ઇન્સ્ટાગ્રામની રીલથી શેરબજારમાં રોકાણની લાલચ આપી સોની વેપારીના પુત્રને 31.20 લાખનો ચૂનો
IPO અને શેરમાં મોટો નફો કમાવવાની લાલચ આપી WhatsApp ગ્રુપમાં જોડ્યો, ખાસ એપ ડાઉનલોડ કરાવી રોકાણ કરાવ્યું; રૂપિયા ઉપાડવા જતાં 10 ટકા કમિશન અને ટેક્સ માંગતા સાયબર છેતરપિંડીનો પર્દાફાશ
અગ્ર ગુજરાત, રાજકોટ
સાયબર ઠગો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને શેરબજાર અને IPOમાં રોકાણના નામે ફસાવી રહ્યા છે. રાજકોટમાં આવો જ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં સોની બજારમાં સોની કામના ટુલ્સનો વેપાર કરતા વેપારીના પુત્રને Instagram પર આવેલી એક રીલ મારફતે શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ તેને વૉટ્સએપ ગ્રુપમાં જોડીને ખાસ એપ્લિકેશન મારફતે આઇપીઓ અને શેરમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં એપમાં નફો દેખાડીને વિશ્વાસ કેળવ્યા બાદ જ્યારે રૂપિયા પરત મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે કુલ રકમના 10 ટકા કમિશન અને ટેક્સના નામે વધુ નાણાંની માંગણી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં વેપારીના પુત્ર દ્વારા અલગ-અલગ તબક્કે કુલ રૂ.31,20,246 જેટલી રકમ ગુમાવ્યાની ફરિયાદ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
રાજકોટના ગંગોત્રીપાર્ક મેઈન રોડ, બી.ટી. સવાણી હોસ્પિટલ સામે આવેલા શિલ્પન નોવામાં રહેતા હિરેનભાઈ ચીમનભાઈ વૈધ (ઉ.વ.47)એ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ઈન્સ્ટાગ્રામ આઇડી તથા લાઈટ ઓફ આઈડિયલ 434 નામના વૉટ્સએપ ગ્રુપ સાથે સંકળાયેલા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરી છે. હિરેનભાઈ સોની બજારમાં બોઘાણી શેરી ખાતે આવેલા આકાશ કોમ્પ્લેક્સમાંથી ‘અરીહંત ટુલ્સ’ નામથી સોની કામમાં ઉપયોગમાં લેવાતા ટુલ્સ સહિતની ચીજવસ્તુઓનો વેપાર કરે છે. ફરિયાદ મુજબ ફેબ્રુઆરી-2026 દરમિયાન તેમના પુત્ર હિતાર્થે IPO અને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પુત્રને રોકાણ માટે જરૂરી નાણાકીય વ્યવહારો કરવા હિરેનભાઈએ પત્ની સોનલબેનના બેંક ખાતામાંથી રકમની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
દરમિયાન હિતાર્થ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યો હતો ત્યારે બિઝનેસ આઈડિયા અને રોકાણને લગતી એક રીલ તેના ધ્યાનમાં આવી હતી. આ રીલ CA સ્નેહા કેજરી નામની ઈન્સ્ટાગ્રામ આઇડી પરથી પોસ્ટ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. રીલ જોયા બાદ હિતાર્થે તેને લાઈક કરી હતી અને ત્યારબાદ ઈન્સ્ટાગ્રામ મારફતે સંબંધિત વ્યક્તિ સાથે વાતચીત શરૂ થઈ હતી. વાતચીત આગળ વધ્યા બાદ તેને લાઈટ ઓફ આઈડિયલ 434 નામના વ્હોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં સ્ટોક માર્કેટ ટ્રેડિંગ, આઈપીઓ અને વિવિધ શેરમાં રોકાણ અંગેની માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવતું હતું. ગ્રુપના એડમિન દ્વારા રોકાણ અંગે નિયમિત સૂચનાઓ આપવામાં આવતી હોવાથી હિતાર્થે શરૂઆતમાં બે-ત્રણ મહિના સુધી ગ્રુપની પ્રવૃત્તિઓ નિહાળી હતી.
