દીવના દરિયામાં ડૂબતા માણસનું પોલીસ દ્વારા રેસ્કયું
પોલીસ કોન્સ્ટેબલ મીતેષભાઇ બારીયાની કામગીરીને બિરદાવાઇ
અગ્ર ગુજરાત, દીવ
દીવના વણાંકબારા સ્થિત ગોમતી માતા મંદિર નજીકના દરિયાઈ વિસ્તારમાં ગઈકાલે સાંજે એક મોટી દુર્ઘટના ટળી હતી. દરિયામાં નાહવા અથવા કોઈ કારણોસર ગયેલ કોટડા ગામના રહીશ રામજીભાઈ નામના વ્યક્તિ અચાનક ઊંડા પાણીમાં ખેંચાવા લાગ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ વણાંકબારા કોસ્ટલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર લકમ પોતાની ટીમ સાથે ત્વરિત ઘટનાસ્થળે દોડી ગયા હતા. દરિયામાં કરંટ અને તોફાની મોજાં હોવા છતાં, પરિસ્થિતિની ગંભીરતા સમજીને પોલીસ કોન્સ્ટેબલ મિતેષભાઈ બારીયાએ પોતાની જાનની પરવા કર્યા વગર તાત્કાલિક દરિયામાં છલાંગ લગાવી હતી.
આ બચાવ કામગીરી દરમિયાન નજીકના ગોમતી માતા સ્મશાન પ્રોજેક્ટમાં કામ કરતા સ્થાનિક શ્રમિકોએ પણ મદદનો હાથ લંબાવ્યો હતો. તેમણે દરિયામાં દોરડું ફેંકીને પોલીસ ટીમ સાથે સંયુક્ત પ્રયાસ કર્યો હતો. ભારે મુશ્કેલી અને દરિયાના પવન-મોજાં વચ્ચે રામજીભાઈને સલામત રીતે કિનારે બહાર કાઢી લેવાયા હતા. પોતાના જીવના જોખમે ડૂબતી વ્યક્તિનો જીવ બચાવનાર જાંબાજ કોન્સ્ટેબલ મિતેષ બારીયા અને તેમની પોલીસ ટીમની આ સમયસૂચકતા તથા શૌર્યપૂર્ણ કામગીરીને સ્થાનિકો અને પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવી રહી છે.


