મઘરવાડાની દોઢ કરોડની જમીનમાં કાકાજીએ દસ્તાવેજ કરાવી લીધો, રૂપિયા આપવાનો વારો આવ્યો તો હાથ ઊંચા
આર્થિક સંકડામણમાં ફસાયેલા દંપતીને કાકાએ જ વિશ્વાસમાં લીધું : મિત્ર સાથે મળી જમીનનો સોદો પતાવી દીધો, દંપતીને માત્ર રૂ.16 લાખ ચૂકવ્યા હોવાનો આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં વિશ્વાસના સંબંધને કલંકિત કરતો જમીન ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મઘરવાડાની અંદાજે દોઢ કરોડથી વધુ કિંમતની જમીન વેચવાની વાત કાકાજી સસરાને કરતા તેમની નિયતમાં જ ખોટ આવી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદ મુજબ કાકાજી સસરા ગેલા ઉકા સોહલાએ પોતાના મિત્ર બીજલ નાગજી ગોલતર સાથે મળી જમીનનો સોદો કરાવી દંપતીને મળવાપાત્ર મોટી રકમ અટકાવી દીધી હતી. દંપતીને અલગ-અલગ હિસાબ બતાવી માત્ર રૂ.16 લાખ જેટલી રકમ ચૂકવાઈ હોવાનો અને બાકીની રકમ નહીં આપી છેતરપિંડી કરાઈ હોવાનો આક્ષેપ છે.
આ બનાવ અંગે 150 ફૂટ રિંગ રોડ પર દેશળદેવનગર, જ્ઞાનજીવન-આર. મોદી સ્કૂલ પાસે રહેતાં પાયલબેન અર્જુનભાઈ સોહલાએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રેલનગર-મફતીયાપરામાં રહેતા બીજલ નાગજી ગોલતર અને રૈયા રોડ શિવપરા શેરી નં.2માં રહેતા ગેલા ઉકા સોહલાને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ પાયલબેનના પતિ અર્જુનભાઈ અગાઉ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હતા. વર્ષ 2023માં પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાતા અર્જુનભાઈએ મઘરવાડા સ.નં.97માં આવેલી પોતાની જમીન વેચવાનો નિર્ણય કર્યો હતો. જમીનના અસલ દસ્તાવેજ કાકાજી સસરા ગેલા સોહલા પાસે હોવાથી અર્જુનભાઈએ દસ્તાવેજ અંગે પૂછપરછ કરી હતી. ત્યારે દસ્તાવેજ દેવકરણ ધોળકીયા પાસે હોવાની વાત કરી તેમને ગોળગોળ ફેરવવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
પરિવારમાં ચાલતા મતભેદને કારણે જમીન ખરીદવા કોઈ તૈયાર ન હોવાનું જાણવા મળતાં અર્જુનભાઈએ ગેલા સોહલાને જમીન વેચવાની વાત કરી હતી. ત્યારે ગેલાએ ‘હું જમીન વેચાવી દઈશ’ કહી વિશ્વાસમાં લીધા હતા. થોડા સમય બાદ ગેલા સોહલા દાદા લાલાભાઈ ધોળકીયાને સાથે લઈને અર્જુનભાઈના ઘરે પહોંચ્યા હતા અને જમીનના રૂ.1.51 કરોડ અપાવવાની વાત કરી હતી.
