બાલાજી હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુઓ ભક્તિરસમાં લીન થયા
સ્વ. વિજયભાઈ રૂપાણીની જન્મજયંતી નિમિત્તે ભવ્ય ૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ અને નિરાજન આરતી યોજાઈ
યજ્ઞમાં હજારો આહુતિઓ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ અને રાજકોટની સુખાકારી માટે પ્રાર્થના કરાઈ
સંતો-મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં નિરાજન આરતી સાથે મહોત્સવની પૂર્ણાહુતિ
અગ્ર ગુજરાત, રાજકોટ
લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક અને રાજકોટવાસીઓના દુઃખહર્તા એવા મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજના મંગલમય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ સામે, ભૂપેન્દ્ર રોડ) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની જન્મજયંતી નિમિત્તે ભવ્ય ‘૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ’ અને વિશેષ ‘નિરાજન આરતી’ નું અનેરું આયોજન ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયું હતું.
મંદિરના પટાંગણમાં રચાયેલા ૨૧ કુંડી વિશાળ યજ્ઞમંડપમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજમાનો તેમજ ભક્તો દ્વારા દાદાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી. આ પાવન યજ્ઞમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી દિવંગત સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિને નમન કરી તેમની જન્મજયંતી પર તેમના આત્માની પરમ શાંતિ તેમજ રંગીલા રાજકોટ શહેરની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સલામતી માટે કષ્ટભંજન દાદાના ચરણોમાં અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.
મહાયજ્ઞની મંગલ પૂર્ણાહુતિ બાદ, સંધ્યા સમયે સ્વ. વિજયભાઈ રૂપાણીની પવિત્ર સ્મૃતિમાં વિશેષ ‘નિરાજન આરતી’ ઉતારવામાં આવી હતી. આ વેળાએ સમગ્ર મંદિર પરિસરમાં “જય બાલાજી”, “જય શ્રી રામ” અને “હનુમાનજી મહારાજ કી જય” ના દિવ્ય નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હજારો શ્રદ્ધાળુઓએ દાદાની ભાવભરી આરતીનો લાભ લઈ પરમ શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો.
આ સમગ્ર સ્મૃતિ મહોત્સવ અને મહાયજ્ઞનું આયોજન બાલાજી હનુમાનજી મંદિરના આયોજક મહંત વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીની પાવન નિશ્રા અને પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું.


