રવિવારથી દેશભકિતનો જામશે માહોલ, રાજકોટમાં તા.૧૨મીએ તિરંગા યાત્રા
રાજયભરમાં ૧૨૦૦થી વધારે તિરંગા યાત્રાનું આયોજન, રાજકોટ સહિત ગુજરાતના ૭૦ લાખથી વધુ ઘરો પર લહેરાશે રાષ્ટ્રધ્વજ
અગ્ર ગુજરાત, રાજકોટ
કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ગુજરાતમાં 9થી 17 ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ દેશભક્તિની ભાવના વધુ મજબૂત બનાવવા, શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પરિવારજનો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે સમગ્ર રાજ્યમાં વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો ફરકાવવામાં આવશે, જ્યારે શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, એનજીઓ, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં સક્રિય રીતે જોડાશે.
રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ 10 ઓગસ્ટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા મંત્રીમંડળના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાશે. આ દિવસે રાજ્યકક્ષાની તિરંગા યાત્રા સાથે ‘તિરંગા કોન્સર્ટ’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 11 ઓગસ્ટે અમદાવાદ, 12 ઓગસ્ટે રાજકોટ અને 14 ઓગસ્ટે વડોદરા ખાતે વિશાળ તિરંગા યાત્રાઓ યોજાશે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓ, તાલુકાઓ, ગામો, નવી બનેલી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સ્થાનિક સ્તરે દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાશે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારત-પાકિસ્તાન સરહદે આવેલા ગામડાઓ અને શહેરોમાં પણ ખાસ તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરો અને પોલીસ કમિશનરો સાથે સંકલન કરીને અત્યાર સુધીમાં રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાઓ માટે મંજૂરી આપવામાં આવી છે. લાખો યુવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકો આ રાષ્ટ્રીય અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
તેમણે રાષ્ટ્રધ્વજના સન્માન પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, તિરંગો દેશની શાન અને ગૌરવનું પ્રતિક છે. તેથી દરેક નાગરિકે રાષ્ટ્રધ્વજના ઉપયોગ દરમિયાન તેના સન્માન અને ગૌરવનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. તેમણે લોકોને રાષ્ટ્રપ્રેમ સાથે અભિયાનમાં જોડાવાનું આહ્વાન પણ કર્યું હતું. આ ઉપરાંત 14 ઓગસ્ટે તમામ જિલ્લા મથકો પર ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાશે, જેમાં દેશના વિભાજનની કરુણ ઘટનાને યાદ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.


