પત્રકાર ભવન દ્વારા સ્વ. અમૃતલાલ શેઠની પુણ્યતિથિએ શ્રદ્ધાસુમન અર્પણ
અગ્ર ગુજરાત, રાજકોટ
નિર્ભીક પત્રકારત્વના પ્રણેતા, સ્વતંત્રતા સેનાની અને ગુજરાતી મીડિયાના ભીષ્મપિતામહ સ્વ. અમૃતલાલ શેઠની પુણ્યતિથિ નિમિત્તે આજે ‘અમૃતલાલ શેઠ પત્રકાર ભવન’ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે શ્રદ્ધાંસુમન અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભવનના અધ્યક્ષ, પ્રોફેસરો, કર્મચારીગણ તથા પત્રકારત્વના વિદ્યાર્થીઓએ સ્વ. શેઠની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પ્રેરણાદાયી જીવનને યાદ કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિધાર્થીઓ અને પ્રોફેસરોએ અમૃતલાલ શેઠના નામ અને ભવન વચ્ચેના આત્મીય સંબંધ પર વિશેષ પ્રકાશ પાડયો હતો. પત્રકાર ભવનના અધ્યક્ષ ડો. નીતા ઉદાણીએ જણાવ્યું હતું કે, “આ ભવન માત્ર એક ઇમારત કે સરનામું નથી, પરંતુ અમૃતલાલ શેઠના નિષ્પક્ષ, નીડર અને સત્યનિષ્ઠ પત્રકારત્વના વિચારોનું જીવંત પ્રતીક છે. આ ભવનનું નામ જ આપણને સતત કલમની પવિત્રતા અને જવાબદારીનું ભાન કરાવે છે.”
આ પ્રસંગે પત્રકારત્વના વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જેમના નામે સ્થપાયેલા ભવનમાં તેઓ શિક્ષણ મેળવી રહ્યા છે, તે અમૃતલાલ શેઠના આદર્શો જ તેમના માટે સૌથી મોટા માર્ગદર્શક છે. કાર્યક્રમના અંતે ભવનના અધ્યક્ષ, અધ્યાપકો અને તમામ વિદ્યાર્થીઓએ તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવા કટિબદ્ધતા દર્શાવી હતી.


