સાતમ અને આઠમના તહેવાર અંતર્ગત વેરાવળ-પ્રયાગરાજ વચ્ચે દોડશે ટ્રેન
સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનનું આયોજન : આવતીકાલથી ટિકિટ બુકીંગનો પ્રારંભ : મુસાફરોની સુવિધા વધશે
અગ્ર ગુજરાત, રાજકોટ
જન્માષ્ટમી તહેવાર અંતર્ગત મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ – પ્રયાગરાજ – વેરાવળ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેન ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન કુલ 8-8 ફેરા માટે ચલાવવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નંબર 04174 વેરાવળ – પ્રયાગરાજ સ્પેશિયલ 07 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર, 2026 સુધી દર શુક્રવારે વેરાવળથી રાત્રે 22.00 વાગ્યે ઉપડશે અને રવિવારે સવારે 05.50 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 04173 પ્રયાગરાજ – વેરાવળ સ્પેશિયલ 06 ઓગસ્ટથી 24 સપ્ટેમ્બર, 2026 સુધી દર ગુરુવારે પ્રયાગરાજથી સવારે 10.10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 18.15 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.
આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં જૂનાગઢ, નવાગઢ, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, સુમેરપુર જવાઈ બાંધ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા જંકશન, ટૂંડલા જંકશન, ઈટાવા જંકશન, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર ઊભી રહેશે. ટ્રેન નંબર 04174 વેરાવળ – પ્રયાગરાજ સ્પેશિયલ માટે ટિકિટોનું બુકિંગ 30 જુલાઈ, 2026 (ગુરુવાર) થી તમામ મુસાફર આરક્ષણ કેન્દ્રો (PRS) અને IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે.
વેરાવળ – બાંદ્રા સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા
ટ્રેન નંબર 09018 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલનું સંચાલન હવે 31 ઓગસ્ટ, 2026 સુધી કરવામાં આવશે. અગાઉ આ ટ્રેન 27 જુલાઈ, 2026 સુધી જ નોટિફાઇડ હતી. આ જ રીતે, ટ્રેન નંબર 09017 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ હવે 30 ઓગસ્ટ, 2026 સુધી ચલાવવામાં આવશે, જ્યારે અગાઉ તેનું સંચાલન 26 જુલાઈ, 2026 સુધી નિર્ધારિત હતું. ટ્રેન નંબર 09018/09017 ના લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ 29 જુલાઈ, 2026 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે.


