ભેળસેળ અંગે મેયરને રજૂઆત કરતી યુથ ફોર ડેમોક્રેસી સંસ્થા
યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની જાણીતી સામાજિક સંસ્થા યુથ ફોર ડેમોક્રેસી, રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અને નાગરિક સમિતિના આગેવાનોએ રાજકોટના મેયર નેહલભાઈ શુક્લની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન આગેવાનોએ દેશ અને દુનિયાને હાલ સૌથી વધુ મુંઝવતા બે ગંભીર પ્રશ્નો બગડી રહેલું પર્યાવરણ અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અંગે ચિંતા વ્યક્ત કરી તે બાબતે રજૂઆત કરી હતી. હવા, પાણી અને જમીનના પ્રદૂષણને કારણે શહેરીજનોના સ્વાસ્થ્ય પર પડતી અસર તેમજ બજારમાં મળતા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને કારણે નાગરિકોના આરોગ્યને થતાં નુકસાન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બંને મુદ્દે તંત્ર દ્વારા વધુ કડક અને અસરકારક પગલાં ભરવા માટે મેયરને લેખિત રજૂઆત અને સૂચનો પણ આપવામાં આવ્યા હતા.
મેયર નેહલભાઈ શુક્લે તમામ રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળીને આ બાબતે મહાનગરપાલિકા દ્વારા વધુ અસરકારક પગલાં લેવામાં આવશે અને નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણ જાળવણીને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ રજૂઆત સમયે એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, આર.વી. સોલંકી, રાજેશભાઈ ગોંડલીયા, આનંદ સિંહ, ભાવેશભાઈ આચાર્ય, કૌશિકભાઈ છાયા, યુવા આગેવાન ગૌતમ આર. ગોંડલીયા, નિખિલભાઈ સંઘાણી, હરસુખભાઈ જોષી, હંસાબેન સાપરિયા સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


