મુખ્યમંત્રીના હસ્તે રૂ.૨૬૮ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વિકાસની વાતો કરવી અને તેનો અનુભવ કરાવવો બંને અલગ બાબતો છે : વિપક્ષને ટોણો મારતા મુખ્યમંત્રી
મનપાના રૂ.૨૪૭.૭૮ કરોડના ૨૬ વિકાસ કાર્યોમાં, રૂ.૯૪.૪૨ કરોડના ૧૩ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને રૂ. ૧૫૩.૩૫ કરોડના ૧૩ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત
યુનિવર્સીટી હસ્તકના રૂ. ૨૦.૩૦ કરોડના ત્રણ પ્રોજેક્ટનું લોકાર્પણ
અગ્ર ગુજરાત, રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ઓડીટોરીયમ ખાતે રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી હસ્તકના કુલ રૂ. ૨૬૮ કરોડથી વધુ રકમના વિવિધ પ્રોજેક્ટનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના જન-સુખાકારીના વિવિધ કામોના લાભનું પણ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા, અતિથિ વિશેષ તરીકે મેયર ડો. નેહલ શુક્લ, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપળીયા, અને જેઓની પ્રેરક ઉપસ્થિતિ રહી તે રાજકોટના ધારાસસભ્યો ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરિયા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરિયા, મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, અને ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પીપળીયા, દંડક સંજયસિંહ રાણા, કુલપતિ ડો. ઉત્પલ જોશી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કમિશનર તુષાર સુમેરા, કલેકટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, શહેર ભાજપ સંગઠનના હોદેદારો તથા બહોળી સંખ્યામાં છાત્રો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાના કુલ રૂ. ૨૪૭.૭૮ કરોડના ૨૬ વિકાસ કાર્યોમાં, રૂ.૯૪.૪૨ કરોડના ૧૩ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને રૂ. ૧૫૩.૩૫ કરોડના ૧૩ પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત કરવામાં આવેલ, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી હસ્તકના રૂ. ૨૦.૩૦ કરોડના કુલ ત્રણ પ્રોજેક્ટના લોકાર્પણ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના શુભ હસ્તે જન-સુખાકારીના વિવિધ કામોના લાભ પણ લાભાર્થીઓને વિતરિત કરવામાં આવેલ હતાં.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક વ્યક્તવ્યમાં કહ્યું હતું કે, વિકાસ અને વિકાસની રાજનીતિ કેવી હોય તેનો અનુભવ આપણને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યો છે.વિકાસની વાતો કરવી અને અને તેનો અનુભવ કરાવવો એ બંને અલગ બાબતો છે. મને એ ખ્યાલ છે કે, પ્રધાનમંત્રીની વિકાસની રાજનીતિનો સૌથી વધુ અનુભવ રાજકોટને થયો છે. એક સમયે જલકટોકટીથી પીડાતા રાજકોટની આ સમસ્યા ઉકેલવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વડાપ્રધાનએ “સૌની” યોજના આપી ને હવે રાજકોટ પાણી બાબતે નિશ્ચિંત થઇ ચુક્યું છે. ભૂતકાળમાં ખેડૂતોને કૃષિ માટે વીજળીના કનેક્શન માંડ માંડ મળતા તે હવે આસાનીથી મળી રહે છે. માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નાના માં નાના વ્યક્તિની પણ ચિંતા કરી છે. પાણી, રસ્તા, સ્વાસ્થ્ય માટે આયુષ્યમાન કાર્ડ, યોગા પ્રસાર, ઉજ્જવલા યોજના સહિતની અનેક યોજનાઓ અમલમાં મુકેલી છે. હું એમ કહી શકું છું કે, આપની નજર સમક્ષ દરેક બાબતોમાં પરિવર્તન અનુભવાય છે.


