મોટા ઉદ્યોગોને બેન્કોની મહા રાહત
12 વર્ષમાં રૂ.10 લાખ કરોડની લોન માંડવાળ
નાના દેવાદારો પર હપ્તાની ઉઘરાણી ; રાઇટ ઓફ એટલે લોન માફી નહીં, બેન્કો વસૂલાતની કાર્યવાહી ચાલુ રાખી શકે છે, નાણામંત્રીનો ખુલાસો
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
નાના લોનધારકો પાસેથી એક-એક હપ્તાની વસૂલાત માટે કડક કાર્યવાહી કરતી બેન્કિંગ વ્યવસ્થામાં મોટા ઉદ્યોગો અને સર્વિસ ક્ષેત્રની લોનના આંકડા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. સંસદમાં કેન્દ્ર સરકારે આપેલી માહિતી અનુસાર છેલ્લા 12 વર્ષના સમયગાળામાં મોટા ઉદ્યોગો અને સર્વિસ ક્ષેત્રની આશરે રૂ.9.95 લાખ કરોડની લોન રાઇટ ઓફ કરવામાં આવી છે. આ આંકડો દેશની બેન્કિંગ વ્યવસ્થામાં મોટા કોર્પોરેટ ખાતાઓના બેડ લોનના ભાર અને તેની સામે કરવામાં આવેલી હિસાબી કાર્યવાહીનું મોટું ચિત્ર રજૂ કરે છે.
કેન્દ્રીય રાજ્ય નાણાંમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું હતું કે બેન્કો દ્વારા કરવામાં આવતી લોનની રાઇટ ઓફની રકમ નાણાકીય વર્ષ 2018-19માં રૂ.1,48,753 કરોડ હતી, જે 2025-26માં ઘટીને રૂ.20,485 કરોડ રહી છે. એટલે કે તાજેતરના વર્ષોમાં બેન્કોની રાઇટ ઓફ કરવાની ગતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સંસદમાં રજૂ થયેલા સત્તાવાર જવાબમાં મોટા ઉદ્યોગો અને સર્વિસ ક્ષેત્રની લોન સંબંધિત આંકડાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા.
પરંતુ અહીં સૌથી મહત્વની બાબત એ છે કે ‘રાઇટ ઓફ’નો અર્થ લોન માફી નથી. ભારતીય રિઝર્વ બેન્કના નિયમો મુજબ ટેકનિકલ રાઇટ ઓફમાં બેન્ક પોતાના હિસાબોમાં ખરાબ અથવા વસૂલાત મુશ્કેલ બનેલી લોનને ઘટાડે છે, પરંતુ દેવાદાર સામેનો બેન્કનો દાવો સમાપ્ત થતો નથી. વસૂલાતની કાર્યવાહી ચાલુ રાખી શકાય છે.
મોટા ઉદ્યોગો અને સર્વિસ ક્ષેત્રની બાકી લોન પણ ચિંતાજનક રીતે ઊંચી છે. ઉપલબ્ધ આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2024-25માં બાકી લોન રૂ.63,19,057 કરોડ હતી, જે 2025-26માં વધીને રૂ.69,21,734 કરોડ થઈ છે. એટલે કે એક તરફ રાઇટ ઓફમાં ઘટાડો થયો છે, પરંતુ બીજી તરફ મોટા ઉદ્યોગો-સર્વિસ ક્ષેત્રની કુલ બાકી લોનમાં વધારો નોંધાયો છે.
રાઇટ ઓફને સમજવા માટે બે પાસાં અલગ રાખવા જરૂરી છે. એક તરફ બેન્કની બેલેન્સશીટને વાસ્તવિક સ્થિતિ દર્શાવવા માટે ખરાબ લોન સામે જોગવાઈ અથવા રાઇટ ઓફ કરવામાં આવે છે. બીજી તરફ આ પ્રક્રિયા દેવાદારને આપોઆપ દેવામાંથી મુક્ત કરતી નથી. RBI પણ સ્પષ્ટ કરે છે કે ટેકનિકલ રાઇટ ઓફમાં લોન ખાતાના સ્તરે બાકી રકમ ચાલુ રહે છે અને વસૂલાતના અધિકાર પર અસર પડતી નથી.
