વી. એમ. મહેતા આયુર્વેદ સંસ્થાન દ્વારા છાપરા ગામે “આયુર્ગ્રામ 3.0 – રાઉન્ડ 2″ નો પ્રારંભ:
“સ્વસ્થ ઇન્દ્રિય પ્રતિજ્ઞા” સાથે ઇન્દ્રિય આરોગ્ય અંગે જનજાગૃતિ
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી વી. એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, ગાર્ડી વિદ્યાપીઠ, રાજકોટ દ્વારા તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ છાપરા ગામ ખાતે “આયુર્ગ્રામ 3.0 – રાઉન્ડ 2” કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આયુર્વેદના નિવારક આરોગ્ય (Preventive Healthcare) ના સિદ્ધાંતોને ગ્રામ્ય સમુદાય સુધી પહોંચાડીને સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન આપવાનો છે. આ વર્ષે કાર્યક્રમનો મુખ્ય વિષય “ઇન્દ્રિય આરોગ્ય” રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત “ઇન્દ્રિય આરોગ્ય અંગે જાગૃતિ” વિષય પર અતિથિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન ડૉ. શ્રદ્ધા દેત્રોજા દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે આયુર્વેદના દૃષ્ટિકોણથી આંખ, કાન, નાક, જીભ અને ત્વચા જેવા પાંચેય ઇન્દ્રિયોની યોગ્ય સંભાળ, દૈનિક જીવનમાં અપનાવવા યોગ્ય સ્વસ્થ આદતો, ઋતુચર્યાનું પાલન, સદ્વૃત્ત તથા નિવારક આરોગ્યના મહત્વ વિશે સરળ અને અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ઇન્દ્રિયોની યોગ્ય સંભાળ દ્વારા અનેક રોગોથી બચી શકાય છે અને જીવનની ગુણવત્તામાં વધારો કરી શકાય છે. આ કાર્યક્રમમાં જયાબેન દેશાભાઈ સૌંધરવા (સરપંચ, ગ્રામ પંચાયત, છાપરા), ડી. એચ. જાડેજા (PDO) તથા અનિરુદ્ધસિંહ જાડેજા (તાલુકા પંચાયત સભ્ય) વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આયુર્વેદ દ્વારા ગ્રામ્ય સ્તરે આરોગ્ય જાગૃતિ લાવવાના સંસ્થાના પ્રયાસોની પ્રશંસા કરી હતી તેમજ ગ્રામજનોને આવા કાર્યક્રમોનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ “સ્વસ્થ ઇન્દ્રિય પ્રતિજ્ઞા (Healthy Indriya Pledge)” રહ્યું હતું. જેમાં ગામના નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, ઇન્ટર્ન ડોક્ટર્સ તથા ઉપસ્થિત મહાનુભાવોએ સામૂહિક રીતે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ પોતાની પાંચેય ઇન્દ્રિયોના આરોગ્યની જાળવણી માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવશે, આયુર્વેદના સિદ્ધાંતોનું પાલન કરશે, વ્યસનોથી દૂર રહેશે તથા અન્ય લોકોને પણ ઇન્દ્રિય આરોગ્ય અંગે જાગૃત કરશે. આ પ્રતિજ્ઞા દ્વારા ઇન્દ્રિયોના આરોગ્યને સમગ્ર આરોગ્યનો આધારસ્તંભ માનવાની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વી. એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના પ્રિન્સિપાલ ડૉ. રવિકાંત આર. ગોયલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજનમાં ડૉ. વિદ્યાધર બાલીકાઈ (ચીફ કોઓર્ડિનેટર), ડૉ. પ્રતિક મહેતા (શૈક્ષણિક કોઓર્ડિનેટર) તથા ડૉ. પ્રવીણા એમ. વી. (પ્રોગ્રામ કોઓર્ડિનેટર) દ્વારા વિશેષ માર્ગદર્શન અને સંકલન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપરાંત વી એમ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સંસ્થાના અધ્યાપકગણ, ઇન્ટર્ન્સ તથા BAMSના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


