપણને દિવ્ય શક્તિના સાચા સ્વરૂપનું જ્ઞાન કરાવે છે અને જીવનને ધર્મ તથા સદાચારના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે.
કાર્યક્રમ દરમિયાન જાણીતા લોકસાહિત્યકાર જયેશ બારોટે લોકસાહિત્યની અમૃતવાણી દ્વારા સૌને ગુજરાતી લોકસંસ્કૃતિના વૈભવનો રસાસ્વાદ કરાવ્યો હતો.
આ પ્રસંગે આમંત્રિત મહાનુભાવો તરીકે જીમીભાઈ અડવાણી, પ્રશાંતભાઈ શાહ તથા હર્ષિલ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ અને રસપ્રદ સંચાલન મેહુલ એમ. રવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોલીબેન મેહુલભાઈ રવાણી, વત્સલ મેહુલભાઈ રવાણી તથા અરિહંત ઇન્વેસ્ટમેન્ટ ટીમ દ્વારા ઉપસ્થિત તમામ અતિથિઓ, કલાકારો અને ધર્મપ્રેમી જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


