45 વર્ષના રાજ સામે હાઇકોર્ટનો હથોડો
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં એડમિનિસ્ટ્રેટની નિમણૂકનો હુકમ
પોરબંદર ક્રિકેટ એસોસિએશનની અપીલ અને નિવૃત્ત જજ એમ.આર.શાહની તપાસ બાદ મોટો હુકમ : SCA ના હાલના વહીવટ સામે સવાલો વધુ ઘેરા બન્યા, ચૂંટણી અને નવી બોડીનો માર્ગ ખુલવાની શક્યતા
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વહીવટી વિવાદમાં હવે મોટો વળાંક આવ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના લાંબા સમયથી ચાલી રહેલા વહીવટ, ચૂંટણી પ્રક્રિયા, સભ્યોના અધિકારો અને નાણાકીય પારદર્શિતાને લઈને ઉઠાવવામાં આવેલા ગંભીર સવાલો વચ્ચે હાઇકોર્ટે એસસીએમાં એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદર ક્રિકેટ એસોસિએશન દ્વારા એસસીએના વહીવટ સામે કરવામાં આવેલી અપીલ બાદ હાઇકોર્ટના નિર્દેશથી નિવૃત્ત જજ એમ. આર. શાહને સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી હતી. નિવૃત્ત જજ દ્વારા તપાસ પૂર્ણ કરીને ગત તા. 4ના રોજ હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટના આધારે હાઇકોર્ટની બેન્ચ દ્વારા ગઈકાલે એસસીએમાં એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
હાઇકોર્ટના આ હુકમથી હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વર્તમાન વહીવટ સામે મોટો પ્રશ્નચિહ્ન ઊભો થયો છે. આગામી દિવસોમાં નિવૃત્ત આઇએએસ, આઇપીએસ અથવા નિવૃત્ત જજમાંથી કોઈને એડમિનિસ્ટ્રેટર તરીકે જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેમની દેખરેખ હેઠળ એસસીએના વહીવટની કામગીરી અને નવી ચૂંટણીની પ્રક્રિયા આગળ વધી શકે છે. આમ, લાંબા સમયથી એસસીએના વહીવટમાં ચાલી રહેલી સત્તાકીય ખેંચતાણ હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે.
પોરબંદર ક્રિકેટ એસોસિએશન દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવેલી અપીલમાં મુખ્યત્વે એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે એસસીએના હાલના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં લાંબા સમયથી વહીવટ સાથે જોડાયેલા હોદ્દેદારો દ્વારા સંસ્થાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. અપીલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે છેલ્લા આશરે 45 વર્ષથી અમુક લોકોનું પ્રભુત્વ એસોસિએશનના વહીવટમાં રહ્યું છે અને નવી ચૂંટણીની પ્રક્રિયા સમયસર હાથ ધરવામાં આવી નથી. તેથી જ્યાં સુધી એસોસિએશનનું ભવિષ્ય નક્કી ન થાય ત્યાં સુધી સ્વતંત્ર એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી હતી.
આ સાથે જ એસસીએના નાણાકીય વ્યવહારો અંગે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. અત્યાર સુધી થતી ઓડિટ પ્રક્રિયામાં ‘કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ની સંભાવના હોવાનો મુદ્દો ઉઠાવીને એસસીએના નાણાંકીય વ્યવહારોની સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી હતી. ક્રિકેટના વિકાસ, ખેલાડીઓની તાલીમ અને ભવિષ્યના ક્રિકેટરો માટે ઉપયોગમાં આવનારા નાણાંનો વહીવટ સંપૂર્ણ પારદર્શક હોવો જોઈએ તેવી દલીલ પણ કરવામાં આવી હતી.
