યુવા પેઢી પ્રત્યે વડાપ્રધાનનો પિતૃવત્ અભિગમ આવકારદાયક : અરૂણ નિર્મળ
“ક્ષમા, સંવાદ અને વિશ્વાસના માર્ગે યુવા શક્તિને રાષ્ટ્રનિર્માણ સાથે જોડવાની ઐતિહાસિક પહેલ”
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના ભવિષ્ય સમાન યુવા પેઢી (Gen Z) પ્રત્યે દર્શાવવામાં આવેલ પિતૃવત્, સંવેદનશીલ અને કરુણાભર્યો અભિગમ સમગ્ર દેશ માટે આશા, વિશ્વાસ અને સકારાત્મક સંદેશ લઈને આવ્યો છે, ભારતીય જનતા પાર્ટી પ્રેસ મીડિયા અગ્રણી અરૂણ નિર્મળે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના આ નિર્ણયને આવકારતા જણાવ્યું કે, મતભેદ અને કટુતાને પાછળ મૂકી યુવાનો સાથે સીધો સંવાદ સાધી તેમને પોતાના સંતાનો સમાન ગણી મુખ્ય પ્રવાહમાં જોડવાનો આપશ્રીનો અભિગમ ખરેખર ભારતીય સંસ્કૃતિના શ્રેષ્ઠ મૂલ્યોને ઉજાગર કરે છે.
“છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય” આ ભારતીય સંસ્કૃતિના શાશ્વત સંદેશને વડાપ્રધાનશ્રીએ પોતાના આ નિર્ણય દ્વારા જીવંત કર્યો છે. ભટકી ગયેલા કે આક્રોશિત યુવાનોને દંડ, ભય કે બળપ્રયોગથી નહીં, પરંતુ પ્રેમ, વિશ્વાસ, સંવાદ અને ક્ષમાના માર્ગે સમાજ અને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં પાછા લાવવાની તેમની આ પહેલ માનવતા અને લોકશાહી બંને માટે પ્રેરણારૂપ છે.
આ નિર્ણય માત્ર રાજકીય પહેલ નથી, પરંતુ એક સંવેદનશીલ વાલી તરીકે દેશના યુવાનો પ્રત્યેની લાગણી અને જવાબદારીનું જીવંત પ્રતિબિંબ છે. વડાપ્રધાનનો આ વાત્સલ્યપૂર્ણ અભિગમ લાખો યુવાનોના મનમાં વિશ્વાસ જગાવશે, તેમના ભવિષ્યને નવી દિશા આપશે અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.
“યુવા શક્તિ પર વિશ્વાસ વ્યક્ત કરતા નેતૃત્વ જ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનો સાચો પાયો બની શકે છે, અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ અભિગમ એ જ દિશામાં એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી પગલું છે.” તેમ અંતમાં અરૂણ નિર્મળ એ જણાવી અભિનંદન પાઠવ્યા છે.


