ગોંડલ તાલુકા સેવા સદનની સરપ્રાઇઝ મુલાકાત લેતા કલેકટર
ડિઝાસ્ટર કંટ્રોલરૂમની સમીક્ષા કરી નાગરિકો માટે મહત્વની સૂચનાઓ આપી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમપ્રકાશ આજે ગોંડલ તાલુકા સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે કચેરીની વિવિધ કામગીરીઓ અને વરસાદી આગાહીને પગલે ડિઝાસ્ટર સજ્જતાની ઝીણવટભરી તપાસ કરી હતી. તાલુકા સેવા સદન ખાતે પહોંચીને કલેક્ટરે રેવન્યુ તલાટી કચેરીની મુલાકાત લીધી હતી. તેમણે ગોંડલ ગ્રામ્યના તલાટી ગ્રુપની ‘એપેન્ડિક્સ-એ’ ની ચકાસણી કરી હતી તેમજ ગ્રામ દફતરની તપાસણી હાથ ધરી હતી.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આપેલી આગાહીના પગલે તાલુકા સેવા સદન ખાતે વિશેષ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. કલેક્ટરે આ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની વિઝિટ કરી તમામ તકેદારીના પગલાં અને તૈયારીઓ અંગે લાઈઝન અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
આગામી 2 થી 3 દિવસ દરમિયાન વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સવારે તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠક કરીને ડિઝાસ્ટરની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ‘ઝીરો કેઝ્યુઅલ્ટી’ (શૂન્ય જાનહાની) અને સંપત્તિના નુકસાનને અટકાવવાના સંકલ્પ સાથે તંત્ર સજ્જ છે.
આવનારા 24 થી 48 કલાક દરમિયાન બિનજરૂરી બહાર જવાનું સંપૂર્ણપણે ટાળો. પાણી ભરાયેલા વિસ્તારો કે નદી-નાળા નજીક બાળકો કે મોટાઓએ મનોરંજન અર્થે જવું નહીં. જો રસ્તા પરથી પાણી વહી રહ્યું હોય (ઓવરટોપિંગ) તો ભૂલથી પણ વાહન પસાર ન કરવું. જર્જરિત બિલ્ડિંગ્સ, મોટા હોર્ડિંગ્સ, વૃક્ષો અને વીજળીના થાંભલાથી સલામત અંતર જાળવવું. ભારે વરસાદ દરમિયાન પશુઓને બાંધી રાખવાને બદલે ખુલ્લા કરી દેવા જેથી તેઓ સલામત સ્થળે જઈ શકે. પાણી ભરાવાની શક્યતા વાળા નીચાણવાળા વિસ્તારના લોકોએ સમયસર તંત્રનો સહયોગ લઈ સુરક્ષિત સ્થળે ખસી જવું.
કોઈપણ ઈમરજન્સી કે આપત્તિના સમયે નાગરિકો જિલ્લા કંટ્રોલ રૂમ નંબર 1077 અથવા તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે. તલાટીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીનો સંપર્ક સાધીને મદદ મેળવી શકાશે.


