5 લાખના ચેક બાઉન્સ કેસમાં જય સોમનાથ એન્ટરપ્રાઈઝના માલિકને એક વર્ષની જેલ
લીઝની રોયલ્ટી-પેનલ્ટી માટે મિત્ર પાસેથી લીધેલી રકમ પરત ન કરતા કોર્ટનો કડક ચુકાદો, ફરિયાદીને રૂ.5 લાખનું વળતર ચૂકવવાનો આદેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
ચેક રિટર્નના એક મહત્વપૂર્ણ કેસમાં રાજકોટની અદાલતે જય સોમનાથ એન્ટરપ્રાઈઝના માલિક કપીલ મનોજભાઈ દવેને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. ઉપરાંત ફરિયાદીને રૂ.5 લાખનું વળતર એક મહિનાની અંદર ચૂકવવાનો હુકમ કર્યો છે. જો આરોપી વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો વધુ ત્રણ મહિનાની કેદ ભોગવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
કેસની વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ટોબરા ગામે લીઝના વ્યવસાય સાથે સંકળાયેલા હસમુખ ભીખાભાઈ બાંભણિયાએ ઓળખાણ અને સંબંધના આધારે કપીલ દવેને રૂ.5 લાખની રકમ આપી હતી. લીઝની રોયલ્ટી તેમજ પેનલ્ટી ભરવાના હેતુથી લેવામાં આવેલી આ રકમ પરત આપવા આરોપીએ ચેક આપ્યો હતો.
ફરિયાદીએ ચેક બેંકમાં જમા કરાવતા તે “અપૂરતા ભંડોળ”ના કારણોસર પરત ફર્યો હતો. ત્યારબાદ કાયદેસરની નોટિસ પાઠવી રકમ ચૂકવવા જણાવાયું હતું, પરંતુ નક્કી સમયમર્યાદામાં નાણાં પરત ન મળતા ફરિયાદીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ રાજકોટ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે ચેક, બેંક રિટર્ન મેમો સહિતના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ફરિયાદી પક્ષના એડવોકેટ સુરેશ ફળદુએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓના આધારે દલીલો કરી કેસને મજબૂત રીતે રજૂ કર્યો હતો.
તમામ પુરાવા અને દલીલોને ધ્યાને લઈ અદાલતે આરોપી કપીલ મનોજભાઈ દવેને ચેક બાઉન્સના ગુનામાં દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. સાથે જ ફરિયાદીને રૂ.5 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો હતો.
ફરિયાદી હસમુખ બાંભણિયાની તરફેણમાં એડવોકેટ સુરેશ ફળદુ સાથે ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ અને સાહીલ કંટારીયાએ કાનૂની રજૂઆત કરી હતી. જ્યારે મદદનીશ તરીકે નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા અને રાહીલ ફળદુ જોડાયા હતા.