ફરિયાદ મુજબ બાદમાં જમીનનો દસ્તાવેજ સીધો ખરીદદારના નામે કરાવવાને બદલે લાલાભાઈ ધોળકીયાના નામે ટ્રાન્સફર કરાવવાની સલાહ આપવામાં આવી હતી. પરિવારના વિવાદને કારણે સીધો સોદો મુશ્કેલ હોવાનું કહી વિશ્વાસમાં લઈ દસ્તાવેજ કરાવી લેવાયો હતો. દસ્તાવેજમાં દર્શાવાયેલી રૂ.14.50 લાખની રકમ બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી, પરંતુ તેમાંથી રૂ.7.50 લાખ લાલા વસરામને અને રૂ.7 લાખ ગેલા સોહલાના પુત્ર સંજયને ચૂકવાયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ પછી જમીન વેચવાની કામગીરી ગેલા સોહલા અને તેના મિત્ર બીજલ ગોલતરે હાથ ધરી હતી. બીજલ પાસે જમીનનો ગ્રાહક હોવાની વાત કરી બંનેએ મળીને સોદો કર્યો હતો. જમીન કોને અને કેટલી રકમમાં વેચાઈ રહી છે તેની સંપૂર્ણ માહિતી અર્જુનભાઈથી છુપાવવામાં આવી હોવાનો આક્ષેપ છે. અર્જુનભાઈએ સ્પષ્ટ કહ્યું હતું કે સોદા મુજબની રકમ મળ્યા બાદ જ જમીનનો કબજો આપશે.
પરંતુ ત્યારબાદ અર્જુનભાઈને જાણ થઈ કે ગેલા અને બીજલે મળીને જમીનનો દસ્તાવેજ લાલા કિહલાના નામે કરી દીધો છે. દંપતીને વેચાણની સંપૂર્ણ રકમ તો દૂર રહી, સોદા અંગે સ્પષ્ટ હિસાબ પણ આપવામાં આવ્યો ન હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
માત્ર રૂ.16 લાખ આપી ‘હિસાબ’નો ખેલ?
ફરિયાદ મુજબ ગેલા સોહલાએ અગાઉ લીધેલી રકમ પરત કરવાની વાતો કરી રૂ.8 લાખ જેટલી રકમ આપી હતી, જ્યારે બીજલ ગોલતરે પણ હપ્તાવાર રૂ.8 લાખ આપ્યા હતા. આમ કુલ રૂ.16 લાખ ચૂકવાયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જોકે જમીનનો સોદો રૂ.1.51 કરોડમાં થયો હોવા છતાં બાકીની મોટી રકમ અંગે કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો.
પછી પરિવારજનોની હાજરીમાં હિસાબ કરવામાં આવ્યો ત્યારે દલાલી, અન્ય ખર્ચ અને અલગ-અલગ લોકોને ચૂકવાયેલી રકમો દર્શાવી અંતે રૂ.70 લાખ જેટલી રકમ બાકી હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ રૂ.35-35 લાખના બે ચેકના ફોટા મોકલાતા પરિવારને વિશ્વાસ બેઠો કે હવે જમીનની બાકી રકમ ચૂકવાઈ જશે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ ચેકના ફોટા જોઈ વિશ્વાસ બેસી જતા જમીનનો કબજો સોંપવામાં આવ્યો હતો. જોકે બાદમાં ચેક લેવા જતાં ચેક ક્યાંક મુકાઈ ગયો હોવાનું કહી સમય પસાર કરવામાં આવ્યો. ત્રણ મહિના બાદ પણ રૂપિયા ન મળતાં બીજલને શોધવા અંગે બહાના કાઢવામાં આવ્યા. આ રીતે આશરે દોઢ વર્ષ સુધી દંપતીને રૂપિયા માટે ધક્કા ખવડાવાયા હોવાનો આક્ષેપ છે. ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે ગેલા સોહલા અને બીજલ ગોલતરને જમીનના દસ્તાવેજ થઈ ગયા બાદ પરિસ્થિતિનો લાભ કેવી રીતે લેવો તેની અગાઉથી જાણ હતી. બંનેએ કથિત રીતે પૂર્વઆયોજિત રીતે દંપતીને વિશ્વાસમાં લઈ જમીનના દસ્તાવેજો અલગ-અલગ વ્યક્તિઓના નામે કરાવ્યા અને પોતે સીધા દસ્તાવેજમાં ન આવી ચાલાકી કરી હતી.
ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે ગેલા ઉકા સોહલા અને બીજલ નાગજી ગોલતર સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે જમીનના દસ્તાવેજો, સોદાની રકમ, બેંક વ્યવહારો, ચેક તેમજ સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.


