શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા
રાદડની સીમમાં હીદળ ગામના સરપંચ સહિત 7 ઝડપાયા; ભાયાવદર, પરબડી અને શાપરમાં પણ દરોડા, રૂ.2.51 લાખનો મુદ્દામાલ જપ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રાવણ માસની શરૂઆત થાય તે પહેલાં જ રાજકોટ જિલ્લામાં જુગારના અડ્ડાઓ ધમધમવા લાગ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે પોલીસે એકસાથે ચાર સ્થળે દરોડા પાડી 27 શખ્સોને ઝડપી લીધા છે. પડધરી, ભાયાવદર, ધોરાજી તાલુકા અને શાપર-વેરાવળ પોલીસની કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ અંદાજે રૂ.2.51 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ખાસ કરીને પડધરીના રાદડ ગામની સીમમાં પડેલા દરોડામાં હીદળ ગામના સરપંચ સહિત સાત શખ્સો પત્તા રમતા ઝડપાતા પોલીસ કાર્યવાહી ચર્ચામાં આવી છે.
પડધરી પોલીસની ટીમે રાદડ ગામની સીમમાં ડોંડી નદીના કાંઠે સહદેવસિંહ જાડેજાની વાડી નજીક આવેલા સરકારી ખરાબામાં થાંભલા પાસે દરોડો પાડ્યો હતો. અહીં જાહેરમાં પત્તાની બાજી રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.31,100 રોકડ કબજે કરી હતી.
પકડાયેલા શખ્સોમાં હીદળ ગામના સરપંચ વલ્લભ પરષોત્તમ પાનસુરીયા ઉપરાંત રાદડના સુજાનસિંહ કિરીટસિંહ જાડેજા અને સહદેવસિંહ લખુભા જાડેજા, રાજકોટના સુરપાલસિંહ અશોકસિંહ સરવૈયા, કાલાવડના ભરત નાગજીભાઈ ઝાખેલીયા તેમજ રાજકોટના અર્જુન છગન પંચાસરા અને હીદળના સુખદેવ બાબુ સોનારાનો સમાવેશ થાય છે.
બીજી તરફ ભાયાવદર પોલીસે ઉગામણી સીમમાં રાજુભાઈ ગરચરની વાડી પાસે લીમડાના ઝાડ નીચે ચાલતા જુગાર પર ત્રાટકી હતી. પોલીસે છ શખ્સોને ઝડપી રોકડ રૂ.56,920 ઉપરાંત ચાર મોબાઇલ ફોન અને બે વાહનો મળી કુલ રૂ.1,96,920નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં વાડી માલિક રાજુ નારણ ગરચર સહિત વિરોભા દેવરજી હરણ, કલ્પેશ ઉર્ફે કલ્પો, રાજેશ સાથડીયા, વિક્રમ ચકા કરોતરા, કૈલાશ ઉર્ફે હક્કા હરિ માકડીયા અને પરેશ ભીમા કરોતરા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ધોરાજી તાલુકા પોલીસે પરબડી ગામની સરહદમાં ટાવર પાસે જેન્તીભાઈ ગજેરાની વાડીમાં દરોડો પાડ્યો હતો. વાડીમાં પત્તા રમતા આઠ શખ્સો ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.14,430 રોકડ કબજે કરી હતી. પકડાયેલા શખ્સોમાં વાડી માલિક જેન્તી મનજીભાઈ ગજેરા સહિત કિશન બાબરીયા, મિહિર બાબરીયા, સાગર ધોરાજીયા, મયુર આસોદરીયા, હરેશ ચાવડા, પ્રવીણ બાબરીયા અને જયદીપ બાબરીયાનો સમાવેશ થાય છે.
ચોથા દરોડામાં શાપર-વેરાવળ પોલીસે વેરાવળ ગામના બુદ્ધનગરમાં જોગણી માતાના મંદિર નજીક જાહેરમાં ચાલતા જુગાર પર દરોડો પાડ્યો હતો. પોલીસે યશપાલ ચાવડા, કમલેશ શેખવા, કિશોર વોરા, વિજય માંગરોળીયા, સંજય ચૌહાણ અને દિપક વડીયાતરને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.10,280 રોકડ તથા છ મોબાઇલ ફોન મળી કુલ રૂ.60,280નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ચાર અલગ-અલગ સ્થળે થયેલી આ કાર્યવાહીથી પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિ વધે તે પહેલાં જ આવા અડ્ડાઓ સામે કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે.


