ઇન્ટરનેશનલ ફલાઇટ અંગે રાજકોટના સાંસદે પૂછેલા પ્રશ્નનો મળ્યો સરકારી જવાબ
કંપની ફલાઇટ શરૂ કરવા સ્વતંત્ર હોવાનો જવાબ આપતા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી
અગ્ર ગુજરાત, રાજકોટ
હજુ થોડાદ દિવસ અગાઉ જ દુબઇથી મુંબઇ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં સ્મોક એલર્ટના કારણે રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ખાતે ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આકસ્મીક રીતે જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું ઉતરાણ થયું એ એક અનોખી ઘટના છે. વાસ્તવમાં રાજકોટથી પચ્ચીસ કિમી દૂર આવેલા આંતરરાષ્ટ્રીય હવાઇ મથકનો દરજ્જો પ્રાપ્ત થયેલા એરપોર્ટ ખાતે કોઇ સીધી વિદેશી હવાઇ સેવા શરૂ થઇ નથી.
રૂ.૩૨૬ કરોડના ખર્ચે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ તરીકે વિકસાવાયા પછી આ એરપોર્ટ સુધી પહોંચવામાં જ રાજકોટવાસીઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના નાગરિકોને ખાસ્સી મહેનત કરવી પડતી હતી. જોકે, હવે આ એરપોર્ટ ખાતે જ લગભગ મોટાભાગની ડોમેસ્ટીક સેવા શરૂ થઇ છે અને મુસાફરોની હાલાકીને દૂર કરવા બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે. જોકે, આંતરરાષ્ટ્રીય સેવા શરૂ કરવા માટે મથી રહેલા જનપ્રતિનિધિઓને સરકારી જવાબ મળી રહ્યા છે.
રાજકોટના લોકસભાના સાંસદ પરષોત્તમ રૂપાલાએ સંસદમાં નાગરિક ઉડ્ડયનમંત્રી પાસેથી રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ક્યારથી આંતરરાષ્ટ્રીય હવાઇ સેવા શરૂ થશે તેના અંગે જાણકારી માગતો પ્રશ્ન પુછ્યો હતો. તેના ઉત્તરમાં નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે લેખિતમાં જણાવ્યું છે કે, ભારત અને સંબંધિત રાષ્ટ્ર વચ્ચે બાયલ એર સર્વિસ એગ્રીમેન્ટ (એએસએ)ના આધારે આંતરરાષ્ટ્રીય હવાઇ સેવા સંચાલિત થતી હોય છે. તેના આધારે નિયત ભારતીય હવાઇ સેવા આપતી કંપનીઓ રાજકોટથી પોતાની સેવા શરૂ કરવા માટે મુક્ત છે. જોકે, આ હવાઇસેવા શરૂ કરતાં પહેલાં કંપનીઓ પેસેન્જર્સની માંગ તથા સંખ્યા, કંપનીઓ પાસેના સ્લોટની ઉપલબ્ધતા, રૂટની આર્થિક સક્ષમતા સહિતના સંબંધિત પાસાઓને ધ્યાનમાં રાખીને સંપૂર્ણરીતે કોમર્શીયલ નિર્ણય લેતી હોય છે. આ નિર્ણયમાં ભારત સરકાર દરમિયાનગીરી કરતી નથી.
જોકે, ફેબ્રુઆરી, ૨૦૨૫માં ભારત સરકારના નાણા મંત્રાલયના નોટિફિકેશનના આધારે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો માન્ય કરવામાં આવ્યો હતો અને અહીં નવા ટર્મિનલબિલ્ડીંગમાં કસ્ટમ્સ સુવિધા ઊભી કરવામાં આવી છે. જોકે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગૃહ મંત્રાલયને અહીં ઇમિગ્રેશન ચેક પોસ્ટ ઊભી કરવા માટે નોટિફાય કરવામાં આવ્યું છે.