સરકારના જણાવ્યા મુજબ નાણાકીય શિસ્તમાં પણ સુધારો થયો છે. 2020-21માં નાણાકીય ખાધ GDPના 9.2 ટકા હતી, જે 2025-26માં અંદાજે 4.4 ટકા રહી છે. સરકારી દેવું પણ GDPના 61.5 ટકાથી ઘટીને અંદાજે 58.2 ટકા થયું છે. સાથે જ મૂડી ખર્ચ 2020-21ના રૂ.4.3 લાખ કરોડથી વધીને 2025-26માં અંદાજે રૂ.10.7 લાખ કરોડ થયો છે.
આ સમગ્ર ઘટનાક્રમનો સૌથી મોટો સવાલ એ છે કે રાઇટ ઓફ પછી ખરેખર કેટલી રકમ પાછી આવે છે અને કેટલા ખાતાઓમાં વસૂલાત સફળ બને છે. કારણ કે બેન્કિંગ ક્ષેત્ર માટે માત્ર બેલેન્સશીટ સાફ કરવી પૂરતી નથી; જાહેર નાણાંમાંથી અપાયેલી લોનની મહત્તમ વસૂલાત થાય તે પણ એટલું જ મહત્વનું છે. RBIના નિયમોમાં પણ ખરાબ લોનની ઓળખ, યોગ્ય જોગવાઈ અને વસૂલાતની પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવ્યો છે.
રૂ.9.95 લાખ કરોડનો આંકડો કેમ ચોંકાવનારો?
છેલ્લા 12 વર્ષમાં મોટા ઉદ્યોગો અને સર્વિસ ક્ષેત્રની આશરે રૂ.9.95 લાખ કરોડની લોન રાઇટ ઓફ થવી બેન્કિંગ ક્ષેત્રના કદને જોતા પણ મોટો આંકડો છે. આ રકમ રાઇટ ઓફ થયેલા લોન ખાતાઓના નાણાકીય ભારને દર્શાવે છે, જોકે તેને સીધી ‘લોન માફી’ ગણવી યોગ્ય નથી.
રાઇટ ઓફ એટલે લોન માફ નહીં!
બેન્ક હિસાબોમાં લોનને રાઇટ ઓફ કરે એટલે દેવાદારનું દેવું આપોઆપ સમાપ્ત થતું નથી. RBIના નિયમો મુજબ ટેકનિકલ રાઇટ ઓફમાં બેન્કનો દેવાદાર સામેનો વસૂલાતનો દાવો યથાવત્ રહી શકે છે અને વસૂલાતની કાર્યવાહી ચાલુ રહે છે.
2018-19માં રૂ.1.48 લાખ કરોડની રાઇટ ઓફ
નાણાકીય વર્ષ 2018-19માં બેન્કોની લોન રાઇટ ઓફની રકમ રૂ.1,48,753 કરોડ હતી. 2025-26માં આ રકમ ઘટીને રૂ.20,485 કરોડ થઈ છે. એટલે તાજેતરના વર્ષોમાં રાઇટ ઓફની વાર્ષિક રકમમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
બાકી લોન ઘટવાને બદલે વધી
મોટા ઉદ્યોગો અને સર્વિસ ક્ષેત્રની બાકી લોન 2024-25માં રૂ.63.19 લાખ કરોડ હતી. 2025-26માં તે વધીને રૂ.69.22 લાખ કરોડ થઈ છે. એટલે રાઇટ ઓફ ઘટ્યા હોવા છતાં બાકી લોનના કુલ આંકડામાં વધારો નોંધાયો છે.
નાણાકીય ખાધ 9.2 ટકાથી 4.4 ટકા
2020-21માં દેશની નાણાકીય ખાધ GDPના 9.2 ટકા સુધી પહોંચી હતી. 2025-26માં તે ઘટીને અંદાજે 4.4 ટકા રહેવાનો અંદાજ છે. સરકાર આ ઘટાડાને નાણાકીય શિસ્તમાં સુધારાનો સંકેત ગણાવે છે.
મૂડી ખર્ચ અઢી ગણાથી વધુ
2020-21માં સરકારનો મૂડી ખર્ચ રૂ.4.3 લાખ કરોડ હતો. 2025-26માં તે વધીને અંદાજે રૂ.10.7 લાખ કરોડ થયો છે. સરકારના જણાવ્યા મુજબ નાણાકીય શિસ્ત સાથે વિકાસલક્ષી મૂડી ખર્ચ વધારવા પર પણ ભાર મૂકાયો છે.


