૫૦૦થી વધારે પીડિતો માટે સરકારી હોસ્પિટલ ધણીધોણી વગરની
સિવિલમાં શુધ્ધ લોહીની અછત, થેલેસેમિયા ગ્રસ્તો પર મેજર ખતરો
ડેસ્પરાલ ઇન્જેકશન, કેલ્ફર દવાની અછત, બ્લડ ચડાવવાનું લાખોનું મશીન ધૂણધાણી, શૃધ્ધ લોહી નહી મળતા દર્દીઓને સાઇડ ઇફેકટ : વારંવાર રજૂઆત છતા પરિણામ શૂન્ય : બડાબજરંગ ફાઉન્ડેશન અને મેજરો દ્વારા કલેકટરને ફરી આવેદન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ૫૦૦થી વધારે લોકો થેલેસેમિયાની બિમારીથી પીડાઇ રહ્યાં છે. જેને દર ૧૫ અને 3૦ દિવસે લોહી ચડાવવામાં આવે છે. પરંતુ થેલેસેમિયાગ્રસ્ત માટે સિવિલ જાણે ધણી ધોણી વગરની હોય તેવો ઘાટ સર્જાયો છે. સિવિલમાં બ્લડ ચડાવવાનું મશીન કામ ન કરતું હોવાથી ગંભીર સાઇડ ઇફેકટ આવે છે. તેમજ ઘણા સમયથી ડેસ્પરાલ ઇન્જેકશન અને કેલ્ફર દવા નહી હોવાથી ભારે હાલત ભોગવવી પડતી હોવાના આક્ષેપ સાથે બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા થેલેસેમિયાગ્રસ્તોને સાથે રાખી યોગ્ય વ્યવસ્થા કરવા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
બડા બજરંગ ફાઉન્ડેશનના કલ્પેશ ગમારાએ જણાવ્યુ હતુ કે,સિવિલ થેલેસેમિયા એસોસિએશનના બાળકો, થેલેસેમિયા મેજર બાળકો તેમના પરિવાર અને બડા બજરંગ ફાઉન્ડેશન કલેક્ટરને દુઃખભરી રજૂઆત કરવા આવ્યા છીએ. રાજકોટમાં સૌરાષ્ટ્ર આખાના ગણીએ તો 750 બાળકો છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં આશરે 500 જેટલા થેલેસેમિયા મેજર બાળકો ટ્રીટમેન્ટ મેળવે છે. હવે આ બાળકોને ઘણા સમયથી કેલફર દવા મળતી નથી. જે બ્લડ સાથે સાથે વધારાનું ફેરેટીન લિવર અને હાર્ટમાં જમા થતું હતું એને ઓગળવા માટેની દવા છે. જે કેલફર દવા મહિનાઓથી બાળકોને નથી મળી અને તેથી બાળકોની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે.
આ ફેરેટીન ઓગાળવા માટેના જે ઈન્જેક્શન આવે ડેસફેરાલ એ ઈન્જેક્શન તો લગભગ છેલ્લા બે વર્ષથી સિવિલમાં આવ્યા જ નથી. જેને લીધે બાળકોનું સ્વાસ્થ્ય છે ધીમે ધીમે ખૂબ જ ખરાબ થઈ રહ્યું છે અને સાથે સાથે હોસ્પિટલોએ બ્લડ ફિલ્ટર કરવાનું એલઆર મશીન ત્યાં આપેલું છે લાખોનું. પરંતુ સિવિલ એલઆર મશીન માટે જે ફિલ્ટર માટેની જે બ્લડની બેગ આવે એ મંગાવતી નથી જેથી કરીને આ બેગવાળું જો બ્લડ એમને ન ચડે, એલઆર વાળા બ્લડ બાળકોને ન ચડે, સાદું બ્લડ ચડે, આરસીસી બ્લડ ચડે તો બ્લડ ચડાવ્યા બાદ આ બાળકોને રિએક્શન આવે છે. તીવ્ર માથાનો દુખાવો થાય, ટાઢ ચડે, તાવ આવે અથવા શરીરે ફોડલા નીકળે. આ ટાઈપના એમને રિએક્શન આવતા હોય છે જેના માટે એલઆર મશીન લાખોનું આવે પણ એની બેગ નથી સિવિલમાં અવેલેબલ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, થેલેસેમિયાના બાળકોના નામે બધી જગ્યાએ કેમ્પો થાય છે, બધી જગ્યાએ થેલેસેમિયાના નામથી જ કેમ્પો થાય છે પરંતુ એ કેમ્પોનું બ્લડ જ્યારે સિવિલમાં આવે છે તો આ બાળકોને મળતું નથી. એમના વાલીઓ પાસે વારંવાર ડોનર માંગવામાં આવે છે. હવે આ બાળકોને 15-15 દિવસે બ્લડ ચડાવવું હોય તો એના વાલી દર 15 દિવસે ડોનર ક્યાંથી લઈ આવે? એટલે કે દવા નથી, બ્લડ નથી. આવી પરિસ્થિતિમાં બાળકો અને એના પરિવાર હાલમાં રઝળાઈ રહ્યા છે અને બાળકોની તબિયત પણ ખરાબ થઈ રહી છે.
કેમ્પો અસંખ્ય થાય છે પણ બોટલ મળતી નથી : દર્દીઓ
થેલેસેમીયા મેજર દર્દીઓએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં થીમસેમીયા દર્દીઓના નામે બ્લડ ડોનેશન કેમ્પ થાય છે અને તેમાં 300 થી 400 બોટલો આવે છે પરંતુ થેલેસેમીયા પીડિત બાળકોને એક પણ બોટલ મળતી નથી. બ્લડ ડોનેટ કરીએ તો જ થેલેસેમીયા પીડિત બાળકોને મળે છે. આ ઉપરાંત બ્લડ ચડાવવા માટેનું LR મશીન પણ વર્ક કરતું નથી. જેને લીધે થેલેસેમીયા પીડિત બાળકોને માથું દુઃખવા અને કળતર જેવી સાઇડ ઇફેક્ટ થાય છે. આ ઉપરાંત ડેસ્પરાલ ઇન્જેક્શન 3 થી 6 વર્ષથી મળી રહ્યા નથી. જ્યારે કેલ્ફર દવા પણ મળી રહી નથી. જેના માટે જ અમે રજૂઆત કરવા આવ્યા છીએ.
સિવિલમાંથી ગાંધીનગર જવાનો મળતો જવાબ
સિવિલ હોસ્પિટલમાં અમે ઘણીવાર રજૂઆત કરી છે ત્યાંના સુપ્રિન્ટેન્ડેન્ટ મેડમ જે છે એમને પણ રજૂઆત અમે કરી તો એમના દ્વારા અમને છેલ્લે સ્પષ્ટ એવો જવાબ આપવામાં આવ્યો હતો કે અમારાથી કઈ નહીં થાય. તમે હવે ગાંધીનગર ચાલ્યા જાવ. હવે બાળકોની જે હેલ્થ સ્થિતિ છે એ ટ્રાવેલિંગ માટે એટલી બધી સ્વસ્થ નથી કે ટ્રાવેલિંગ કરી શકે. એટલા માટે અમે આજરોજ કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ કે આ બાળકોને તમે ન્યાય આપવો. એમને દવા અને બ્લડ મળી રહે. કુદરતે તો એમની સાથે અન્યાય કર્યો છે પણ આપણે માનવ એમના માટે કઈ કરી શકીએ એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ તેમ દર્દીઓએ જણાવ્યું હતું.


