ભારે વરસાદની અસર! આવકમાં ઘટાડો થતા શાકભાજીના ભાવમાં ભડકો થયો
કંકોડા, કોથમીર, ગવાર, પરવળ સહિતના શાકભાજી ૨૦ થી ૨૫ ટકા મોંઘા : વરસાદી માહોલમાં વાહન વ્યવહાર ખોરવાતા શાકભાજીની આવક ઘટતા મધ્યમ વર્ગ પર મોંઘવારીનો માર
અગ્ર ગુજરાત, રાજકોટ
વરસાદી માહોલના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ જતાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે શાકભાજીના ભાવમાં 20થી 25 ટકા સુધીનો વધારો થયો છે. આ અણધારી મોંઘવારીનો સીધો માર મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર પડ્યો છે. પહેલેથી જ વધતી મોંઘવારી વચ્ચે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું હતું, ત્યાં હવે રોજિંદા જીવનજરૂરી શાકભાજીના ભાવ આસમાને પહોંચતાં સામાન્ય પરિવારોના માસિક બજેટના ગણિત સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં મેઘરાજાની જોરદાર બેટિંગના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેની સીધી અસર હવે લોકોની રસોઈ પર જોવા મળી રહી છે. ખાસ કરીને કંકોડા, કોથમીર, મરચાં, ગવાર, ચોળી અને પરવળ જેવા શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. માર્કેટમાં આવક ઘટવાની સામે માંગ યથાવત્ રહેતાં સામાન્ય દિવસોમાં 60થી 90 રૂપિયે કિલો વેચાતા શાકભાજીના ભાવ વધીને હવે રૂ. 100થી 110 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, ધોધમાર વરસાદના કારણે પરિવહન સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. અન્ય શહેરો અને રાજ્યોમાંથી શાકભાજી ભરીને આવતી ટ્રકો સમયસર માર્કેટમાં પહોંચી શકતી નથી અને રસ્તામાં ફસાઈ રહેવાના કારણે માલ બગડી જાય છે. બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે વેપારીઓને પણ ઊંચા ભાવે ખરીદી કરવાની ફરજ પડી રહી છે, જેના લીધે છૂટક બજારમાં ભાવ સતત વધી રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને જોતા શાકભાજીના ભાવમાં હજુ પણ વધારો યથાવત્ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. જો આ ભાવવધારો આમ જ ચાલુ રહેશે, તો સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને શાકભાજી ખરીદવા માટે ઘરના બજેટમાં અલગથી નાણાં ફાળવવાની નોબત આવી શકે છે.


