હાથી ઉડે ફરરર…શાહ એન્ડ શાહ કંપની કહે તો હાથી પણ ઉડે…!
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન કે શાહ એન્ડ શાહ કંપની?
જામનગર ગ્રામ્ય ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી સહદેવસિંહ ચુડાસમાના ગંભીર આક્ષેપો, સત્તાની પિચ પર ઘમાસાણ, સભ્યોને પણ નથી બોલવાનો અધિકાર!
ચૂંટણી નહીં, સિલેક્શનથી ચાલે છે એસોસિયેશન ; ચેરિટી કમિશનર સમક્ષ એડમિનિસ્ટ્રેટરની માંગ છતાં અંધેર વહીવટ, કરોડોના વહીવટ સામે ઉઠાવ્યા સવાલો
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (SCA)માં છેલ્લા કેટલાક સમયથી ચાલતો આંતરિક વિવાદ હવે ખુલ્લા જંગમાં ફેરવાતો જોવા મળી રહ્યો છે. એસોસિયેશન સાથે સંકળાયેલા વિવિધ પેટા એસોસિયેશનો અને કમિટીઓના હોદ્દેદારો હવે ખુલ્લેઆમ સંસ્થાના વહીવટ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. આ સમગ્ર વિવાદ વચ્ચે જામનગર ગ્રામ્ય ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી સહદેવસિંહ ચુડાસમાએ એવા ગંભીર આક્ષેપો કર્યા છે કે જેના કારણે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
સહદેવસિંહ ચુડાસમાએ અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન હવે લોકશાહી સંસ્થા રહી નથી, પરંતુ અમુક લોકોના હાથમાં કેન્દ્રિત શાહ એન્ડ શાહ કંપની બની ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે એસોસિયેશનની અંદર કાર્યરત આશરે 20 જેટલી પેટા કમિટીઓના સભ્યોને જનરલ બોડી મીટિંગમાં પોતાના વિચારો રજૂ કરવાનો પણ અધિકાર આપવામાં આવતો નથી. જો કોઈ સભ્ય સંસ્થાના વહીવટ સામે સવાલ ઉઠાવે તો તેને તરત જ બેસાડી દેવામાં આવે છે અથવા તો મીટિંગમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે.
ચુડાસમાના જણાવ્યા મુજબ, હાલની સ્થિતિ એવી બની ગઈ છે કે સભ્યો માત્ર નામના રહી ગયા છે, જ્યારે નિર્ણયો થોડા લોકોના હાથમાં જ સીમિત થઈ ગયા છે. તેમણે કહ્યું કે લોકશાહી સંસ્થામાં મતભેદ વ્યક્ત કરવાનો અધિકાર દરેક સભ્યનો હોય છે, પરંતુ એસસીએમાં વિરોધનો અવાજ દબાવવાની પરંપરા ઉભી થઈ ગઈ છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે છેલ્લા ઘણા સમયથી એસોસિયેશનની કોઈ કાયદેસર બોડી કાર્યરત નથી. ટર્મ પૂર્ણ થયા બાદ નવી ચૂંટણી યોજાવાની હતી, પરંતુ તે યોજાઈ નથી. તેમ છતાં હાલના હોદ્દેદારો કરોડો રૂપિયાના વહીવટ અને મહત્વના વહીવટી નિર્ણયો લઈ રહ્યા છે, જે નિયમોની વિરુદ્ધ હોવાનું તેમણે જણાવ્યું.
સહદેવસિંહ ચુડાસમાએ દાવો કર્યો કે ક્રિકેટરોના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ પારદર્શક રીતે થાય તે માટે તેમણે ચેરિટી કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરી છે. તેમની માંગ છે કે જ્યાં સુધી નિયમસર નવી ચૂંટાયેલી બોડી કાર્યભાર સંભાળે નહીં ત્યાં સુધી એસોસિયેશનમાં સ્વતંત્ર એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવામાં આવે. તેમણે કહ્યું કે જો ટ્રસ્ટની ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય અને નવી ચૂંટણી સમયસર યોજાઈ ન હોય તો ચેરિટી કાયદાની જોગવાઈઓ મુજબ વહીવટ અંગે પ્રશ્નો ઊભા થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં સત્તાધિકારી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી થવી જોઈએ. જોકે તેમણે એવો આક્ષેપ કર્યો કે અનેક રજૂઆતો છતાં આજદિન સુધી એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવામાં આવી નથી.
ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં ચૂંટણી નહીં પરંતુ સિલેક્શનની પરંપરા ચાલી રહી છે. યોગ્ય પ્રક્રિયા, પારદર્શિતા અને સભ્યોની લોકશાહી ભાગીદારીના બદલે પસંદગીના લોકોને હોદ્દા આપવામાં આવે છે એવો તેમનો આરોપ છે.
તેમણે દાવો કર્યો કે હાલ એસોસિયેશન સામે હાઇકોર્ટમાં પણ વિવિધ મુદ્દાઓને લઈને કેસો ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં પણ વહીવટી માળખામાં કોઈ ફેરફાર ન થવો અનેક સવાલો ઉભા કરે છે. તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો તેઓ પોતાના તમામ આક્ષેપો પુરાવા સાથે યોગ્ય મંચ પર રજૂ કરવા તૈયાર છે.
જાહેર ટ્રસ્ટ તરીકે નોંધાયેલી સંસ્થાઓએ પોતાના બંધારણ અને ચેરિટી કમિશનરના નિયમો મુજબ વહીવટ કરવો ફરજિયાત હોય છે. સામાન્ય રીતે ટ્રસ્ટની ટર્મ પૂર્ણ થયા બાદ બંધારણ મુજબ નવી ચૂંટણી યોજવી, નવા ટ્રસ્ટીઓ અથવા હોદ્દેદારોની નિમણૂક કરવી અને જરૂરી ફેરફારોની નોંધ સંબંધિત કચેરીમાં કરાવવી જરૂરી ગણાય છે. જો લાંબા સમય સુધી નિયમસર ચૂંટણી ન યોજાય અથવા સંસ્થાના વહીવટ અંગે ગંભીર વિવાદ ઊભો થાય તો સત્તાવાર તંત્ર યોગ્ય કાનૂની પ્રક્રિયા હેઠળ હસ્તક્ષેપ કરી શકે છે. જોકે દરેક કેસમાં નિર્ણય તેની હકીકતો, સંસ્થાના બંધારણ અને કોર્ટના આદેશોને આધારે લેવાતો હોય છે.
ક્રિકેટના વિકાસ સામે રાજકારણના આરોપ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દેશની અગ્રણી ક્રિકેટ સંસ્થાઓમાંની એક માનવામાં આવે છે. અહીંથી અનેક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ખેલાડીઓ ઉભા થયા છે. આવી પ્રતિષ્ઠિત સંસ્થા સામે સતત ભ્રષ્ટાચાર, મનમાની, ચૂંટણીમાં વિલંબ અને સભ્યોના અવાજ દબાવવાના આક્ષેપો થતા ક્રિકેટપ્રેમીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ખેલાડીઓના હિત અને ક્રિકેટના વિકાસ કરતાં સત્તા જાળવવા પર વધુ ભાર મૂકાઈ રહ્યો હોવાના આક્ષેપો હવે ખુલ્લેઆમ થવા લાગ્યા છે.
સહદેવસિંહ ચુડાસમાએ અંતે કહ્યું કે તેમની લડત સંસ્થામાં પારદર્શિતા, લોકશાહી અને ખેલાડીઓના હિત માટે છે. તેમણે ફરી એકવાર પડકાર આપ્યો કે જો એસોસિયેશનના હોદ્દેદારો તેમના આક્ષેપોને ખોટા ગણાવતા હોય તો તેઓ ખુલ્લા મંચ પર ચર્ચા કરવા તૈયાર છે અને જરૂર પડશે ત્યારે તમામ મુદ્દાઓ પુરાવા સાથે રજૂ કરશે.

