20 લાખની લાંચ કેસમાં રાજકોટ સેન્ટ્રલ GSTના સુપ્રિન્ટેન્ડેન્ટને હાઇકોર્ટથી નિયમિત જામીન
એસીબી ટ્રેપ બાદ થયેલી ધરપકડ મામલે ગુજરાત હાઇકોર્ટનો આદેશ : ચાર્જશીટ દાખલ થઈ ચૂકતાં અને કડક શરતોના આધારે આરોપીને રાહત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં રૂ.20 લાખની લાંચના કેસમાં એસીબીના ટ્રેપ દરમિયાન ઝડપાયેલા સેન્ટ્રલ જીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશ કુમારને ગુજરાત હાઇકોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે. હાઇકોર્ટે 30 જુલાઈ, 2026ના રોજ કડક શરતોને આધીન આરોપીને મુક્ત કરવાનો હુકમ આપ્યો હતો. કેસમાં અગાઉ એસીબી દ્વારા સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે ટેક્સ કન્સલ્ટન્ટ તથા એડવોકેટની પણ ધરપકડ કરવામાં આવી હતી.
કેસની વિગતો મુજબ, ફરિયાદી છેલ્લા ઘણા વર્ષોથી સોના-ચાંદીના દાગીનાના વેપાર સાથે સંકળાયેલા છે અને વર્ષ 2017માં જીએસટી નોંધણી મેળવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી તેમની દુકાન બંધ હોવા છતાં તેઓ ઘરેથી વ્યવસાય કરતા હતા. તેમની સામે જીએસટી ન ભરવા અને ખોટા બિલો બનાવવાના આક્ષેપો અંગે સેન્ટ્રલ જીએસટી વિભાગમાં અરજી થઈ હતી. આ અરજીની તપાસ સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશ કુમારને સોંપવામાં આવી હતી.
તપાસ દરમિયાન સ્થળ મુલાકાત સહિતની કાર્યવાહી કર્યા બાદ ફરિયાદી વિરુદ્ધની અરજીનો નિકાલ કરવા માટે શરૂઆતમાં રૂ.25 લાખની લાંચ માંગવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. બાદમાં બંને વચ્ચે થયેલી વાતચીત દરમિયાન રકમ રૂ.20 લાખ પર નક્કી થઈ હોવાનું કહેવાય છે. ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેમણે રાજકોટ એસીબીનો સંપર્ક કર્યો હતો.
એસીબીએ ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ટ્રેપ દરમિયાન ટેક્સ એડવોકેટ આકાશ કલોલીયાએ સુપ્રિન્ટેન્ડેન્ટ વતી ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી અને પંચ સાક્ષીઓની હાજરીમાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમના આધારે જાહેર સેવક દ્વારા હોદ્દાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચાર આચરવાનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની વિવિધ કલમો હેઠળ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ બાદ આરોપીને સ્પેશિયલ એસીબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તપાસ માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે બચાવપક્ષના વિરોધ બાદ કોર્ટે માત્ર બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.
ત્યારબાદ આરોપી તરફથી ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરવામાં આવી હતી. બચાવપક્ષે દલીલ કરી હતી કે ટ્રેપ દરમિયાન આરોપી પાસેથી કોઈ લાંચની રકમ સીધી રીતે મળી આવી નથી. ઉપરાંત, સમગ્ર ઘટનાક્રમમાં રકમની સીધી રિકવરી અંગે પણ પ્રશ્નો ઉભા થતા હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. વધુમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે, ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે અને હવે આરોપી પાસેથી કોઈ વધુ રિકવરી કે ડિસ્કવરી બાકી નથી, તેથી જામીન આપવાની વિનંતી કરવામાં આવી હતી.
બચાવપક્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા જામીન સંબંધિત સિદ્ધાંતો તેમજ વિવિધ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓનો પણ આધાર લીધો હતો. બીજી તરફ સરકારપક્ષે જામીન અરજીનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે આરોપી સામે પ્રથમ દ્રષ્ટિએ ગંભીર પુરાવા ઉપલબ્ધ છે તેમજ વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ જેવી તપાસની કાર્યવાહી હજુ બાકી હોવાથી જામીન ન આપવા જોઈએ.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે કેસની પરિસ્થિતિ, તપાસની સ્થિતિ અને ચાર્જશીટ દાખલ થઈ ગયાની હકીકતને ધ્યાનમાં રાખી આરોપીને કડક શરતો સાથે નિયમિત જામીન મંજૂર કર્યા હતા. હાઇકોર્ટે પોતાના આદેશમાં જામીન એ નિયમ અને જેલ એ અપવાદના સિદ્ધાંતને પણ મહત્વ આપ્યું હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં આરોપી મુકેશ કુમાર તરફથી ગુજરાત હાઇકોર્ટના ધારાશાસ્ત્રીઓ અપૂર્વ એન. મહેતા અને જયદીપ એમ. કુકડિયાએ રજૂઆત કરી હતી. કેસમાં જામીન મળ્યા હોવા છતાં ભ્રષ્ટાચારના આ કેસની ટ્રાયલ પ્રક્રિયા યથાવત ચાલુ રહેશે.


