વ્યાજ માફી યોજનામાં પ્રથમ દિવસે જ મનપાને રૂ.૧૪.3૦ લાખથી વધુ આવક
૯૫થી વધારે આસામીઓએ વેરો ભરી રૂ.૨.૦૨ લાખનું વળતર મેળવ્યું : ૧૪૦૦ કરોડથી વધુના માંગણા હોવાની ચર્ચા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાના મિલકતધારકો અને પાણીવેરાના બાકીદારોને રાહત આપવા માટે તા. 1 ઓગસ્ટથી વ્યાજમાફી યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાને પહેલા જ દિવસે નાગરિકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ યોજનાના પ્રથમ દિવસે જ 95 મિલકતધારકોએ રૂ. 14.30 લાખનો ટેક્સ ભરીને યોજનાનો લાભ લીધો છે, જેની સામે મનપા દ્વારા રૂ. 2.02 લાખનું વળતર આપવામાં આવ્યું છે. બે મહિના સુધી ચાલનારી આ યોજના અંતર્ગત બંને ટેક્સમાં મળીને કુલ રૂ. 10,000 સુધીની વ્યાજ માફી આપવામાં આવી રહી છે. મનપાના ચોપડે હાલ ટેક્સનું કુલ માંગણું રૂ. 1,400 કરોડથી વધુ બોલે છે, ત્યારે આ યોજનાથી 1.40 લાખથી વધુ આસામીઓને સીધો લાભ થાય તેવી ધારણા રાખવામાં આવી રહી છે.
વેરા વિભાગનાં મેનેજર વત્સલ પટેલનાં જણાવ્યા મુજબ 31 જુલાઈના રોજ મેયર ડો નેહલ શુક્લએ વ્યાજમાફી યોજના જાહેર કરી હતી. યોજના હેઠળ 1 ઓગષ્ટથી 30 સપ્ટેમ્બર સુધી મિલકત અને પાણીવેરાનાં વ્યાજમાં રૂ. 5000-5000નું વ્યાજ માફ કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ યોજનાનો પ્રથમ દિવસ શનિવારે હતો. માત્ર આ એક જ દિવસમાં કુલ 95 મિલકત ધારકોએ રૂ. 14.30 લાખ બાકીવેરો ભર્યો છે. વ્યાજમાફી યોજનાનાં નિયમ મુજબ આ કરદાતાઓને રૂ. 2,02,340નું વ્યાજ માફ કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓને પ્રોત્સાહિત કરવા અને વેરા ભરપાઈનો વ્યાપ વધારવાના આશયથી આ વ્યાજ રાહત યોજના શરૂ કરાઈ છે. રાજકોટ શહેરમાં અંદાજે 6.10 લાખ નોંધાયેલા કરદાતાઓમાંથી વ્યાજ માફી યોજનાના અમલીકરણ બાદ નિયમિત વેરો ભરતા કરદાતાઓની સંખ્યા 5.20 લાખ સુધી પહોંચવાની તંત્રને આશા છે. મનપાનાં મિલકત અને પાણીવેરામાં વ્યાજની મોટી રકમો બાકી હોય તેવા 1.40 લાખ કરદાતાઓ છે. શનિવારે વરસતા વરસાદે 95 લોકોએ બાકી વેરો ભરતા આગામી દિવસોમાં મોટી સંખ્યામાં લોકો આ યોજનાનો લાભ લે તેવી શક્યતા છે.


