પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી
સરધારી ધાર વિસ્તારમાં ગેરકાયદે ખનન-વહનનો પર્દાફાશ; JCB-ડમ્પર સહિત રૂ.39 લાખનો મુદ્દામાલ જપ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
શાપર-વેરાવળ નજીક પડવલા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાંથી બેફામ રીતે માટીનું ગેરકાયદે ખનન કરી તેનું વહન કરવામાં આવતું હોવાની બાતમીના આધારે શાપર પોલીસે દરોડો પાડી ખનન પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન એક JCB મશીન તથા માટી ભરેલું ડમ્પર મળી આવ્યું હતું. પોલીસે માટી સહિત કુલ રૂ.39 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ખનન અને ખનીજના ગેરકાયદે વહન સામે કડક કાર્યવાહી કરવા રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર તથા ડીવાયએસપી કે.જી. ઝાલાએ સૂચના આપી હતી. આ સૂચનાના પગલે શાપર પોલીસ મથકના પીઆઈ આર.બી. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે, પડવલા ગામની સીમમાં સરધારી ધાર વિસ્તારમાં અર્જુન ઇન્ડસ્ટ્રીઝ પાછળ આવેલા સરકારી ખરાબામાં ગેરકાયદે રીતે માટી ખોદવાનું કામ ચાલી રહ્યું છે. બાતમીને આધારે પોલીસે સ્થળ પર અચાનક દરોડો પાડતાં માટી ખનન અને વહનની કામગીરીનો ભાંડો ફૂટ્યો હતો.
પોલીસે સ્થળ પરથી માટી ભરેલું ડમ્પર તેમજ ખનન માટે ઉપયોગમાં લેવાતું JCB મશીન ઝડપી લીધું હતું. માટી સહિત બંને વાહનો અને સાધનોનો કુલ મુદ્દામાલ આશરે રૂ.39 લાખનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે વાહનોને એમવી એક્ટની જોગવાઈઓ હેઠળ ડિટેઇન કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ સમગ્ર મામલે જપ્ત કરાયેલો મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે. સરકારી ખરાબાની જમીનમાંથી પરવાનગી વિના માટી ખોદી તેના વેપાર માટે ઉપયોગ થતો હોવાની શંકાને પગલે ખાણ-ખનીજ વિભાગ દ્વારા પણ નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. શાપર પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.


