દોઢ વર્ષથી પોલીસને થાપ આપતો 13 લાખના દારૂકાંડનો આરોપી આખરે ઝડપાયો
ઉમરડા પ્રાથમિક શાળા પાસેથી રાજકોટ રેન્જની ટીમે વોન્ટેડ આરોપીને ઝડપી મુળી પોલીસને સોંપ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ રેન્જ પોલીસની ટીમે દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ.13 લાખના અંગ્રેજી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી વિભાભાઈ ઉર્ફે વિહાભાઈ જગાભાઈ મુંધવાને ઉમરડા ગામમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
મળતી વિગતો મુજબ મુળી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 દરમિયાન પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં મોટી કિંમતનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો હતો અને આરોપી વિભાભાઈ ઉર્ફે વિહાભાઈ મુંધવા, રહે. ઉમરડા, તા. મુળી, જિ. સુરેન્દ્રનગર, પોલીસની પકડથી દૂર રહ્યો હતો.
નાસતા-ફરતા આરોપીઓને શોધી ઝડપી પાડવા રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને રાજકોટ રેન્જ પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમે વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન રાજકોટ રેન્જના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા અને સી.એમ. કાંટેલીયાની આગેવાની હેઠળના સ્ટાફને આરોપી અંગે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે ટીમે મુળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉમરડા ગામની પ્રાથમિક શાળા નજીક વોચ ગોઠવી હતી.
પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી વિભાભાઈ ઉર્ફે વિહાભાઈ મુંધવાને ઝડપી લીધો હતો. આરોપીની અટકાયત બાદ તેને મુળી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે, જ્યાં પ્રોહિબિશનના રૂ.13 લાખના ગુનામાં તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહીમાં રાજકોટ રેન્જ પોલીસના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, ફતેસંગ પરમાર અને દિલીપસિંહ સિધવ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. દારૂના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને સ્થાનિક વિસ્તારમાંથી ઝડપી લેતાં પોલીસની કામગીરીની નોંધપાત્ર સફળતા માનવામાં આવી રહી છે.