આ સમયગાળા દરમિયાન ગ્રુપમાં આપવામાં આવતી માહિતીથી વિશ્વાસ કેળવાયા બાદ હિતાર્થે રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ વૉટ્સએપ મારફતે તેને એક લિંક મોકલવામાં આવી હતી અને આ લિંક મારફતે સ્ટોક લર્ન ઇન્ડિયા નામની એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવા જણાવાયું હતું. હિતાર્થે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ આધારકાર્ડ અને પાન કાર્ડની વિગતોના આધારે રજીસ્ટ્રેશન કરી પોતાનું યુઝર આઈડી બનાવ્યું હતું. ત્યારબાદ તેને આઇપીઓમાં રોકાણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને શરૂઆતમાં ફ્લેક્સી કેબ આઇપીઓમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું.
એપ્લિકેશનના કસ્ટમર સર્વિસ વિકલ્પ મારફતે અલગ-અલગ બેંક ખાતાની વિગતો આપવામાં આવતી હતી. આ ખાતાઓમાં રકમ જમા કરાવ્યા બાદ એપ્લિકેશનમાં તે રકમ તેના વોલેટમાં જમા થયેલી દેખાડવામાં આવતી હતી. એટલું જ નહીં, વૉટ્સએપ મારફતે મળતી સૂચના મુજબ વિવિધ શેરોની ખરીદી અને વેચાણ પણ કરવામાં આવતું હતું. એપ્લિકેશનમાં હિતાર્થના ખાતામાં સારો એવો નફો દર્શાવવામાં આવતો હોવાથી તેને શરૂઆતમાં કોઈ શંકા થઈ નહોતી અને તે વધુ રોકાણ કરતો ગયો હતો.
સમય જતાં હિતાર્થે એપ્લિકેશનમાં દેખાતી પોતાની રકમમાંથી રૂપિયા પરત મેળવવા માટે વિડ્રોઅલ રિક્વેસ્ટ કરી હતી. જોકે વિડ્રોઅલની રકમ તેના બેંક ખાતામાં જમા થઈ નહોતી. આ અંગે વોટ્સએપ મારફતે સામેવાળાઓનો સંપર્ક કરવામાં આવતા તેને જણાવવામાં આવ્યું હતું કે રૂપિયા ઉપાડવા માટે કુલ રકમના 10 ટકા કમિશન તથા ટેક્સના નામે વધુ રકમ ભરવી પડશે. આ માગણી થતાં હિતાર્થને સમગ્ર વ્યવહાર અંગે શંકા ગઈ હતી. અગાઉ જમા કરાવેલી રકમ પરત આપવાના બદલે વધુ પૈસાની માંગણી થતાં આખરે તેને સમજાયું હતું કે તે સાયબર ઠગોના જાળમાં ફસાઈ ગયો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ હિતાર્થે અલગ-અલગ તબક્કે કુલ રૂ.31,20,246 જેટલી રકમ સામેવાળાઓ દ્વારા આપવામાં આવેલા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી. જોકે એપમાં લાખો રૂપિયાનો નફો દેખાડવામાં આવ્યો હોવા છતાં વાસ્તવિક રકમ પરત મળી નહોતી. વધુમાં રકમ ઉપાડવા માટે કમિશન અને ટેક્સના નામે વધારાની રકમની માંગણી કરવામાં આવી હતી. અંતે સાયબર ઠગાઈનો ભોગ બન્યાની જાણ થતાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈન મારફતે અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. PI બી.બી. જાડેજા તથા તેમની ટીમે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફરિયાદમાં દર્શાવાયેલા બેંક ખાતાઓમાં પૈસા કયા સ્થળેથી અને કોના નામે ટ્રાન્સફર થયા, ઈન્સ્ટાગ્રામ આઇડી અને વૉટ્સએપ ગ્રુપ પાછળ કોણ લોકો સક્રિય હતા, ‘સ્ટોક લર્ન ઇન્ડિયા’ એપ્લિકેશનની હકીકત શું છે તેમજ આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય કેટલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર શેરબજારમાં ઝડપી અને મોટો નફો કમાવવાની લાલચ આપતી જાહેરાતો તથા અજાણી એપ્લિકેશનમાં રોકાણ કરતા પહેલા તેની અધિકૃતતા ચકાસવી કેટલી જરૂરી છે તે આ બનાવે ફરી એક વખત સાબિત કર્યું છે.


