જંગલેશ્વર ડિમોલેશનના પાણીના બિલમાં ફરીથી વિવાદ
મનપાનો જનરલ બોર્ડમાં લેખીત જવાબ, બિલના પૈસા નથી ચૂકવાયા, એજન્સીનો સ્વીકાર રકમ ચૂકવાઇ ગઇ : તંત્ર અને કોન્ટ્રાકટરના જવાબથી વિરોધાભાસ, ઉગ્ર વિવાદના એંધાણ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં બહૂચર્ચિત જંગલેશ્વર ડિમોલેશનમાં મનપાના આ અધિકારીઓની કામગીરીથી શરૂ થયેલો વિવાદ દિવસેને દિવસે વધુ વકરતો જાય છે. જંગલેશ્વર ડિમોલિશન કામગીરીના ખાવા-પીવાના ખર્ચને લઈને રાજકોટ મહાનગરપાલિકા (મનપા) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. ડિમોલિશન દરમિયાન પાણીની બોટલોના ખર્ચ અંગે મનપાના લેખિત જવાબ અને સપ્લાયરની કબૂલાત વચ્ચે વિરોધાભાસ સામે આવતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
વોર્ડ નંબર-16ના કોંગ્રેસના કોર્પોરેટર દિપ્તી સોલંકીએ જનરલ બોર્ડમાં ડિમોલિશન ખર્ચ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેના જવાબમાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી આર.ડી. પરમારે લેખિતમાં જણાવ્યું હતું કે, પાણીની બોટલોના બિલની ચુકવણી કરવામાં આવી નથી. જોકે, પાણીની બોટલો સપ્લાય કરનાર ઉમિયાજી મંડપ સર્વિસના સંચાલકે બિલની રકમ રેટ કોન્ટ્રાક્ટના આધારે મનપા તરફથી મળી ગઈ હોવાનું સ્વીકાર્યું હોવાનું સામે આવ્યું છે.
આ મામલે રેટ કોન્ટ્રાક્ટથી પાણી પૂરું પાડનાર રાજકોટ શ્રી ઉમિયાજી મંડપ ડેકોરેશનના શૈલેષ દેસાઈએ જણાવ્યું કે, ‘જંગલેશ્વર ડિમોલેશન સમયે 20થી 28 તારીખ વચ્ચે મને જે પીવાના પાણીની બોટલનો ઓર્ડર મળ્યો હતો તે પૂરું પાડવાનું મારું કામ હતું. જેમાં ભાવને લઈને વિવાદ સર્જાયો એની વાત કરીએ તો, વર્ષ 2023માં અમારું ટેન્ડર પાસ થયું એ સમયે અમારા RC ભાવ પ્રમાણે અમે પાણીનો ભાવ લીધો છે 200 ML પાણીના 8 રૂપિયા ભાવ.’
પીવાના પાણીનો ખર્ચ લેખિતમાં 22,92,096 રૂપિયા થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ તમામ ખર્ચની ચૂકવણી કરવામાં ન આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વિરોધાભાસ બાદ ‘સાચું કોણ – ચૂકવણી કરનાર કે ચૂકવણી મેળવનાર?’ તેવો સવાલ ઊભો થયો છે. વિપક્ષે આ મામલે પારદર્શક તપાસની માંગ ઉઠાવી છે અને જનતાના ટેક્સના નાણાંના ઉપયોગ અંગે પણ પ્રશ્નો કર્યા છે. બજારમાં અંદાજે ₹2માં ઉપલબ્ધ પાણીની બોટલ મનપા વર્ષોથી ₹8ના દરે ખરીદતી હોવાના આક્ષેપો પણ ફરી ચર્ચામાં આવ્યા છે.
આ મામલે કોન્ટ્રાક્ટ શૈલેષ દેસાઈએ ઉમેર્યું કે, ‘આ પાણીની બોટલ દુકાન પરથી તમે છુટક લો એટલે તે 10 રૂપિયામાં મળે છે, જોકે તેને એક સાથે જથ્થાબંધ ખરીદો એટલે તે 2-3 રૂપિયામાં મળી રહે છે, પછી તે નિર્ભર કરે કે તમે કઈ કંપનીમાંથી લો છો. ખરેખર મેં જે ભાવે પાણીની બોટલ આપેલી એમાં મેં પાણીને લાવવા-લઈ જવાનો ટ્રાન્સપોર્ટેશન અને GST સહિતનો તમામ ખર્ચ એડ કરેલો છે. જેનું બિલ મેં મૂક્યું છે એ પ્રમાણે જથ્થો મેં પહોંચાડેલો છે.’
શૈલેષભાઈએ અંતે કહ્યું કે, આ કોન્ટ્રાક્ટ મને 2023માં મળેલો હતો. જોકે જંગલેશ્વર ડિમોલેશન સમયે આ કોન્ટ્રાક્ટ પતી ગયો હતો, પરંતુ ટેન્ડરના નિયમ મુજબ, જ્યાં સુધી કોઈ અન્ય કંપનીને ટેન્ડર ન ફાળવાય ત્યાં સુધી અમારે કામ કરવું પડતું હોય છે, જે મેં કર્યું, એટલે અમારા તરફથી કોઈ ગોટાળો થયો નથી. હું કોર્પોરેશનમાં છેલ્લા 4 વર્ષથી છું, પણ આવો વિવાદ પહેલીવાર સર્જાયો છે, આ એજન્સીનું શોષણ થાય છે, અમારું શોષણ થાય છે અમારા બિલ ઘણા બધા પેન્ડિંગ છે. જોકે આ બિલ ચૂકવાઈ ગયું છે.


