રેલ ઉપભોકતા સલાહકાર સમિતિ માત્ર ફારસરૂપ હોવાનો કચવાટ
પશ્ચિમ વિભાગની બેઠકમાં સભ્યોના પ્રશ્નો સામે માત્ર થઇ જશેનું મળતુ આશ્વાસન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ખાતે DRUCCની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં સમિતિના સભ્યો દ્વારા રેલવેને લગતા થોકબંધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં ફરીથી આશ્વાસનની લોલીપોપ મળી છે. વર્ષોથી સભ્યો દ્વારા રજૂઆત કરાઇ છે અને એજ રૂટીન જવાનો મળી રહ્યાની ચર્ચા થઇ રહી છે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ડિવિઝનલ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની બેઠકનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆતમાં સમિતિના સચિવ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ સમિતિના અધ્યક્ષ અને રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ ડિવિઝનની પ્રમુખ સિદ્ધિઓ તથા પૂરી પાડવામાં આવી રહેલી પેસેન્જર સુવિધાઓ અંગે સભ્યોને વિગતવાર માહિતી આપી હતી.
બેઠક દરમિયાન સમિતિના સભ્યો દ્વારા પોતપોતાના ક્ષેત્રોને લગતી રેલવેની સમસ્યાઓ, નવી ટ્રેનોનું સંચાલન, ટ્રેનોના સ્ટોપેજમાં વધારો, ટ્રેનોના વિસ્તરણ, ડબલ ટ્રેક સહિત વિવિધ રેલ પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા તથા ડિવિઝનના સ્ટેશનો પર વધુ સારી મુસાફર સુવિધાઓ પૂરી પાડવા માટે પોતાના અમૂલ્ય સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ સભ્યો દ્વારા આપવામાં આવેલા તમામ સૂચનો પર ઝડપી અને યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
આ પ્રસંગે સમિતિના સભ્યોમાં પાર્થિવકુમાર ગણાત્રા, પૂજા વઘાસિયા, અમૃતલાલ વાઢેર, દીપકભાઈ રવાણી, ડૉ. મયંક ઠક્કર, પ્રદીપ મહેતા, યોગેશ મિશ્રા, નરેન્દ્ર પંચાણી, દિલીપસિંહ પરમાર, પ્રવીણ ત્રિવેદી, કિરીટ કુમાર ત્રિવેદી અને શ્રી સુધીર વછરાજાની ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રાજકોટ ડિવિઝનના અપર ડિવિઝનલ રેલ પ્રબંધક બ્રિજેશ કુમાર સિંહ સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