પોરબંદર ક્રિકેટ એસોસિએશન દ્વારા એસસીએની ચૂંટણી પ્રક્રિયામાં પૂર્વ રણજી ટ્રોફી ખેલાડીઓ તેમજ એસસીએ હેઠળના આશરે 20 જેટલા સંલગ્ન ક્રિકેટ એસોસિએશનોને યોગ્ય પ્રતિનિધિત્વ અને મતાધિકાર આપવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ માંગણીઓ બાદ હાઇકોર્ટે સમગ્ર મામલાની તપાસ માટે નિવૃત્ત જજ એમ. આર. શાહની નિમણૂક કરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ તેમનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને હવે તેના આધારે એડમિનિસ્ટ્રેટરની નિમણૂકનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર વિવાદ વચ્ચે જામનગર ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સહદેવસિંહ ચુડાસમાએ પણ એસસીએના વહીવટ સામે અગાઉ આકરા આક્ષેપો કર્યા હતા. ચુડાસમાએ દાવો કર્યો હતો કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન હવે લોકશાહી સંસ્થા રહી નથી પરંતુ અમુક લોકોના હાથમાં વહીવટ કેન્દ્રિત થઈ ગયો છે. તેમણે એસસીએને ‘શાહ એન્ડ શાહ કંપની’ ગણાવીને વહીવટમાં અમુક લોકોનું એકચક્રી પ્રભુત્વ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ એસસીએ હેઠળની આશરે 20 જેટલી પેટા કમિટીઓના સભ્યોને જનરલ બોડી મીટિંગમાં પોતાના વિચારો રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવતી નથી અને વહીવટ સામે સવાલ ઉઠાવનાર સભ્યોને દબાવવામાં આવતા હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા હતા.
ચુડાસમાના જણાવ્યા મુજબ, એસસીએના સભ્યો માત્ર નામ પૂરતા રહી ગયા છે અને મહત્વના નિર્ણયો થોડા લોકો સુધી સીમિત થઈ ગયા છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે એસોસિએશનની ટર્મ પૂર્ણ થયા બાદ નવી ચૂંટણી યોજાવાની હતી, પરંતુ ચૂંટણી યોજાઈ નથી અને તેમ છતાં હાલના હોદ્દેદારો દ્વારા મહત્વના વહીવટી તથા નાણાકીય નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેમણે આ સમગ્ર વ્યવસ્થાને નિયમો અને લોકશાહી પ્રક્રિયા સામેનો સવાલ ગણાવ્યો હતો.
ચુડાસમાએ ક્રિકેટરોના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે એકત્ર થતા નાણાંનો પારદર્શક ઉપયોગ થાય તે માટે ચેરિટી કમિશનર સમક્ષ પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે જ્યાં સુધી નિયમસર નવી ચૂંટાયેલી બોડી કાર્યભાર ન સંભાળે ત્યાં સુધી સ્વતંત્ર એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવાની માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે જો સંસ્થાની ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય અને સમયસર ચૂંટણી ન યોજાઈ હોય તો વહીવટ અંગે કાનૂની પ્રશ્નો ઊભા થઈ શકે છે.
એસસીએમાં ચૂંટણી નહીં પરંતુ ‘સિલેક્શન’ની પરંપરા ચાલી રહી હોવાનો પણ ચુડાસમાએ આક્ષેપ કર્યો હતો. યોગ્ય ચૂંટણી પ્રક્રિયા, પારદર્શિતા અને સભ્યોની લોકશાહી ભાગીદારીના બદલે પસંદગીના લોકોને હોદ્દા આપવામાં આવતા હોવાનો તેમનો દાવો હતો. જોકે આ તમામ આક્ષેપો અંગે એસસીએનો સત્તાવાર પક્ષ અને સ્પષ્ટતા પણ મહત્વપૂર્ણ રહેશે.
હવે હાઇકોર્ટના એડમિનિસ્ટ્રેટરની નિમણૂકના હુકમ બાદ આગામી દિવસોમાં એસસીએમાં શું પરિવર્તન આવે છે તેના પર સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતની નજર મંડાઈ છે. એડમિનિસ્ટ્રેટર કોણ બનશે, તેઓ કેટલો સમય વહીવટ સંભાળશે, નવી ચૂંટણી ક્યારે યોજાશે, મતાધિકારનું માળખું કેવું રહેશે અને નાણાકીય વ્યવહારો અંગે કોઈ સ્વતંત્ર તપાસ થશે કે નહીં તે તમામ મુદ્દાઓ હવે ચર્ચાના કેન્દ્રમાં રહેશે.
જાહેર ટ્રસ્ટ તરીકે નોંધાયેલી સંસ્થાઓએ પોતાના બંધારણ અને લાગુ પડતા નિયમો અનુસાર વહીવટ કરવાની જવાબદારી હોય છે. ટર્મ પૂર્ણ થયા બાદ બંધારણ મુજબ ચૂંટણી યોજવી અને નવી બોડીની રચના કરવી એ સંસ્થાકીય પ્રક્રિયાનો મહત્વનો ભાગ છે. આવી પ્રક્રિયાને લઈને લાંબા સમય સુધી વિવાદ રહે અથવા સંસ્થાના વહીવટ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય ત્યારે કાનૂની હસ્તક્ષેપની સ્થિતિ ઊભી થઈ શકે છે.
