રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરે ભક્તો કુરિયર કે પોસ્ટથી દાદાને રાખડી મોકલી શકશે
રક્ષાબંધન નિમિત્તે “મારા દાદાને, મારી રાખડી” અભિયાન શરૂ, મોકલાયેલી તમામ રાખડીઓ દાદાને અર્પણ કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ: “ઇચ્છાઓ સઘળી ફળે, જેને બાલાજી ની કૃપા મળે..” લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સુપ્રસિદ્ધ શ્રી બાલાજી હનુમાનજી મંદિર દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે એક અનોખા અને ભાવસભર આયોજનની જાહેરાત કરવામાં આવી છે.
દરેક ભક્તની ઈચ્છા હોય છે કે તે પોતાના રક્ષક એવા કષ્ટભંજન દાદાને રક્ષા બાંધે. આ જ ભક્તિભાવને વાચા આપવા માટે શ્રી બાલાજી હનુમાનજી મંદિર દ્વારા “મારા દાદાને, મારી રાખડી” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત બાલાજી દાદાને રાખડી અર્પણ કરવાનો પાવન અવસર ભક્તોને પ્રાપ્ત થશે.
જે ભક્તો કોઈપણ કારણસર રૂબરૂ આવી શકે તેમ નથી અથવા બહારગામ રહે છે અને દાદાને રાખડી મોકલવા ઈચ્છે છે, તેઓ પોતાની રાખડી કુરિયર અથવા પોસ્ટના માધ્યમથી મંદિરના સરનામે મોકલી શકશે. ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક મોકલવામાં આવેલી આ રાખડીઓ દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવશે.
આ સુંદર અને ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન બાલાજી હનુમાનજી મંદિરના મહંત શાસ્ત્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી શ્રી મુનિવત્સલદાસજી સ્વામીના રૂડા આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.


