મનપાના ફૂડ વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવતો કિસ્સો
સીલ કરેલી ફેકટરી ફરી ધમધમી, 3૦ કિલો એનાલોગ પનીર ઝડપાયું
ફોર્ચ્યુન પનીર ફેકટરીમાં દરોડો, તંત્રની તવાઇથી કર્મચારીઓમાં અફરાતફરી : પાછળ સીડી ગોઠવી કર્મચારીઓ નાસી છુટયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ફૂડ વિભાગ દ્વારા આજે પનીર ઉત્પાદન કરતા એકમો પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં અગાઉ સીલ કરેલી ફેકટરી ફરી ધમધમતી જોવા મળી હતી અને તેમાંથી 3૦ કિલો એનાલોગ પનીરનો જથ્થો ઝડપી પાડયો છે.
રાજકોટ શહેરમાં પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી અસામાજિક તત્વોની કરતૂત સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. શહેરમાં આવેલી જાણીતી ‘ફોર્ચ્યુન પનીર’ની ફેક્ટરીમાં પ્રતિબંધિત એનાલોગ પનીરનો મોટો જથ્થો વેચાતો હોવાની બાતમીના આધારે અધિકારીઓએ દરોડો પાડીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
અધિકારીઓની ટીમ દરોડો પાડવા પહોંચી ત્યારે ફેક્ટરીના કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પકડાઈ જવાના ડરે કર્મચારીઓએ તાત્કાલિક અંદરની બાજુથી ફેક્ટરીના દરવાજા બંધ કરી દીધા હતા. બાદમાં ફેક્ટરીની પાછળની તરફ સીડી ગોઠવીને તમામ કર્મચારીઓ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
આ દરોડા દરમિયાન ઝપટે ચડેલા ફેક્ટરીના એક કર્મચારીએ પોતાના બચાવમાં લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ એનાલોગ પનીર બહારગામથી મંગાવવામાં આવ્યું હતું. તેણે કારખાનામાં આશરે ૨૫ થી ૩૦ કિલો જેટલો એનાલોગ પનીરનો જથ્થો હોવાની કબૂલાત કરી હતી. વધુમાં કર્મચારીએ ખુલાસો કર્યો હતો કે આ પેઢીના સંચાલકનું નામ કૃણાલ છે.
બ્રાન્ડેડ પનીરના નામે પ્રતિબંધિત અને આરોગ્ય માટે નુકસાનકારક એનાલોગ પનીર પધરાવી દેવાના આ કૌભાંડને પગલે તંત્ર સખત મોડમાં આવ્યું છે. તપાસ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ફેક્ટરીમાંથી મળી આવેલો તમામ પ્રતિબંધિત જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવશે. આ સાથે જ પ્રજાના આરોગ્ય સાથે રમત રમનારા પેઢીના માલિક અને જવાબદારો સામે કાયદાનું શસ્ત્ર ઉગામીને અત્યંત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


