શાપર-વેરાવળમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં બેના આગોતરા જામીન મંજૂર
પિતરાઇ ભાઇ દ્વારા જ કરાયેલી ફરિયાદમાં કોર્ટમાંથી જામીન મેળવ્યાં
અગ્ર ગુજરાત, રાજકોટ
કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામની કરોડોની કિંમતની જમીન પર લેન્ડ ગ્રેબિંગ અને ગેરકાયદેસર બાંધકામના કથિત આક્ષેપો સાથે જોડાયેલા બહુચર્ચિત કેસમાં રાજકોટની મહેરબાન એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. આ ગુનાના કામે આરોપી બનાવાયેલા અશોકભાઈ જાદવભાઈ કોરાટ તથા જગદીશભાઈ નથુભાઈ કોરાટની આગોતરા જામીન અરજી નામદાર કોર્ટે મંજૂર કરી છે.
સમગ્ર વિવાદ અને કલેક્ટર સમક્ષની કાર્યવાહી કેસની વિગત મુજબ, વેરાવળ ગામના રેવન્યુ સર્વે નંબર 158 પૈકી 2 ની ખેતીની જમીન અંગે હિમાંશુ કમલેશભાઈ કોરાટ વિગેરે દ્વારા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ તા. 27/11/2023 ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે હિતેષભાઈ વાલજીભાઈ કોરાટ તથા ઘનશ્યામભાઈ વાલજીભાઈ કોરાટે જમીનમાં ગેરકાયદેસર મકાનો અને ઓરડીઓ બનાવી, ભાડે આપી માસિક રૂ. 35,000 ની આવક મેળવી તેમજ પાણીનો બોર પચાવી પાડી કૌભાંડ આચર્યું છે.
જોકે, પ્રાંત અધિકારી (રાજકોટ શહેર-2) અને નાયબ પોલીસ અધિક્ષક (ગોંડલ) ના તપાસ અહેવાલ બાદ કલેક્ટર કમિટીએ તારણ આપ્યું હતું કે આ વિવાદ કૌટુંબિક વહેંચણીનો છે અને તેનો ઉકેલ સિવિલ કોર્ટ મારફતે મેળવવાનો રહે છે, જેથી તે ફરિયાદ ડ્રોપ કરવામાં આવી હતી.
સેશન્સ કોર્ટની ઇન્કવાયરી અને નવી ફરિયાદ કલેક્ટર સમક્ષની અરજી રદ્દ થયા બાદ ફરિયાદી હિમાંશુભાઈ કોરાટે રાજકોટની એડિશનલ સેશન્સ કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી નંબર 16/2025 દાખલ કરી હતી. કોર્ટે ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ) કાયદાની કલમ 3 અને 4 મુજબ તપાસનો હુકમ કરતા મૂળ બે આરોપીઓ ઉપરાંત અશોકભાઈ કોરાટ, કિશોર કોરાટ, જગદીશભાઈ કોરાટ અને નરોત્તમભાઈ કોરાટ સહિત અન્ય ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
બચાવ પક્ષની ધારદાર દલીલો આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન અરજદારોના એડવોકેટો દ્વારા કોર્ટ સમક્ષ ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી કે ફરિયાદીએ 1997માં જમીન ખરીદી ત્યારે જ સદરહું મકાન અને ઓરડીઓ હયાત હતી તે વાત દસ્તાવેજમાં છુપાવી હતી. વર્ષ 2022માં બિનખેતી (NA) ની પરવાનગી મેળવતી વખતે અને DILR ની માપણી શીટમાં બાંધકામની વિગતો છુપાવી કલેક્ટર અને રેવન્યુ ઓથોરિટી સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી., RUDA કચેરીમાં 40% કપાતમાં આ મકાનો આવતા હોવાના વાંધા રજૂ થતાં, પોતાનું કૌભાંડ ઢાંકવા અને બદલાની ભવનાથી આ ખોટી ફરિયાદ કરવામાં આવી છે. કોર્ટે માત્ર બે વ્યક્તિઓ વિરુદ્ધ ઇન્કવાયરીનો હુકમ કર્યો હોવાથી પોલીસ કોર્ટની પરવાનગી વગર અન્ય વ્યક્તિઓને બારોબાર આરોપી બનાવી શકે નહીં. અરજદારોનો રોલ માત્ર સાક્ષી પૂરતો છે અને જમીન પર તેમનો કોઈ કબજો નથી.
કોર્ટનો આદેશ અને વકીલ રોકાણ તમામ દલીલો, રજૂ કરાયેલા સોગંદનામા તેમજ વડી અદાલતોના ચુકાદાઓને ધ્યાને રાખી એડિશનલ સેશન્સ જજ સાહેબે બંને અરજદારો—અશોકભાઈ જાદવજીભાઈ કોરાટ અને જગદીશભાઈ નથુભાઈ કોરાટ—ના આગોતરા જામીન મંજૂર કરવાનો આદેશ કર્યો છે.
આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના જાણીતા એડવોકેટ કરણસિંહ એ. ડાભી, વિજય આર. તોગડીયા, કલ્પેશ નસીત, પ્રતીક ડી. રાજ્યગુરુ, ભાવિન એન. ભટ્ટ, કુલદીપ પી. રામાનુજ, દીપ વી. ભીંડોરા, કરણ કે. ભટ્ટ, આશિત ડી. પાનસુરીયા તથા સહાયક તરીકે પરમ ભટ્ટ અને મીરાત સોહલા રોકાયેલ હતા.


