જેતપુર પાસે ભેળસેળિયા દૂધનો મોટો પર્દાફાશ : 5400 લિટર જથ્થો નાશ કરાયો
રાજકોટ ગ્રામ્ય એસઓજી-એલસીબીની સંયુક્ત કાર્યવાહી, સુરેન્દ્રનગરના ટેન્કર ચાલકની અટકાયત : જૂનાગઢની ડેરીમાંથી રાજ્યભરમાં સપ્લાય થતું હોવાની પ્રાથમિક માહિતી, લેબ રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સામે રાજકોટ ગ્રામ્ય પોલીસને મહત્વની સફળતા મળી છે. જેતપુર નજીકથી શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપી પાડતાં તેમાં રહેલું અંદાજે 5,400 લિટર દૂધ પ્રાથમિક તપાસમાં ભેળસેળયુક્ત હોવાનું સામે આવ્યું હતું. ફૂડ સેફ્ટી વિભાગે જરૂરી નમૂનાઓ લીધા બાદ સમગ્ર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનાર તત્વો સામે કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. તે દરમિયાન એસઓજી અને એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે જૂનાગઢ તરફથી શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર રાજકોટ તરફ આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસ ટીમે જેતપુર નજીક વોચ ગોઠવી ટેન્કરને અટકાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ટેન્કરમાંથી આશરે 5,400 લિટર દૂધ મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે રૂ. 2.70 લાખ થાય છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ સ્થળ પર જ સેમ્પલિંગ કરીને પ્રાથમિક ચકાસણી હાથ ધરી હતી. તપાસમાં દૂધ ભેળસેળયુક્ત હોવાનું જણાતાં સમગ્ર જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
પોલીસે ટેન્કર ચલાવતા સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના ખાખરાતળ ગામના ભરત મામૈયાભાઈ લોહ (ઉ.વ. 29)ને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દૂધનો આ જથ્થો જૂનાગઢ જિલ્લાના ચાંપોદર ખાતે આવેલી અલખધણી ડેરીમાંથી ભરવામાં આવ્યો હતો અને તેને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાની પંચાલ ડેરીમાં પહોંચાડવાનો હતો. તપાસ દરમિયાન એવી પણ માહિતી સામે આવી છે કે છેલ્લા આશરે છ મહિનાથી આ માધ્યમથી ભેળસેળયુક્ત દૂધની સપ્લાય કરવામાં આવતી હતી. સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ, મહેસાણા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આ દૂધ પહોંચાડવામાં આવતું હોવાની પ્રાથમિક વિગતો પોલીસને મળી છે. જોકે, આ સમગ્ર મામલે અંતિમ સ્થિતિ દૂધના લેબોરેટરી રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
પોલીસે દૂધના નમૂનાઓ વૈજ્ઞાનિક પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટમાં ભેળસેળની પુષ્ટિ થયા બાદ સંબંધિત ડેરી સંચાલકો અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહી એસઓજીના પીઆઈ એફ. એ. પારગી અને એલસીબીના પીઆઈ જે. પી. રાવના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી, જેમાં બંને શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે કામગીરી કરી હતી.


