ફેકો ટેકનોલોજીથી મોતિયાની સારવાર, અત્યાધુનિક ઉપકરણોથી ચોક્કસ, સુરક્ષિત અને બહેતર સર્જરી થશે
રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં આધુનિક નેત્ર ચિકિત્સા સેવાઓનો પ્રારંભ
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલે નેત્ર ચિકિત્સા સેવાઓના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા મોતિયાના ઓપરેશન માટે ફેકોઈમલ્સિફિકેશન ટેકનોલોજીની શરૂઆત કરી છે. અગાઉ અહીં સ્મોલ ઈન્સિઝન કેટરેક્ટ સર્જરી (SICS) ની સુવિધા ઉપલબ્ધ હતી. હવે આ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી રેલવે કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિતોને વધુ સુરક્ષિત, અસરકારક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત નેત્ર ચિકિત્સા સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે મળી શકશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ નવી સુવિધા અંતર્ગત નેત્ર રોગ વિભાગમાં ઓર્ટલી કેટેરેક્સ ફેકોઈમલ્સિફિકેશન સિસ્ટમ, તકાગી OM-9 ઓપરેટિંગ માઈક્રોસ્કોપ અને હાઈ-ડેફિનેશન ડિસ્પ્લે મોનિટર જેવી અત્યાધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપકરણોની મદદથી સર્જરી વધુ ચોકસાઈ અને સલામતી સાથે કરવામાં આવી રહી છે, જેનાથી સર્જરીની ગુણવત્તા અને સચોટતામાં નોંધપાત્ર સુધારો થયો છે. સાથે જ, ઓપરેશન દરમિયાન બહેતર વિઝ્યુઅલાઈઝેશનની સુવિધા મળવાથી તાલીમ અને શસ્ત્રક્રિયાની ગુણવત્તામાં પણ સુધારો થયો છે.
રાજકોટ ડિવિઝનના મુખ્ય તબીબી અધિક્ષક ડો. રાજકુમારના જણાવ્યા અનુસાર, હાલમાં વિભાગમાં સામાન્ય અને જટિલ બંને પ્રકારના મોતિયાના ઓપરેશનની સાથે-સાથે ટેરીજિયમ (Pterygium) ની સર્જરી પણ નિયમિતપણે કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં દર મહિને આશરે 12 થી 14 આંખની શસ્ત્રક્રિયાઓ કરવામાં આવે છે. 1 એપ્રિલ 2026 થી અત્યાર સુધીમાં હોસ્પિટલમાં ફેકોઈમલ્સિફિકેશન ટેકનોલોજીથી મોતિયાના 39 સફળ ઓપરેશન અને ટેરીજિયમના 5 સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. આ સર્જરીઓથી દર્દીઓને ઉત્કૃષ્ટ દ્રષ્ટિ પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે અને દર્દીઓનો સંતોષ પણ સતત વધી રહ્યો છે.
રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલના નેત્ર રોગ બાહ્ય દર્દી વિભાગ (OPD) માં દરરોજ લગભગ 30 થી 40 દર્દીઓની તપાસ કરવામાં આવે છે. વિભાગમાં તકાગી સ્લિટ લેમ્પ અને આઈવિસ ઓટોરેફ્રેક્ટોમીટર વિથ કેરાટોમીટર જેવી આધુનિક તપાસ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેની મદદથી આંખોની વિગતવાર તપાસ, સચોટ દ્રષ્ટિ પરીક્ષણ અને નેત્ર રોગોનું સાચું નિદાન કરવામાં આવે છે.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “રાજકોટ ડિવિઝન પોતાના કર્મચારીઓ, પેન્શનરો અને તેમના પરિવારજનોને આધુનિક અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે.


