રાજકોટ ગ્રામ્યમાં મુસાફરોને નિશાન બનાવતી રીક્ષા ગેંગનો પર્દાફાશ
ત્રણ લૂંટચોરીના ગુનાઓ ઉકેલાયા; ચાર આરોપીઓ ઝડપાયા, રોકડ-મોબાઈલ-રીક્ષા સહિત રૂ.1.39 લાખનો મુદ્દામાલ જપ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી વાતોમાં ગૂંચવી તેમની નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ સેરવી લેતી ગેંગનો રૂરલ એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને શાપર, ભુણાવા પાટીયા અને જેતપુર વિસ્તારમાં બનેલા ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ પાસેથી રોકડ, ચાર મોબાઈલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રીક્ષા સહિત કુલ રૂ.1.39 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા માટે રૂરલ એલસીબીના પીઆઈ જે.પી. રાવની આગેવાનીમાં ટીમ કામગીરી કરી રહી હતી. દરમિયાન બાતમીના આધારે એલસીબીને જેતપુરમાં મુસાફરને લૂંટનાર રીક્ષા ગેંગ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. તપાસ દરમિયાન પોલીસે હુસેન ઉર્ફે દાઉદ મલેક (શાપર), શિવમ ઉર્ફે રાજા અજયસિંહ રાજપૂત, ભરત મૂળજી ચંદ્રપાલ (માનસત્તા આવાસ, રાજકોટ) તથા રવિ રમેશ ચૌહાણ (માયાણી ચોક, આવાસ ક્વાર્ટર, રાજકોટ)ને ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ ત્રણ અલગ-અલગ બનાવોમાં મુસાફરોને નિશાન બનાવી રોકડ ચોરી કરવાની કબૂલાત આપી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે 22 જુલાઈએ શાપરની બુધવારીમાંથી એક મુસાફરને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રૂ.4 હજારની રોકડ ચોરી કરવામાં આવી હતી. ત્યારબાદ 27 જુલાઈએ ભુણાવા ગામના પાટિયા પાસે અન્ય એક મુસાફર પાસેથી રૂ.700 સેરવ્યા હતા. એ જ દિવસે જેતપુરના સરદાર ચોક નજીકથી રિક્ષામાં બેસાડેલા મુસાફરના ખિસ્સામાંથી રૂ.15 હજારની રોકડ કાઢી લેવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રૂ.19 હજારની રોકડ, ચાર મોબાઈલ ફોન અને જીજે-03-સીટી-2203 નંબરની રીક્ષા મળી કુલ રૂ.1.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. હુસેન મલેક સામે દારૂના સાત ગુના, ભરત ચંદ્રપાલ સામે દારૂ અને ચોરી સહિત 13 ગુના તેમજ શિવમ રાજપૂત સામે દારૂ અને ચોરીના પાંચ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હવે આ ગેંગે અન્ય કેટલા મુસાફરોને નિશાન બનાવ્યા છે અને અન્ય ગુનાઓમાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.


