જર્મન યુવતી સાથે લગ્નની લાલચ આપી 6.31 લાખની ઠગાઈ કરનાર ત્રણ આફ્રિકન દિલ્લીથી ઝડપાયા
ફેસબુક પર મિત્રતા બાદ પ્રેમજાળમાં ફસાવી ગિફ્ટના બહાને ઉઘરાવ્યા લાખો રૂપિયા; ChatGPTની મદદથી સ્થાનિક ભાષામાં વાતચીત કરી લોકોને નિશાન બનાવતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ, વધુ ધરપકડની શક્યતા
અગ્ર ગુજરાત, રાજકોટ
સોશિયલ મીડિયામાં અજાણ્યા લોકો સાથે મિત્રતા કેટલી મોંઘી પડી શકે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટ જિલ્લા રૂરલ સાયબર ક્રાઇમ પોલીસે ઉકેલી બતાવ્યો છે. જર્મન મહિલા તરીકે ઓળખ આપી જસદણના એક યુવકને પ્રેમજાળમાં ફસાવી લગ્નનું સ્વપ્ન બતાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ઠગ ટોળકીના ત્રણ આફ્રિકન શખ્સોને દિલ્લીમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓએ યુવક પાસેથી વિવિધ ચાર્જના બહાને કુલ રૂ. 6.31 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસ મુજબ જસદણના યુવકની ફેસબુક પર પોતાની ઓળખ જર્મનીમાં રહેતી મહિલા તરીકે આપનાર વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી. થોડા સમયની વાતચીત બાદ બંને વચ્ચે વિશ્વાસનો સંબંધ ઉભો થયો હતો. ત્યારબાદ મહિલા બનીને વાત કરતી વ્યક્તિએ યુવકને પ્રેમનો વિશ્વાસ અપાવી તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સતત મીઠી વાતો અને ભાવનાત્મક સંદેશાઓથી યુવકનો વિશ્વાસ જીત્યા બાદ તેને મોંઘી ભેટો અને રોકડ રકમ ભારત મોકલી હોવાનું કહી લાલચ આપવામાં આવી હતી.
થોડા દિવસો બાદ યુવકને અલગ-અલગ મોબાઇલ નંબર પરથી ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે, વિદેશથી મોકલાયેલ ગિફ્ટ દિલ્લી એરપોર્ટ પર અટકી ગઈ છે અને તેને છોડાવવા માટે કસ્ટમ ડ્યૂટી, ક્લિયરન્સ ફી, ટેક્સ તેમજ અન્ય સરકારી ચાર્જ ભરવા પડશે. આરોપીઓએ તબક્કાવાર અલગ-અલગ કારણો બતાવી યુવક પાસેથી કુલ રૂ. 6.31 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
જ્યારે ગિફ્ટ કે મહિલા બંનેમાંથી કોઈનો સંપર્ક ન રહ્યો અને સતત નવા નવા ચાર્જની માંગ થવા લાગી ત્યારે યુવકને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ હતી. આખરે તેણે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ટેક્નિકલ તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન મળેલા ડિજિટલ પુરાવા અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે પોલીસ દિલ્લી સુધી પહોંચી હતી. ત્યાંથી ત્રણ આફ્રિકન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ દિલ્લીમાં કોલ સેન્ટર ચલાવી સોશિયલ મીડિયા મારફતે દેશભરના લોકોને નિશાન બનાવતા હતા.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આરોપીઓ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતા હતા. તેઓ ChatGPT સહિતના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સની મદદથી ગુજરાતી સહિત વિવિધ સ્થાનિક ભાષાઓમાં સરળતાથી વાતચીત કરી લોકોને વિશ્વાસમાં લેતા હતા. ભાષાની મુશ્કેલી દૂર થતાં લોકો સરળતાથી તેમની જાળમાં ફસાઈ જતા હતા.
પોલીસના જણાવ્યા મુજબ આ માત્ર એક નાનકડો હિસ્સો હોઈ શકે છે. આરોપીઓની પૂછપરછમાં દેશભરમાં ફેલાયેલી મોટી આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટ, બેંક ખાતા, નકલી ઓળખપત્રો અને અન્ય સાગરીતો અંગે મહત્વની માહિતી મળવાની શક્યતા છે. રૂરલ સાયબર ક્રાઇમની ટીમ હવે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસને વધુ વેગ આપી રહી છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિઓની મિત્રતા, લગ્નની ઓફર અથવા વિદેશથી ગિફ્ટ મોકલવાના બહાનાથી નાણાં માંગવામાં આવે તો કોઈપણ પ્રકારની ચુકવણી ન કરવા અને તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરી છે.


