ગોંડલના યુવાનને નવ દિવસમાં લૂંટી ફરાર થઈ લૂંટેરી દુલ્હન : 3.50 લાખનો હાથફેરો
સુરત-વાપીની ટોળકી સામે ગુનો નોંધાયો; માસીના મોતનું બહાનું બનાવી દાગીના સાથે ગાયબ, રાજકોટ સહિત રાજ્યના અનેક યુવકોને નિશાન બનાવ્યાની કબૂલાત
અગ્ર ગુજરાત, રાજકોટ
લગ્નની ઇચ્છા ધરાવતા યુવકોને નિશાન બનાવી બોગસ લગ્ન કરાવી રોકડ અને દાગીનાની છેતરપિંડી કરતી એક લૂંટેરી દુલ્હન અને તેની ટોળકીનો વધુ એક કિસ્સો ગોંડલમાં સામે આવ્યો છે. ગોંડલના 38 વર્ષીય યુવક સાથે ફૂલહાર કરીને લગ્ન કર્યા બાદ યુવતી માત્ર નવ દિવસ સુધી પત્ની તરીકે રહી અને પછી માસીના મોતનું બહાનું બનાવી આશરે રૂ. 50 હજારના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી. આ સમગ્ર કાવતરામાં યુવક પાસેથી અગાઉ રૂ. 3 લાખ પણ પડાવવામાં આવ્યા હતા. આમ કુલ રૂ. 3.50 લાખની છેતરપિંડી થતાં ગોંડલ સીટી પોલીસમાં બે મહિલા સહિત ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ કોટડાસાંગાણી રોડ પર રહેતા વિમલભાઈ રમણીકભાઈ મોવલીયા અપરિણીત હોવાથી તેમના પરિવારજનો લગ્ન માટે યોગ્ય સંબંધ શોધી રહ્યા હતા. આ દરમિયાન ઓળખાણ મારફતે સુરતના જયેશ પટેલનો સંપર્ક થયો હતો. તેણે પોતે લગ્ન સંબંધ કરાવતો હોવાનું કહી અનેક યુવતીઓના ફોટા મોકલ્યા હતા. બાદમાં તેણે પોતાના મિત્રની સાળી હોવાનું કહી પ્રણાલી ઉર્ફે પ્રિયા નામની યુવતીનો ફોટો મોકલ્યો હતો. પરિવારને યુવતી પસંદ પડતાં વાત આગળ વધી હતી.
ત્યારબાદ જયેશ પટેલે યુવતી સાથે લગ્ન કરાવવા માટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરિવારની આર્થિક સ્થિતિનો હવાલો આપતાં આખરે ત્રણ લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. થોડા દિવસ બાદ હિતેશ ઉર્ફે રાહુલ કાપડિયા, તેની પત્ની સપના અને પ્રણાલી ગોંડલ આવી પરિવારને મળ્યા હતા. તમામ ચર્ચા બાદ સુરત જિલ્લાના વાસદા ખાતે લગ્ન કરવાનું નક્કી થયું હતું.
20 જુલાઈ, 2025ના રોજ વિમલભાઈ પરિવાર અને સગા-સંબંધીઓ સાથે વાસદા પહોંચ્યા હતા. ત્યાં ફૂલહાર કરીને લગ્નની વિધિ કરવામાં આવી હતી. લગ્ન પ્રસંગે પ્રણાલીને સોનાનો દાણો, બુંટી અને પેન્ડલ સેટ સહિત આશરે રૂ. 50 હજારના દાગીના પહેરાવવામાં આવ્યા હતા. ઉપરાંત હિતેશ ઉર્ફે રાહુલને રૂ. 3 લાખ રોકડા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ નવદંપતી ગોંડલ આવી સાથે રહેવા લાગ્યું.
લગ્નના નવમા દિવસે આખી રમત ખુલ્લી પડી હતી. વિમલભાઈ કામસર બહારગામ ગયા હતા ત્યારે પ્રણાલીએ ફોન કરીને પોતાની માસીનું અવસાન થતાં નાગપુર જવાનું હોવાનું જણાવ્યું હતું. પતિએ રાહ જોવા કહ્યું છતાં તેણીએ ઉતાવળ બતાવી ફોન કાપી નાખ્યો. ત્યારબાદ તેનો મોબાઇલ સતત સ્વીચ ઓફ આવવા લાગ્યો. શંકા જતાં પરિવારજનો વાસદા પહોંચ્યા તો પ્રણાલીએ જે માસીના મૃત્યુની વાત કરી હતી તે મહિલા જીવિત હાલતમાં ઘરે મળી આવતા સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ આરોપીઓનો કોઈ સંપર્ક ન થતાં છેતરપિંડી થયાની ખાતરી થઈ હતી.
આ દરમિયાન 2 ઓગસ્ટે અખબારમાં પ્રકાશિત થયેલા સમાચાર પરથી પરિવારને જાણ થઈ કે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશને લૂંટેરી દુલ્હન અને તેની ટોળકીને અન્ય એક છેતરપિંડીના ગુનામાં ઝડપી લીધી છે. ફોટા જોઈ ફરિયાદીએ પોતાની સાથે પણ એ જ ટોળકીએ છેતરપિંડી કરી હોવાનું ઓળખી ગોંડલ સીટી પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. હવે ગોંડલ પોલીસ આરોપીઓનો કબ્જો સુરત પોલીસ પાસેથી મેળવવાની કાર્યવાહી હાથ ધરી રહી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હિતેશ કાપડિયા આ સમગ્ર ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. તેણે છેલ્લા ત્રણેક મહિનામાં રાજ્યના વિવિધ શહેરોમાં લગ્નના નામે યુવકોને ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની કબૂલાત આપી છે. સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના વિસ્તારોમાં છ જેટલા યુવકોને લૂંટીને કુલ રૂ. 17.20 લાખ રોકડા અને દાગીના પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેમાં રાજકોટના પ્રધ્યુમનનગરના એક યુવક પાસેથી પણ રૂ. 2.50 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. હવે પોલીસને આશંકા છે કે આ ટોળકીના વધુ ભોગ બનનારા લોકો પણ સામે આવી શકે છે અને સમગ્ર કૌભાંડનો વ્યાપ વધુ મોટો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.


