આંબરડીમાં માનવભક્ષી સિંહો માટે 100 હેક્ટરનું નેચરલ એન્ક્લોઝર તૈયાર થશે
માનવ પર હુમલો કરનારા 30 જેટલા સિંહોને સક્કરબાગમાંથી ખસેડી ફરી શિકાર અને કુદરતી જીવનની ટેવ પાડવાનો વનવિભાગનો વ્યૂહ
અગ્ર ગુજરાત, રાજકોટ
આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતની શાન સમાન એશિયાટિક સિંહોને લઈને વનવિભાગે મહત્વની યોજના ઘડી છે. ગીર સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સિંહોની સંખ્યા અને વસવાટનો વિસ્તાર સતત વધતા માનવ-સિંહ સંઘર્ષના બનાવો પણ સામે આવી રહ્યા છે. ખાસ કરીને રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા અને માનવી પર હુમલો કરી ચૂકેલા સિંહોને હવે સામાન્ય જંગલમાં પરત મૂકવાને બદલે તેમના કુદરતી વર્તનને પુનઃ વિકસાવવાનો પ્રયાસ હાથ ધરાશે.
માનવ પર હુમલામાં સંડોવાયેલા સિંહોને હાલ જૂનાગઢના સક્કરબાગમાં રાખવામાં આવ્યા છે. એકલા જૂન મહિનામાં જ રેવન્યુ વિસ્તારમાંથી પકડાયેલા અને માનવ પર હુમલો કર્યાની ઘટનાઓ સાથે સંકળાયેલા આશરે 30 સિંહોને સક્કરબાગમાં રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, લાંબા સમય સુધી તેમને કેદમાં રાખવાથી તેમની કુદરતી શિકાર કરવાની અને જંગલમાં સ્વતંત્ર રીતે રહેવાની ટેવ ઉપર અસર થઈ શકે છે. આથી હવે તેમને ફરી કુદરતી વાતાવરણમાં ઢાળવાનો મહત્વાકાંક્ષી પ્રયોગ હાથ ધરાશે.
પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તથા ફોરેસ્ટ ફોર્સના વડા ડો. જયપાલસિંહના જણાવ્યા મુજબ ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કના ગીર પ્રોટેક્ટેડ એરિયામાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં ખાસ એન્ક્લોઝર તૈયાર કરવામાં આવશે. આ વિસ્તારમાં એવી સુરક્ષિત વાડ અને દિવાલ ઊભી કરાશે કે સિંહો તેની બહાર નીકળી ન શકે અને બહારથી કોઈ વ્યક્તિ પણ અંદર પ્રવેશી ન શકે.
આ ખાસ એન્ક્લોઝરમાં સિંહોને શક્ય તેટલું જંગલ જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવશે. સિંહોને તૈયાર ખોરાક આપવાને બદલે તેમની કુદરતી શિકાર કરવાની વૃત્તિ જળવાઈ રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવશે. સિંહો મુક્ત રીતે હરીફરી શકે અને પોતાની કુદરતી આદતો ફરી કેળવી શકે તેવો માહોલ ઊભો કરવાનો વનવિભાગનો પ્રયાસ છે. આ એન્ક્લોઝરમાં એક સાથે ઓછામાં ઓછા 30 સિંહોને રાખી શકાય તેવી વ્યવસ્થા કરવાની યોજના છે.
આંબરડી સફારી પાર્ક અગાઉથી જ વિશાળ કુદરતી પરિસર ધરાવે છે. આશરે 365 હેક્ટરમાં 2017માં વિકસાવવામાં આવેલા આ પાર્કમાં સિંહો ઉપરાંત દીપડા, ચીતલ, નીલગાય, ચિંકારા, મોર સહિત વિવિધ વન્યજીવો અને પક્ષીઓનો વસવાટ છે. આ કુદરતી પરિસરનો લાભ લઈ માનવ પર હુમલો કરી ચૂકેલા સિંહોને ફરી જંગલી જીવનની ટેવ પાડવાનો પ્રયાસ હવે સિંહ સંરક્ષણની દિશામાં મહત્વનું પગલું બની શકે છે.
વનવિભાગ દ્વારા આ અંગે જરૂરી આદેશો આપી દેવામાં આવ્યા છે અને હવે એન્ક્લોઝરની કામગીરી આગળ વધારવામાં આવશે. એક તરફ માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવાનો અને બીજી તરફ સિંહોની કુદરતી વૃત્તિ જાળવી રાખવાનો આ પ્રયોગ ગુજરાતના સિંહ સંરક્ષણમાં નવી દિશા ઉભી કરી શકે છે.
કેદ નહીં, કુદરતી જીવનની તાલીમ
માનવ પર હુમલો કરનારા સિંહોને સક્કરબાગમાં લાંબા સમય સુધી રાખવાને બદલે હવે વિશાળ કુદરતી એન્ક્લોઝરમાં રાખવાની યોજના છે. અહીં સિંહોને મુક્ત રીતે હરીફરવાની અને કુદરતી રીતે શિકાર કરવાની તક આપવામાં આવશે, જેથી તેમની જંગલી જીવનશૈલી પુનઃ વિકસે.
એકસાથે 30 સિંહો રહી શકશે
આંબરડીમાં તૈયાર થનારા 100 હેક્ટરના વિશેષ એન્ક્લોઝરમાં ઓછામાં ઓછા 30 સિંહો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સુરક્ષિત વાડ અને દિવાલના કારણે સિંહો બહાર નીકળી ન શકે તથા માનવીનો સીધો સંપર્ક પણ ન થાય તેવું આયોજન કરાશે.
365 હેક્ટરમાં ફેલાયેલું સફારી પાર્ક
આંબરડી સફારી પાર્કનું નિર્માણ 2017માં આશરે 365 હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. અહીં સિંહો ઉપરાંત દીપડા, ચીતલ, નીલગાય, ચિંકારા, મોર સહિત વિવિધ વન્યજીવો વસવાટ કરે છે. કુદરતી વાતાવરણ માનવભક્ષી બની ગયેલા સિંહોને પુનઃ જંગલી જીવન તરફ વાળવામાં મદદરૂપ બનશે.
માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવાનો પ્રયાસ
ગીર અને સૌરાષ્ટ્રના રેવન્યુ વિસ્તારોમાં સિંહોની અવરજવર વધતાં માનવ-સિંહ સંઘર્ષના બનાવો ચિંતાનો વિષય બન્યા છે. માનવી પર હુમલો કરી ચૂકેલા સિંહો માટે અલગ અને સુરક્ષિત કુદરતી એન્ક્લોઝર ઊભું કરવાની યોજના સંઘર્ષ ઘટાડવા સાથે સિંહોની કુદરતી વૃત્તિ જાળવવાનો પ્રયાસ છે.