₹150 કરોડના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો : શાહ એન્ડ શાહ કંપનીની મનમાનીથી ટેન્ડર વિના કામો અપાય છે
રાજકોટ: જામનગર ગ્રામ્ય ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી સહદેવસિંહ ચુડાસમાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના વહીવટ સામે વધુ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે એસોસિયેશનને દર વર્ષે અંદાજે ₹125થી ₹150 કરોડની આવક થાય છે, પરંતુ આ નાણાંનો પારદર્શક ઉપયોગ થતો નથી અને મોટા પાયે દુરુપયોગ તેમજ ગેરરીતિઓ થઈ રહી હોવાનો તેમનો આરોપ છે.
તેમણે દાવો કર્યો કે તાજેતરમાં છાપરા બનાવવાના કામ માટે એક ફેબ્રિકેશન કંપનીને કામ પૂર્ણ થયા પહેલાં જ અંદાજે સવા બે કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા. આટલી મોટી રકમ કયા આધારે અને શા માટે ચૂકવવામાં આવી તે ગંભીર તપાસનો વિષય હોવાનું તેમણે જણાવ્યું.
ચુડાસમાના આક્ષેપ મુજબ હાલ એસોસિયેશનમાં તમામ નિર્ણયો નિરંજન શાહ અને જયદેવ શાહની મરજી મુજબ લેવાઈ રહ્યા છે. તેમણે એસોસિયેશનને “શાહ એન્ડ શાહ કંપની” ગણાવી આરોપ મૂક્યો કે જાહેર ટ્રસ્ટમાં થવી જોઈએ તેવી પારદર્શક ટેન્ડર પ્રક્રિયાના બદલે મનપસંદ એજન્સીઓને મનફાવે તેવા ભાવે કામો સોંપવામાં
SCA માં પરિવારવાદના ગંભીર આક્ષેપ: ચૂંટણી નહીં, વારસાગત રીતે સત્તા સોંપાઈ રહી છે
જામનગર ગ્રામ્ય ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી સહદેવસિંહ ચુડાસમાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (SCA)માં પરિવારવાદ અને લોકશાહી પ્રક્રિયાના અભાવના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે એસોસિયેશન જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં હોદ્દેદારોની પસંદગી ચૂંટણી દ્વારા અને રમતગમતની સમજ તથા વહીવટી ક્ષમતા ધરાવતી વ્યક્તિઓમાંથી થવી જોઈએ, પરંતુ વાસ્તવમાં આવું થતું નથી.
ચુડાસમાના જણાવ્યા મુજબ નિરંજન શાહ બાદ પ્રમુખ પદે જયદેવ શાહની નિમણૂક કરવામાં આવી, જેને લઈને પરિવારવાદની છાપ વધુ ગાઢ બની છે. તેમણે આક્ષેપ કર્યો કે હાલની ટર્મ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં નવી ચૂંટણી યોજવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ સત્તા એક જ પરિવાર સુધી મર્યાદિત રહે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
તેમણે વધુમાં દાવો કર્યો કે અગાઉ નિરંજન શાહની હોદ્દેદાર તરીકેની નિમણૂક વખતે પણ પ્રશ્નો ઉઠ્યા હતા. તેમના જણાવ્યા મુજબ નિરંજન શાહે મર્યાદિત પ્રથમ શ્રેણીની ક્રિકેટ રમી હોવા છતાં વર્ષો સુધી એસોસિયેશન પર પ્રભુત્વ જાળવી રાખ્યું છે. ચુડાસમાએ આક્ષેપ કર્યો કે ત્યારથી એસોસિયેશનનું સંચાલન થોડા લોકોના હાથમાં કેન્દ્રિત થઈ ગયું છે અને તેને તેમણે શાહ એન્ડ શાહ કંપની તરીકે વર્ણવી છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટના નાણાંનો દુરુપયોગ? શાહ એન્ડ શાહ કંપની સામે ગંભીર આક્ષેપ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (એસસીએ)ના નાણાંનો ઉપયોગ યુવા ક્રિકેટરોના વિકાસ, રમતગમતની સુવિધાઓ અને ભવિષ્યના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે થવો જોઈએ, પરંતુ એસસીએના સંચાલન સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શાહ એન્ડ શાહ કંપની તરીકે ઓળખાતા વર્તમાન સત્તાધીશો પર એસોસિયેશનના કરોડો રૂપિયાના ભંડોળનો વ્યક્તિગત સુખ-સુવિધા માટે ઉપયોગ કર્યાના આક્ષેપો સહદેવસિંહ દ્વારા કરવામાં આવ્યા છે.