હાઇકોર્ટના તાજેતરના હુકમને કારણે હવે એસસીએના વહીવટમાં મોટા ફેરફારનો માર્ગ ખુલ્યો છે. અત્યાર સુધી માત્ર મેદાન પર ખેલાડીઓ વચ્ચે જીત-હારની મેચ જોવા મળતી હતી, પરંતુ હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વહીવટને લઈને પણ નિર્ણાયક મેચ શરૂ થઈ ગઈ છે. એક તરફ લાંબા સમયથી ચાલતા વહીવટનો અનુભવ ધરાવતા વર્તમાન હોદ્દેદારો છે તો બીજી તરફ પારદર્શિતા, નવી ચૂંટણી, પ્રતિનિધિત્વ અને સ્વતંત્ર વહીવટની માંગ સાથે લડત ચલાવતા સંગઠનો છે. હાઇકોર્ટના આદેશ બાદ હવે આ લડતનો આગામી તબક્કો એડમિનિસ્ટ્રેટરની કામગીરી અને ત્યારબાદની ચૂંટણી નક્કી કરશે.
આથી, એસસીએના વહીવટમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત નજીક આવ્યો છે કે નહીં તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ એડમિનિસ્ટ્રેટરની નિમણૂકનો હાઇકોર્ટનો આદેશ એસસીએ માટે ચોક્કસપણે મોટો વહીવટી ઝટકો અને લડત ચલાવનારાઓ માટે મહત્વપૂર્ણ વળાંક બની રહ્યો છે. હવે સૌરાષ્ટ્રના ક્રિકેટ પ્રેમીઓની નજર એક જ સવાલ પર છે, 45 વર્ષના વહીવટ બાદ એસસીએમાં ખરેખર નવી ઇનિંગ ક્યારે શરૂ થશે?
હાઇકોર્ટનો સૌથી મોટો હુકમ શું?
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વહીવટમાં એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવાનો હાઇકોર્ટનો આદેશ સમગ્ર વિવાદમાં મહત્વનો વળાંક છે. નિવૃત્ત જજ એમ. આર. શાહ દ્વારા તપાસ કરીને હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યા બાદ આ નિર્ણય આવ્યો હોવાનું જાણવા મળે છે. હવે એસસીએના દૈનિક અને વહીવટી કામકાજમાં એડમિનિસ્ટ્રેટરની ભૂમિકા મહત્વની બનશે. ત્યારબાદ ચૂંટણી અને નવી બોડી રચવાનો માર્ગ પણ ખુલી શકે છે.
પોરબંદર ક્રિકેટ એસોસિએશનની મુખ્ય માંગણીઓ
એસસીએમાં સ્વતંત્ર એડમિનિસ્ટ્રેટરની નિમણૂક
એસોસિએશનના નાણાકીય વ્યવહારોની ફોરેન્સિક ઓડિટ
નિયમસર નવી ચૂંટણી યોજવી
પૂર્વ રણજી ટ્રોફી ખેલાડીઓને યોગ્ય પ્રતિનિધિત્વ
એસસીએ હેઠળના આશરે 20 સંલગ્ન એસોસિએશનોને મતાધિકાર અંગે વિચારણા
લાંબા સમયથી ચાલતા વહીવટી માળખાની સમીક્ષા
સહદેવસિંહ ચુડાસમાના આક્ષેપોથી મચ્યો હતો ખળભળાટ
જામનગર ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સહદેવસિંહ ચુડાસમાએ એસસીએના વહીવટ સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે એસોસિએશનના વહીવટમાં અમુક લોકોનું પ્રભુત્વ હોવાનો, સભ્યોના અધિકારો મર્યાદિત કરાતા હોવાનો અને ચૂંટણી પ્રક્રિયા અંગે પ્રશ્નો હોવાનો આક્ષેપ કર્યો હતો. ક્રિકેટરોના ભવિષ્ય માટેના નાણાં અને એસોસિએશનના વહીવટમાં વધુ પારદર્શિતા જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે સ્વતંત્ર એડમિનિસ્ટ્રેટરની માંગ સાથે રજૂઆતો પણ કરી હતી.
હવે આગળ શું? ચાર મુદ્દા સૌથી મહત્વના
1. એડમિનિસ્ટ્રેટર કોણ બનશે?
નિવૃત્ત જજ, આઇએએસ અથવા આઇપીએસમાંથી કોઈની પસંદગી થવાની શક્યતા ચર્ચામાં છે.
