રાજકોટમાં ૧૧.૮૨ લાખ વાહનો, ટ્રાફિક સમસ્યા વિકરાળ બની
રાજ્યમાં રંગીલુ શહેર વાહનોની સંખ્યામાં ત્રીજા સ્થાને: વડોદરાને પાછળ છોડ્યું: ગુજરાતમાં જુલાઈમાં ૨.૧૧ લાખથી વધુ વાહનોનું વેચાણ
અગ્ર ગુજરાત, રાજકોટ
વાહનોની સંખ્યામાં થયેલા ભારે વધારાને કારણે માર્ગો પર ટ્રાફિકની સમસ્યા વધુ ઘેરી અને જટિલ બની રહી છે. તાજેતરના આંકડા મુજબ, અમદાવાદ જિલ્લામાં સક્રિય વાહનોની કુલ નોંધાયેલી સંખ્યા વધીને ૨૯,૦૫,૨૬૫ સુધી પહોંચી ગઈ છે. વાહનોની આટલી મોટી સંખ્યાને કારણે હવે અમદાવાદે દેશના સૌથી વધુ વાહનો ધરાવતા જિલ્લાઓની યાદીમાં ટોપ-દસમાં સ્થાન મેળવ્યું છે.
રાષ્ટ્રીય સ્તરે વાહનોની સંખ્યાની સરખામણી કરવામાં આવે તો બેંગલુરુ ૭૩.૨૪ લાખ વાહનો સાથે સમગ્ર દેશમાં મોખરાના સ્થાને છે. આ યાદીમાં ૪૪.૨૬ લાખ વાહનો સાથે પૂણે બીજા ક્રમે, ૩૧.૪૮ લાખ વાહનો સાથે ચેન્નાઈ ત્રીજા ક્રમે, ૨૯,૦૫,૨૬૫ વાહનો સાથે અમદાવાદ ચોથા ક્રમે, ૨૭.૨૪ લાખ વાહનો સાથે જયપુર પાંચમા ક્રમે, ૨૭.૨૧ લાખ સાથે થાણે છઠ્ઠા ક્રમે, ૨૩.૫૮ લાખ સાથે મુંબઈ સબઅર્બન સાતમા ક્રમે અને ૨૦.૮૨ લાખ વાહનો સાથે લખનઉ આઠમા ક્રમે આવે છે.
ગુજરાત રાજ્યના સ્તરે વાહનોના રજિસ્ટ્રેશનની બાબતમાં અમદાવાદ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે યથાવત છે. રાજ્યના અન્ય મુખ્ય શહેરોની વાત કરીએ તો ૨૦,૬૫,૦૭૪ વાહનો સાથે સુરત બીજા સ્થાને, ૧૨,૭૨,૮૬૦ વાહનો સાથે રાજકોટ ત્રીજા સ્થાને અને ૧૧,૮૨,૭૫૬ સક્રિય વાહનો સાથે વડોદરા ચોથા સ્થાને આવે છે. સતત વધતા વાહનોને કારણે શહેરી માળખા અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે દબાણ ઊભું થઈ રહ્યું છે.
ગુજરાતમાં જુલાઈ મહિના દરમિયાન ઓટોમોબાઈલ ક્ષેત્રે જબરદસ્ત ગ્રોથ જોવા મળ્યો છે, જેમાં કુલ 2,11,641 વાહનોનું રેકોર્ડબ્રેક વેચાણ નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ વાહનોના વેચાણમાં 38.07 ટકાનો મોટો વધારો થયો છે, જે રાજ્યમાં મજબૂત આર્થિક સ્થિતિ અને ગ્રાહકોના ઉત્સાહનો સંકેત આપે છે. આ વેચાણમાં ટુ-વ્હીલર સેગમેન્ટ સૌથી આગળ રહ્યું છે, જેમાં 1.38 લાખથી વધુ વાહનો વેચાયા છે. આ ઉપરાંત, પરંપરાગત પેટ્રોલ અને ડિઝલ વાહનોની સાથે-સાથે હવે પર્યાવરણને અનુકૂળ એવા ઇલેક્ટ્રિક વાહનો (EV) ના વેચાણમાં પણ સારો એવો ઉછાળો જોવા મળ્યો છે.
ઇલેક્ટ્રિક વાહનો (EV) તરફ ગ્રાહકોનો ઝુકાવ
પારંપરિક પેટ્રોલ અને ડીઝલ વાહનોની સાથે હવે ઇલેક્ટ્રિક વાહનો (EV) ના વેચાણમાં પણ સારો એવો ઉછાળો આવ્યો છે. મોંઘા પેટ્રોલ-ડીઝલના વિકલ્પ તરીકે અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને કારણે લોકો ઝડપથી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અપનાવી રહ્યા છે. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થઈ રહેલો સુધારો અને નવી ટેકનોલોજીને કારણે EV સેગમેન્ટમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
આર્થિક મજબૂતીના સંકેત
ઓટોમોબાઈલ સેક્ટરના આ જંગી આંકડાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે ગુજરાતનું અર્થતંત્ર અને ઓટોમોબાઈલ ક્ષેત્ર ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. તહેવારોની આગામી સીઝનમાં વાહનોના વેચાણમાં હજુ પણ વધુ મોટો ઉછાળો જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.


