જેતપુરના થાણાગાલોળ ગામે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માતમાં ખેડૂતનું મોત
વાડીએથી પરત ફરતી વેળાએ કાળ ભેટયો : પરિવાર શોકગ્રસ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
જેતપુરના થાણાગાલોળ ગામે વેલનાથ બાપાના મંદિર પાસે આવેલા એક જોખમી વળાંક પર બોલેરો કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાડીએથી પોતાના ઘરે પરત ફરી રહેલા 63 વર્ષીય વયોવૃદ્ધ ખેડૂતનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામના રહેવાસી 63 વર્ષીય રમેશભાઈ આંબાભાઈ ઉનાગર પોતાની વાડીનું કામ પૂરું કરીને બાઈક પર સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન, થાણાગાલોળ ગામે આવેલા વેલનાથ બાપાના મંદિર પાસેના વળાંક પર પહોંચતા પૂરઝડપે આવી રહેલી એક બોલેરો ગાડીએ તેમના બાઈકને જોરદાર ટક્કર મારી અડફેટે લીધું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે રમેશભાઈ ફંગોળાઈને નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થવાના કારણે રમેશભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિનો તાગ મેળવીને ટ્રાફિક પુનઃ પૂર્વવત કરાવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ કાયદેસરની ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરી છે. અચાનક બનેલી આ દુર્ઘટનાના કારણે ઉનાગર પરિવાર સહિત ગામમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.


