આચાર્ય બનવા ૯૦૦૦થી વધારે ઉમેદવારે આપી HTAT પરીક્ષા
રાજકોટ શહેર-જિલ્લામાં ૫૭ કેન્દ્રો પર કરાઇ હતી બેઠક વ્યવસ્થા : રાજયમાં ૫૦ હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય બનવા માટે આજે ગુજરાતમાં 50,069 જેટલા ઉમેદવારોની HTAT પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લામાં 57 પરીક્ષા કેન્દ્રો ઉપરથી સૌરાષ્ટ્રના 9,868 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. જેમાં કેટલાક ઉમેદવારો એવા છે કે તેઓએ ત્રણ વર્ષ પહેલાં પણ આ પરીક્ષા આપી હતી પરંતુ સારો સ્કોર મળ્યો ન હતો. હવે ભરતી મોડી થાય તો તેઓને ચાન્સ ન મળે. જ્યારે અન્ય મહિલા ઉમેદવારનું કહેવું હતું કે ભારતનું ભવિષ્ય મારા હાથમાં ઘડાય તેવી ઈચ્છા હોવાથી આચાર્ય બનવા માંગુ છું.
ઉપેન્દ્રભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે, મેં 2023માં એક્ઝામ આપેલી ત્યારે પણ હું પાસ થઈ ગયેલો છું. પરંતુ વધારે સ્કોર મેળવવા માટે મેં આ વખતે પણ આ એક્ઝામ પાસ કરવાનો ગોલ રાખ્યો છે.હાલ હું સીદસર ખાતે આવેલા વિજયાપુરા વિદ્યાસંકુલમાં નોકરી કરું છું. નોકરી કરવાની સાથે સાથે આ એક્ઝામની પણ તૈયારી કરતો હતો. જેથી કરીને મને સારી સફળતા મળે તો આગળ સરકારી (ગવર્નમેન્ટ) ક્ષેત્રમાં તક મળે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો ભરતી થવામાં મોડું થાય, તો જે ત્રણ વર્ષ પહેલા પરીક્ષા પાસ કરેલી હોય તેવા શિક્ષકો/વિદ્યાર્થીઓ માટે ઉંમરનો પ્રશ્ન ઊભો થાય છે. જો ઉંમર વધી જાય તો અમે બાકાત રહી જઈએ છીએ.હું વર્ષ 2005થી સેલ્ફ-ફાઇનાન્સ શાળામાં ભણાવું છું. જો સરકારી શિક્ષક તરીકે પસંદગી થઈ જાય તો તે ખૂબ સારું રહે.
જ્યારે અન્ય ઉમેદવાર જણાવ્યુ હતુ કે, આજે ટાટ (TAT) હાયર સેકન્ડરીની એક્ઝામ છે અને હું ઘણા દિવસથી તૈયારી કરું છું. હું રોજનું 12 કલાકનું રીડિંગ કરું છું. સવારે 8 થી 9 વાગ્યા સુધી રીડિંગ કરું છું પણ આ વખતે પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમ કે બે નિબંધ, બે સંક્ષેપીકરણ, પત્ર લેખન. એના માટે વધારે ટાઈમ નથી મળતો. તો એ પ્રમાણે અમે લખીએ તો માર્કિંગ આપે એ લોકો. પણ એ જે પ્રક્રિયા કરવાની હોય તે લોકોને થોડો વહેલો ટાઈમ આપવો જોઈએ. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, મારા પરિવારમાં કોઈ શિક્ષક નથી એટલે જ મારે ટીચર બનવું છે અને આ ભારતનું ભવિષ્ય મારા હાથમાં ઘડાય એ જ મારો ગોલ (ધ્યેય) છે.


