ભૌતિક શાસ્ત્ર ભવનની વિદ્યાર્થીની બંસી સાગરની IPR ખાતે Ph.D. માટે પસંદગી
કુલપતિ પ્રોફેસર ઉત્પલભાઈ જોશી અને ભૌતિક શાસ્ત્ર ભવનના અધ્યાપકો દ્વારા અભિનંદન વર્ષા
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના ભૌતિકશાસ્ત્ર વિભાગ માટે ગૌરવની ક્ષણ છે કે, ભૌતિકશાસ્ત્ર ભવનની પ્રતિભાશાળી વિદ્યાર્થિની સાગર બંસી જશવંતભાઈની દેશની પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થા Institute for Plasma Research (IPR) ખાતે Ph.D. માટે Research Scholar તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમની આ સિદ્ધિથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ભૌતિકશાસ્ત્ર વિભાગનું ગૌરવ વધ્યું છે.
સાગર બંસી જશવંતભાઈએ M.Sc. (Physics)નો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાંથી First Class with Distinction સાથે પૂર્ણ કર્યો છે. અભ્યાસ દરમિયાન તે ભૌતિકશાસ્ત્ર વિષયમાં ઊંડો રસ દાખવવાની સાથે ઉચ્ચ અભ્યાસ અને સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે સતત મહેનત કરી હતી. તેમની આ શૈક્ષણિક સિદ્ધિઓમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે તેમણે GATE-૨૦૨૬ તથા GSET-૨૦૨૫ પરીક્ષા પણ સફળતાપૂર્વક પાસ કરી છે. સાગર બંસીએ વર્ષ 2026-27ના Ph.D.માં પ્રવેશ માટે Institute for Plasma Research (IPR) ખાતે Ph.D. માટે અરજી કરી હતી. આ પસંદગી પ્રક્રિયામાં દેશભરમાંથી આશરે ૧૦૦ જેટલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવ્યા હતા. પસંદગી પામેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ ૯ જૂનથી ૧૨ જૂન, ૨૦૨૬ દરમિયાન યોજાયા હતા. સાગર બંસીનો ઇન્ટરવ્યૂ ૯ જૂન, ૨૦૨૬ના રોજ યોજાયો હતો. ઇન્ટરવ્યૂ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ૨૫ જૂન, ૨૦૨૬ના રોજ તેમને Institute for Plasma Research તરફથી ૧ ઓગસ્ટ, ૨૦૨૬થી Research Scholar તરીકે જોડાવા માટે Offer Letter પ્રાપ્ત થયું હતું. તેમની પસંદગી GATE- ૨૦૨૬ની લાયકાત તથા ઇન્ટરવ્યૂમાં કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે કરવામાં આવી છે. Institute for Plasma Research (IPR) ભારતના અગ્રણી સંશોધન કેન્દ્રોમાંનું એક છે, જ્યાં પ્લાઝમા વિજ્ઞાન, ફ્યુઝન સંશોધન તથા પ્લાઝમા સંબંધિત અદ્યતન અન્ય વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં પણ મહત્વપૂર્ણ સંશોધન કાર્ય કરવામાં આવે છે. આવી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંશોધન સંસ્થામાં Ph.D. માટે પસંદગી થવી એ સાગર બંસી માટે તેમજ તેમના પરિવાર, માર્ગદર્શકો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગ માટે ગૌરવની ક્ષણ છે.
સાગર બંસીની આ સફળતા માત્ર તેમની વ્યક્તિગત શૈક્ષણિક સિદ્ધિ નથી, પરંતુ તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા શૈક્ષણિક માર્ગદર્શન, સંશોધન માટેના પ્રોત્સાહન અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું પણ પ્રતિબિંબ છે. તેમની આ સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલ જોશી, કુલસચિવ અજયસિંહ જાડેજા, ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. નિકેશ એ. શાહ, વિભાગના તમામ પ્રાધ્યાપકો, સંશોધક મિત્રો તથા સમગ્ર ભૌતિકશાસ્ત્ર વિભાગ પરિવાર દ્વારા સાગર બંસી જશવંતભાઈને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમની આ ગૌરવપૂર્ણ સિદ્ધિથી હાર્દિક તેમની આગામી Ph.D. સંશોધનયાત્રા સફળ, જ્ઞાનવર્ધક તથા ઉજ્જવળ રહે તેવી શુભકામનાઓ.


