સરકારી દસ્તાવેજોની ચકાસણી હવે RTI અરજીકર્તાએ પોતે જ કરવી પડશે
પોતાની સાથે અન્ય કોઇ વ્યકિતને લાવી શકશે નહી : હાઇકોર્ટનો નિર્દેશ
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટે માહિતી અધિકારના કાયદા હેઠળ એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે, કોઈપણ RTI અરજીકર્તા સત્તાવાર રેકોર્ડની તપાસ કરવા માટે પોતાની સાથે અન્ય કોઈ વ્યક્તિને લાવી શકશે નહીં. અદાલતે ભારપૂર્વક જણાવ્યું છે કે, RTI અરજીકર્તાએ વ્યક્તિગત રીતે જ દસ્તાવેજોનું નિરીક્ષણ કરવાનું રહેશે.
ગીર સોમનાથ જિલ્લાના નાગદલા ગામના રહેવાસી 74 વર્ષીય જોધુ વાળાએ ગ્રામ પંચાયત પાસેથી RTI હેઠળ કેટલીક માહિતી માંગી હતી. રેકોર્ડ ખૂબ જ મોટો હોવાથી તલાટી-કમ-મંત્રીએ તેમને રેકોર્ડની તપાસ કરવા માટે મંજૂરી આપી હતી. જોકે, જોધુ વાળા પોતાની સાથે અન્ય છ ગ્રામજનોને લઈને પહોંચ્યા હતા.
જોધુ વાળાએ જીદ કરી હતી કે, તેમની સાથે આવેલા અન્ય લોકોને પણ દસ્તાવેજો જોવા દેવામાં આવે. આ બાબતે મહિલા અધિકારીએ ના પાડતા ત્યાં હોબાળો થયો હતો, જેના કારણે રાજ્ય માહિતી કમિશનરે ગેરવર્તણૂકના આધારે તેમની અરજી ફગાવી દીધી હતી.
જસ્ટિસ નિર્ઝર દેસાઈની કોર્ટે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું કે, જો અરજીકર્તા પોતે ભાષા કે વિષયવસ્તુથી વાકેફ ન હોય અને અન્યને સાથે રાખવાની પરવાનગી માંગે, તો તે માહિતી ત્રીજી વ્યક્તિને આપવા સમાન ગણાય. હાઈકોર્ટે અવલોકન કર્યું કે, “આનાથી એવી છાપ ઊભી થાય છે કે અરજીકર્તા માત્ર કોઈ ત્રીજી વ્યક્તિના હાથનું રમકડું બનીને કામ કરી રહ્યા છે, જે RTI એક્ટનો ઉદ્દેશ્ય નથી.” અદાલતે અરજીકર્તાની એ વિનંતીને ફગાવી દીધી, જેમાં તેમણે દસ્તાવેજો ઓળખવા માટે જાણકાર વ્યક્તિને સાથે રાખવાની માંગ કરી હતી.
હાઇકોર્ટની શરતો
ગુજરાત હાઈકોર્ટે જોધુ વાળાને રેકોર્ડ તપાસવાની મંજૂરી તો આપી છે, પરંતુ કેટલીક શરતો લગાવી છે. જે અનુસાર અરજીકર્તાએ વ્યક્તિગત રીતે અને કોઈપણ સાથીદાર વિના તપાસ કરવાની રહેશે. તપાસ દરમિયાન તેઓ પોતાની સાથે ફોન કે કેમેરો રાખી શકશે નહીં. જો અરજીકર્તા એકલા તપાસ કરવાની બાંહેધરી આપે તો જ નિરીક્ષણની મંજૂરી અપાશે. ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો અરજીકર્તા સાથે કોઈ પણ વ્યક્તિ હાજર હશે, તો અધિકારી દ્વારા રેકોર્ડ બતાવવામાં આવશે નહીં. આ ચુકાદો RTI ના દુરુપયોગને રોકવા અને માહિતીની ગોપનીયતા જાળવવા માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે.


