બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ
મહિલાના ઓપરેશન બાદ મોત મામલે પરિવારજનોના ગંભીર આક્ષેપો : હોસ્પિટલ સીલ કરવા અને તબીબનું લાયસન્સ રદ કરવાની પોલીસ કમિશનરને રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
બાલાજી હોસ્પિટલમાં મહિલાના ઓપરેશન બાદ થયેલા મોતના મામલે પરિવારજનો તેમજ રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. હોસ્પિટલ તંત્ર અને તબીબ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો સાથે રઘુવંશી સમાજ દ્વારા રેલી યોજી ન્યાયની માગ કરવામાં આવી હતી. રેલી બાદ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.
મળતી વિગતો મુજબ ડિમ્પલબેન પોબારૂના ઓપરેશન બાદ તબિયત લથડતાં તેમનું મોત નિપજ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે, ઓપરેશન અત્યંત ક્રિટિકલ હોવા છતાં યોગ્ય તબીબી દેખરેખ રાખવામાં આવી ન હતી. એટલું જ નહીં, ગંભીર ઓપરેશન મોબાઇલ ફોનમાં મળેલા ઇન્સ્ટ્રક્શનના આધારે કરવામાં આવ્યું હોવાનો પણ પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ ઓપરેશન બાદ ડિમ્પલબેનની સ્થિતિ સતત બગડતી રહી હતી, તેમ છતાં હોસ્પિટલનો સ્ટાફ અને સંબંધિત તબીબ સમયસર હાજર રહ્યા ન હતા. દર્દીની સ્થિતિ અંગે વારંવાર જાણ કરવા છતાં યોગ્ય ધ્યાન આપવામાં ન આવ્યું હોવાનો પણ પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
આ મામલે અગાઉ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કે ધ્યાન આપવામાં ન આવ્યું હોવાનો આક્ષેપ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. જેના પગલે રઘુવંશી સમાજના આગેવાનો અને પરિવારજનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.
રેલી દરમિયાન ડિમ્પલબેનના મોત માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે બાલાજી હોસ્પિટલ સીલ કરવા તેમજ ડો. કવિતા લાધાણીનું મેડિકલ લાયસન્સ રદ કરવાની માગ કરવામાં આવી હતી. સમગ્ર મામલે તબીબી બેદરકારીની નિષ્પક્ષ તપાસ કરી પરિવારને ન્યાય અપાવવા પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. પરિવારજનોના આક્ષેપોની સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.