આક્ષેપો મુજબ, એસોસિયેશનના નાણાંમાંથી કરોડોના ખર્ચે આલીશાન ઓફિસ બનાવવામાં આવી છે, જેનો ઉપયોગ મુખ્યત્વે સત્તાધીશો દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત, એસોસિયેશનના ખર્ચે ખરીદાયેલી ગાડીઓનો પણ વ્યક્તિગત ઉપયોગ થતો હોવાનો આક્ષેપ સહદેવસિંહ દ્વારા કરવામાં આવ્યો છે.
વિવાદને વધુ વેગ આપતા આક્ષેપોમાં સહદેવસિંહે જણાવયુ છે કે, પૂર્વ પ્રમુખ નિરંજન શાહ આજે પણ એસોસિયેશનમાંથી દર મહિને આશરે રૂ. 8 લાખનો પગાર મેળવી રહ્યા છે. એટલું જ નહીં, તેમના કપડાં ધોવડાવવાના અંદાજે રૂ. 30 લાખના બિલની ચુકવણી પણ એસોસિયેશનના ભંડોળમાંથી કરવામાં આવી હોવાનો દાવો છે. વધુમાં, પોતાની માલિકીનું રહેણાંક મકાન હોવા છતાં એસોસિયેશનમાંથી ઘરભાડું પણ વસૂલ કરવામાં આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ ગંભીર આક્ષેપોને લઈને ક્રિકેટપ્રેમીઓ અને રમતગમત જગતમાં પારદર્શિતા તથા નાણાકીય જવાબદારી અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. જોકે, આ તમામ આક્ષેપો અંગે સંબંધિત પક્ષનો સત્તાવાર પ્રતિભાવ હજુ સુધી સામે આવ્યો નથી.
શાહ એન્ડ શાહ કંપની પાસે કરોડોની જમા રકમનો વહીવટ, એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કરવાની માંગ તેજ
જામનગર રૂરલ ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી સહદેવસિંહ ચુડાસમાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના વહીવટ અંગે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે હાલ એસોસિયેશનની સમગ્ર બોડી બરખાસ્ત થઈ ગઈ હોવા છતાં વહીવટ હજુ પણ શાહ એન્ડ શાહ કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ શહેરની અલગ-અલગ 22 જેટલી બેન્કોમાં એસોસિયેશનના અંદાજે રૂ. 674 કરોડથી રૂ. 1000 કરોડ સુધીના નાણાં જમા છે, જેના સંચાલન અને સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા થયા છે.
ચુડાસમાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે ચૂંટાયેલી બોડી અસ્તિત્વમાં નથી ત્યારે આટલી મોટી રકમના વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે? જો આ નાણાંમાં કોઈ ગેરરીતિ થાય અથવા કોઈ વ્યક્તિ કે સંસ્થા નાણાં લઈને ગાયબ થઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે? આવી સ્થિતિમાં સરકારી તંત્રને કાર્યવાહી માટે દોડધામ કરવી પડે તેવી નોબત આવી શકે છે. આથી તેમણે રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં તાત્કાલિક એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવાની માંગ કરી છે, જેથી એસોસિયેશનનો વહીવટ પારદર્શક રીતે ચાલે અને કરોડો રૂપિયાની સંપત્તિ તથા નાણાંનું યોગ્ય રક્ષણ થઈ શકે.