2. નવી ચૂંટણી ક્યારે?
એડમિનિસ્ટ્રેટરની દેખરેખ હેઠળ ચૂંટણી માટેની પ્રક્રિયા આગળ વધી શકે છે.
3. ફોરેન્સિક ઓડિટ થશે?
નાણાકીય વ્યવહારોની સ્વતંત્ર તપાસની માંગ હવે ફરી ચર્ચામાં આવી શકે છે.
4. મતાધિકાર કોને મળશે?
સંલગ્ન એસોસિએશનો અને પૂર્વ રણજી ખેલાડીઓના પ્રતિનિધિત્વનો મુદ્દો ચૂંટણીમાં મહત્વનો બની શકે છે.
45 વર્ષનો વહીવટ હવે બદલાવના વળાંકે?
એસસીએના વહીવટને લઈને સૌથી મોટો સવાલ લાંબા સમયથી ચાલતી સત્તાકીય રચનાનો છે. ટર્મ પૂર્ણ થયા બાદ નવી ચૂંટણી, સભ્યોના અધિકારો, નાણાકીય પારદર્શિતા અને વહીવટી જવાબદારી અંગે ઉઠેલા સવાલો હવે કોર્ટના હસ્તક્ષેપ સુધી પહોંચ્યા છે. એડમિનિસ્ટ્રેટરની નિમણૂકનો હુકમ એસસીએ માટે માત્ર વહીવટી ફેરફાર નથી, પરંતુ આગામી ચૂંટણી અને નવી વ્યવસ્થાની શરૂઆતનું દ્વાર બની શકે છે. હવે સૌની નજર એ વાત પર રહેશે કે નવી વ્યવસ્થા ક્રિકેટરો, સંલગ્ન એસોસિએશનો અને સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ માટે કેટલો બદલાવ લાવે છે.
હાઇકોર્ટના હુકમની જાણ નથી, લેખિત ઓર્ડર મળશે તો ચોક્કસ પાલન કરીશું
એસસીએના પૂર્વ પ્રમુખ જયદેવ શાહનો અગ્ર ગુજરાત સાથેનો સંપર્ક : ‘વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા, પ્રતિભાશાળી ખેલાડીઓને પૂરતું પ્રોત્સાહન આપ્યું
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવા અંગે હાઇકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યા હોવાના અહેવાલો વચ્ચે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જયદેવ શાહનો અગ્ર ગુજરાત દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટના હુકમ અંગે પૂછવામાં આવતા જયદેવ શાહે જણાવ્યું હતું કે તેમને હાઇકોર્ટના હુકમ અંગે હાલ કોઈ જાણકારી નથી અને તેમની પાસે પણ કોઈ લેખિત ઓર્ડર આવ્યો નથી. જો હાઇકોર્ટ દ્વારા ખરેખર કોઈ હુકમ કરવામાં આવ્યો હશે તો તેનું ચોક્કસપણે પાલન કરવામાં આવશે તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
એસસીએની કામગીરી અંગે વાત કરતાં જયદેવ શાહે જણાવ્યું હતું કે એસોસિએશન દ્વારા અત્યાર સુધી સંપૂર્ણ પારદર્શક રીતે કામગીરી કરવામાં આવી છે અને કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવ્યો નથી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અથાગ મહેનત અને પરિશ્રમના કારણે પ્રતિભાશાળી ખેલાડીઓને સતત પ્રોત્સાહન મળ્યું છે. માત્ર સ્થાપિત ખેલાડીઓ જ નહીં, પરંતુ નવા અને ઉભરતા બાળકોને પણ તૈયાર કરવા માટે એસસીએ દ્વારા વિવિધ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે એસસીએની કામગીરીના પરિણામે સૌરાષ્ટ્રના અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન એસોસિએશન દ્વારા ક્રિકેટ ઉપરાંત વિવિધ નવી રમતોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેના કારણે બાળકોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે.
આમ, એક તરફ એસસીએના વહીવટ અંગે હાઇકોર્ટના હસ્તક્ષેપની ચર્ચા વચ્ચે પૂર્વ પ્રમુખ જયદેવ શાહે હાઇકોર્ટના હુકમ અંગે અજાણ હોવાનું જણાવીને લેખિત આદેશ મળ્યા બાદ તેનું પાલન કરવાની તૈયારી દર્શાવી છે, તો બીજી તરફ એસસીએની અત્યાર સુધીની કામગીરી પારદર્શક અને ખેલાડીઓના હિતમાં રહી હોવાનો દાવો કર્યો છે.


